સસ્તા ગાર્મેન્ટ અપાવવાં લાલચ આપી મુંબઇનાં દંપતીનાં 4 લાખ પડાવી ફરાર
- કૂર્તિ બાબતે વાતચીત કરી મોરબી નજીક બોલાવાયા
- કારમાં આવેલા પાંચ શખ્સો રોકડ રકમ લઈને નાસી છૂટયાઃ પોલીસ ફરિયાદ નોંધાવાતા હાથ ધરાતી તપાસ
મોરબી, તા. 25 ઓક્ટોબર 2019, શુક્રવાર
મુંબઈના રહેવાસી દંપતીને સસ્તામાં ગારમેન્ટ અપાવવાની લાલચ આપીને ત્રણ શખ્શોએ મોરબી નજીકના સ્થળે બોલાવી ૪ લાખ રોકડ લઈને ફરાર થઈને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતા પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.
મુંબઈના રહેવાસી કમરજહાન ઉર્ફે નિશા મહમદહફીઝ મહમદમુજીબ અંસારી કપડાના સેલ્સ માર્કેટિંગનો વેપાર કરે છે. તેણે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી બીપીનસીગ ઉર્ફે વીકી અભયદાન યાદવ, રાજુ જેનું નામ યુસુફ કાદર જેડા (રહે. બંને માળિયા) તેમજ સલીમ દાઉદ માણેક (રહે મોરબી)આ ત્રણ શખ્શોએ તેની સાથે ૪ લાખની છેતરપીંડી આચરી છે.
જેમાં મહિલાને સસ્તા ગારમેન્ટની લાલચ આપીને મોરબીના અણીયારી ચોકડી પાસે બોલાવ્યા હતાં. તા. ૨૩ ના રોજ મહિલા તેના પતિ તથા દિયર મહમદ મુસીર સાથે રોકડ રકમ ૪ લાખ લઈને મુંબઈથી અમદાવાદ આવ્યા હતાં.વિકીએ ફોન કરીને તેને અણીયારી ટોલનાકા પાસે બોલાવ્યા હતાં. બાદમાં કારમાં આવેલ પાંચ શખ્સો દંપતીની રોકડ રકમ લઈને નાસી ગયા હતા અને ચાર લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ કરી છે.
કેવી રીતે કરી છેતરપીંડી ?
ભોગ બનનાર મહિલા અને તેના પતિ લગ્નપ્રસંગમાં મેરેજ ઇવેન્ટનું કામ કરતા હોય અને વીકી જેનું સાચું નામ બીપીનસિંગ અભયનાથ યાદવ હોય જે સાથે કામ બાબતે ઓળખાણ થતા વોટ્સએપથી પરિચય થયો હતો અને વીકીએ મોબાઈલમાં કુર્તીનું સ્ટેટ્સ મુકેલ જે જોઇને કુર્તી બાબતે વાતચીત કરેલ અને અમદાવાદમાં રાજુભાઈ પાર્ટી પાસે આ માલ સસ્તામાં મળે છે.
સાત આઠ લાખનો માલ છે કહીને જથ્થાબંધ માલ લેવાની લાલચ આપી હતી. જેથી મહિલા તેના પતિ અને દિયર સાથે અમદાવાદ આવવા નીકળી હતી. બાદમાં તેને હળવદ અને છેલ્લે અણીયારી ટોલનાકા પાસે બોલાવી મોરી નજીક તેની પાસે રહેલ રોકડ રકમ લઈને આરોપીઓ રફુચક્કર થઇ ગયા હતા.