મોરબી: ભીડ જામતા પાનમાવાની દુકાનો અને હોલસેલ એજન્સીઓ બંધ
મોરબી, તા. 20 મે 2020 બુધવાર
કોરોના લોકડાઉનને પગલે વ્યસનીઓ છેલ્લા બે માસથી મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, લોકડાઉન-4માં સરકારે પાન-માવાનો વેપાર કરવાની છૂટ આપતા આજથી મોરબીમાં પાનની દુકાનો ખુલી હતી. જો કે, પાનની દુકાનો તેમજ હોલસેલ એજન્સીમાં અતિશય ભીડ જામતા દુકાનો બંધ કરવી પડી હતી.
મોરબીમાં પાનમાવા વેચાણની મંજુરી મળતા આજે વેપારીઓએ દુકાન ખોલી ધંધાના શ્રીગણેશ કર્યા હતા. જો કે, લાંબા સમયથી ઘરમાં પુરાયેલા રહેલા વ્યસનીઓએ લાંબી લાઈનો લગાવી હતી.
શહેરના વિવિધ સ્થળે પાનની દુકાનોમાં ભીડ જામી હતી તેમજ હોલસેલ એજન્સી ખાતે પણ તમાકુ સહિતની ચીજવસ્તુઓ માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. એટલું જ નહિ પરંતુ અતિશય ભીડને કાબુમાં લઇ શકાય તેમ ના હોય જેથી દુકાનો જ બંધ કરવી પડી હતી.