મોરબી, તા. 25 ફેબ્રુઆરી 2019 સોમવાર
મોરબીના ઝુલતા પુલ પરથી વાલજી મોહનભાઇ ઠોરીયા નામના લાલપર ગામના યુવાને નદીમાં ઝંપલાવ્યું હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
ઝુલતા પુલના સામાકાંઠા તરફના ગેટ પાસેથી એક હીરોહોન્ડા સ્પ્લેનડર GJ 36 H 5826 નંબરનું બાઈક મળી આવ્યું છે. જેની ચાવી બાઈકમાં જ હોય અને એક ચિઠ્ઠીમાં બે મોબાઈલ નંબર લખેલા છે. યુવાને નદીમાં ઝંપલાવ્યાની જાણ થતા મોરબી ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ, સહિતની ટીમ સ્થળ પર પહોંચી છે અને યુવાનની શોધખોળ ચલાવી છે.
નદીમાં ઝંપલાવનાર યુવક વાલજીભાઈના ભત્રીજાનું બે દિવસ પહેલા અવસાન થયું હોય આજે તેના બેસણામાં આવેલા પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા છે.
જોકે મોરબીની મચ્છુ નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય હોય જેથી સર્ચ ઓપરેશનમાં પણ મુશેક્લીઓ સર્જાઈ શકે છે. આમ છતાં ફાયરની ટીમ તમામ અવરોધો છતાં યુવાનને બચાવવા પૂરતા પ્રયત્નો કરી રહી છે.


