મોરબી જિલ્લો ધો. 12 સાયન્સની પરીક્ષામાં રાજ્યભરમાં ત્રીજા સ્થાને
- 84.02 ટકા જેવું ઊંચું પરિણામ
- સૌથી વધુ હળવદ કેન્દ્રનું 91.13 ટકા પરિણામ, એ-વન ગ્રેડ મેળવવામા ત્રણ વિદ્યાર્થીઓ રહ્યા સફળ
મોરબી, તા. 9 મે 2019, ગુરુવાર
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાનો ડંકો વાગ્યો છે અને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો ૮૪.૦૨ ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યો છે.
ધોરણ ૧૨ સાયન્સની મોરબી જિલ્લાના મોરબી કેન્દ્રમાં ૧૩૭૪, વાંકાનેર કેન્દ્ર પરથી ૧૯૫ અને હળવદ કેન્દ્ર પર ૫૦૦ નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી ૪૯૬ સહિત કુલ ૨૦૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં મોરબી કેન્દ્રનું ૮૧.૪૪ ટકા, વાંકાનેર કેન્દ્રનું ૮૪.૧૦ ટકા અને હળવદ કેન્દ્રનું ૯૧.૧૩ ટકા જેટલું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે.
મોરબી જિલ્લાનું કુલ પરિણામ ૮૪.૦૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં રાજકોટ અને બોટાદ જિલ્લા બાદ ત્રીજું સ્થાન મોરબી જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.જેમાં એ ૧ ગ્રેડ સાથે ત્રણ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે તેમજ મોરબી જિલ્લાના ત્રણ પરીક્ષા કેન્દ્રમાંથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું ૯૧.૧૩ ટકા જોવા મળ્યું છે.
ધોરણ ૧૨ સાયન્સમાં નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા માખીજા ગૌતમ પ્રદિપભાઇએ એ ગુ્રપમાં ૯૯.૯૮ પીઆર મેળવ્યા છે. ફ્રુટના વેપારી પિતા અને ગૃહિણી માતા ૧૦ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જો કે, માખીજા ગૌતમે સખ્ય મહેનત કરીને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે વધુ અભ્યાસ કરીને ગૌતમને સોફટવેર એન્જીનીયર બનવાનું સ્વપ્ન છે.
જયારે વિદ્યાર્થી સદાતીયા મીતે ગુ્રપ બી.માં ૯૯.૯૬ પીઆર મેળવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શિક્ષક પિતા અશોકભાઇ અને ગ્રેજ્યુએટ માતાનો અભ્યાસમાં પુરતો સહયોગ મળ્યો હોય તેમજ શાળાના સ્ટાફના પ્રયાસોથી તેને સફળતા મેળવી છે તેમજ આગળ વધુ અભ્યાસ કરીને મિતને ન્યુરો સર્જન બનવું છે.
વળી, એ -૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ત્રીજા વિદ્યાર્થીમાં મોરબીના ટાઇલ્સના વેપારીના પુત્ર તુલસીયાણી કમલે ૫૯૬ માર્ક્સ તેમજ ૯૯.૯૨ પીઆર મેળવીને નાલંદા વિદ્યાલય અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેને કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધવું છે તેમ જણાવ્યું છે.