મોરબી, તા. 29 જાન્યુઆરી 2019 મંગળવાર
વાંકાનેર નગરપાલિકા વોર્ડ નંબર-6ની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ વોર્ડમાં કુલ 3411 મતદારો નોંધાયેલા છે જેમાંથી કુલ 1943 મતદારોએ પોતાના વિસ્તારના ઉમેદવારને પસંદ કરવા માટે મતદાન કર્યું હતુ.
વાંકાનેર નગરપાલિકા વોર્ડ નંબર ૬માંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન સોમાણી પ્રતિનિધિત્વ કરતા હતા પરંતુ તેઓનું અવસાન થતાં આ વોર્ડમાં સ્ત્રી સીટ ખાલી પડી હતી અને તેમની ચૂંટણી થતાં આ વોર્ડમાંથી ભાજપ અને એનસીપીના ઉમેદવારો સામ સામે ચૂંટણી લડી રહ્યા હતાં. જ્યારે આ વોર્ડમાં કોંગ્રેસે કે બસપાએ પોતાનો ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા.
જેની મતગણતરી પ્રાંત ઓફિસ વાંકાનેર ખાતે કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી એન. એફ. વસાવા અને તાલુકા વિકાસ અધિકારી વી.કે. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તો આ બેઠક પરના ભાજપના ઉમેદવાર અનસોયાબા ઈન્દુભા જાડેજાને કુલ ૧૩૫૯ મત મળેલ છે અને એનસીપીના ઉમેદવાર રાજેશ્રીબેન દેવશીભાઇને ૫૬૭ મત મળેલ છે તેમજ નોટામાં કુલ ૧૭ મત પડેલ છે આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ૭૯૨ મતોથી વિજય થયો હતો.


