મોરબી નગરપાલિકાનાં કોંગ્રેસનાં સદસ્યનાં ભાઈની કરપીણ હત્યા
- મચ્છી-મુરઘીના થડા બાબતની માથાકુટમાં
- રફાળેશ્વર નજીક નોનવેજની લારીએ જમવા ગયા ત્યારે ડખ્ખોઃ ૧૦ શખ્સો તલવાર, ધારીયા અને પાઈપ લઈને તૂટી પડયા
મોરબી, તા, 15 ફેબ્રુઆરી 2019, શનિવાર
મોરબીનાં રફાળેશ્વર નજીક ગઈકાલે રાત્રે નોનવેજની લારીએ જમવા ગયેલા મોરબી નગરપાલિકાના કોંગી સદસ્યનાં નાના ભાઈ ઉપર ૧૦ શખ્સોએ સશસ્ત્ર હુમલો કરીને કરપીણ હત્યા કરી નાંખી હતી. જ્યારે હુમલામાં ત્રણ મિત્રો પણ ગંભીર રીતે ઘવાયા હતા.
વિગત પ્રમાણે, મોરબી નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચુંટાયેલા પવડી (પબ્લીક વર્કસ ડિપાર્ટમેન્ટ) કમિટીનાં ચેરમેન ઈંદરીશભાઈ જેડાનો નાનો ભાઈ સઈદુ મેપાભાઈ જેડા (ઉ. ૪૦) તથા મિત્રો ઈમરાન ફરીદભાી જેડા (રહે. વિસીપરા, મોરબી), અલી મયુદીન સંઘવાણી (ઉ. ૨૫) અને પ્રશાંત ઉર્ફે લાલો રામજીભાઈ પરમાર (ઉ. ૨૫) ગઈકાલે રાત્રે રફાળેશ્વર નજીક આવેલી નોનવેજની લારીઓ જમવા માટે ગયા હતા.
આ દરમિયાન ત્યાં રફાળેશ્વર અને અંજીયાસર ગામે રહેતા કાસમ ઈશા મોવર, ઈશાક અલી જામ, વલી ઈશાક જામ, અલી ઈશાક જામ અને અનવર ઈશાક જામ સહિત ૧૦ શખ્સો ધસી આવ્યા હતા અને 'તમારે અમારો મચ્છુ-મુરઘીનો થડો પડાવી લેવો છે...' તેમ કહીને તલવાર, ધારીયા અને પાઈપ વડે ઘાતકી હુમલો કર્યો હતો.
પરિણામે ઘાતકી હુમલામાં મૂળ માળીયા મિંયાણા અને હાલ મોરબીના વિસીપરામાં રહેતા સુધરાઈની પવડી કમિટીનાં ચેરમેનના નાનાભાઈ સઈદુ જેડા (ઉ. ૪૦)ને ધારીયાના જોરદાર ઘા લાગી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રો ઈમરાન જેટા, અલી સંઘવાણી અને પ્રશાંત પરમારને ગંભીર ઈજાઓ થવાથી મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
આ ચકચારી ઘટનાના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દઈ ઈજાગ્રસ્ત ઈમરાન જેઠાની ફરિયાદના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે વધુ તપાસ પીએસઆઈ એન.જે. રાણાને સોંપવામાં આવી હતી.