વાંકાનેર નજીક પરપ્રાંતીય મજુરનું ગળું કાપી નાખી ક્રૂરતાપૂર્વક હત્યા
- સરતાનપર રોડ પરથી મળી આવી લાશ
- બિહારી યુવકના મૃતદેહ પાસેથી મીઠું પણ મળી આવતા બાજુમાં મંદિર હોવાથી બલી ચડાવવા જેવી પણ આશંકા સાથે પોલીસ તપાસ શરૂ
મોરબી, તા. 10 મે 2019, શુક્રવાર
વાંકાનેરના સરતાનપર રોડ પર પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ગળુ કાપીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ પર દોડી જઈને સઘન તપાસ ચલાવી છે. વળી, મૃતદેહની નજીક મીઠું મળવા ઉપરાંત બાજુમાં મંદિર હોવાથી બલી ચડાવાઈ હોવાની પણ આશંકાથી ચકચાર મચી ગઈ છે.
બનાવની મળતી માહિતી મુજબ, વાંકાનેરના સરતાનપર રોડ પરના મંદિર નજીક એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક યુવાન મુન્ના ચોબે મૂળ બિહારનો રહેવાસી યુવાન છે. જેનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા ક્યા કારણોસર થઈ તે સ્પષ્ટ બન્યું નથી. હત્યાને પગલે વાંકાનેર તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાના બનાવની વધુ તપાસ ચલાવી છે.
હત્યાના બનાવ અંગે મૃતકના બનેવી વિકાસકુમાર ઉપાધ્યાયે પોલીસમાં નોંધાવી છે કે, અજાણ્યા ઈસમે તેના સાળા મુન્નાભાઈ ચોબેની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી અજાણ્યા આરોપીને ઝડપી લેવા કવાયત આદરી છે. જો કે, યુવાનની હત્યા ક્યા કારણોસર કરાઈ તે આરોપીની ઓળખ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ વધુ એક હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, મૃતદેહ પાસેથી મીઠું પણ મળી આવ્યું હોય અને ગળું કાપી હત્યા કરવામાં આવી ત્યાં નજીકમાં મંદિર છે. જેથી બલી ચડાવવા જેવું કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.