આંગડીયા પેઢીના 25 લાખના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી
- મોરબી-માળીયા હાઇ-વે પર S.T. બસમાંથી
- હોટલમાં ચા-પાણી પીવા માટે નીચે ઉતર્યા અને બસમાંથી થેલો ઉઠાવીને બે શખ્સો એક કારમાં બેસી રફુચક્કર થઈ જતા ચકચાર
મોરબી,તા, 2 એપ્રિલ 2019, મંગળવાર
મોરબી-માળિયા હાઈવે પર હોટલના સ્ટોપમાં આંગડીયા પેઢીનો કર્મચારી ચા-પાણી પીવા ઉતર્યો ત્યારે એસ.ટી. બસમાંથી તેનો ૨૫ લાખના દાગીના ભરેલ થેલાની બે શખ્સો ઉઠાંતરી કરીને કારમાં ફરાર થઈ જતાં ચકચાર જાગી છે. જે બનાવ મામલે આંગડીયા પેઢીના સંચાલકની ફરિયાદને આધારે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ, અમદાવાદના રહેવાસી નિકુંજ પ્રવીણભાઈ પારેખે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેની એચ. પ્રવીણકુમાર આંગડીયા પેઢીની અમદાવાદ, મુંબઇ, રાજકોટ, ભુજ તેમજ કચ્છમાં વિવિધ બ્રાંચ આવેલી છે જેમાં રાજકોટ બ્રાંચના કર્મચારી રોહિતપુરી ઉમેદપુરી બાવાજી આંગડીયા પાર્સલો લેવા માટે રાજકોટથી ભુજ આવજા કરતા હોય છે. જે રૂટીન પ્રમાણે ગત રાત્રીના તે જૂનાગઢ-ભુજ રૂટની બસમાં બેઠા હતા.
રાત્રીના ૧૨.૩૦ વાગ્યાના સુમારે માળિયા હાઇવે પરની માધવ હોટેલ બસના સ્ટોપને પગલે ચા-પાણી પીવા ઉતર્યા હતા. અને આંગડીયા પેછીના સોના-ચાંદીના પાર્સલ (કિં. ૨૫ લાખ) ભરેલો થેલો એસટી ની સીટ નં. ૩૧ ઉપર મુક્યો હતો. ચા-પાણી પીને પરત ફરતા એસ.ટી. બસમાં સવાર બે મુસાફરો થેલો લઈને જતા હતા.
જેથી તેની પાછળ જતાં દોટ મુકીને સફેદ કલરની કારમાં બેસી ફરાર થઇ ગયા હતા. બસમાં સવાર બે મુસાફરો અને એક કાર ચાલક એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે ૨૫ લાખના સોના-ચાંદીનાં પાર્સલ ભરેલા થેલાની ઉઠાંતરીની ફરિયાદ નોંધી વધુ તપાસ માળિયા પી.એઈ. જે.ડી. ઝાલા ચલાવી રહ્યા છે.