મોરબી: આંશિક છુટછાટની વચ્ચે પોલીસે કર્યુ સઘન ચેકિંગ
- અન્ય શહેરોમાંથી લોકો મોરબીમા ના પ્રવેશે તેની ખાસ તકેદારી
- મંજૂરી વિનાની દુકાનોને બંધ કરાવાઈ
મોરબી, તા.28 એપ્રિલ 2020, મંગળવાર
હાલમાં મોરબી કલેક્ટર દ્વારા જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સહિતની અમુક પ્રકારની દુકાનો શરતોને આધીન ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. અમુક લોકો અમદાવાદ અને જેતપુરથી મોરબી આવ્યા હોવાનો કિસ્સો ગઈકાલે સામે આવ્યો હતો ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકીંગ શહેરમાં કરવામાં આવી રહ્યું છે.
મોરબી સીટી પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટથી મોરબી આવવાનો મુખ્ય માર્ગ એવા કેનાલ રોડ પર ઉમિયા સર્કલ પાસે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. જેથી, રાજકોટ કે અન્ય શહેરમાંથી લોકો મોરબીમાં પ્રવેશ ન મેળવી શકે. વધુમાં, બાઈક કે સ્કૂટીમાં માત્ર એક સવાર અને કારમાં માત્ર બે લોકોને સવારીની છૂટ આપવામાં આવી છે. જેથી, વધુ લોકો સાથે સવારી કરતા લોકોને પરત મોકલવામાં આવ્યા છે.
મોરબી પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા સાથે પોલીસ સ્ટાફની 15-20 જેટલી ગાડીના કાફલા સાથે પેટ્રોલિંગ કરી બપોરે 1 વાગ્યા બાદ પણ ખુલ્લી હોય તેવી દુકાનોને બંધ કરાવી હતી. હવેથી નિયમોનું ભંગ ના કરવા ચેતવણી આપી હતી. વધુમાં, લોકોની ભીડભાડ ના થાય અને બિનજરૂરી અવરજવર ટળે તે માટે પોલીસના કાફલાએ કડક કાર્યવાહી કરી હતી. જાહેરનામાનો ભંગ કરતા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યા છે.