ટંકારા : પોઝિટિવ કેસ બાદ જયનગર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, 57 લોકો હોમ ક્વોરન્ટાઇન
- કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલ મિત્ર અને તેમના બે બાળકો મામાના ઘરે ગયા હોવાથી મામાના ઘરના 9 સદસ્યો તેમજ સંપર્કમાં આવેલા મામલતદાર કચેરીના 4 કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફને પણ હોમ કવરોન્ટાઈન કરાયા
ટંકારા, તા.28 મે 2020, ગુરૂવાર
મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોનોનો ચોથો પોઝિટિવ કેસ નોંધાયો હતો. એ સાથે જ આરોગ્ય, પોલીસ, રેવન્યુ સહિતનો સ્ટાફ હરકતમાં આવીને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
અમદાવાદથી ગત તા.23 ના રોજ પત્ની અને બે બાળકો સાથે કારમાં ભાવેશભાઈ ધરમશીભાઈ ભાગીયા ઉ.વ 38 નામનો યુવાન ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ જયનગરમાં પોતાના ઘર રહેવા આવ્યો હતો. દરમિયાન બે દિવસ પહેલા લીધેલા માસ સેમ્પલમાં આ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી, આ યુવાનને સારવાર અર્થે રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ખસેડાયો છે અને સંબધિત તમામ વિભાગોએ કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે સઘન કામગીરી કરી હતી.
ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ જયનગર વિસ્તારમાં ગઈકાલે એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયના પગલે જ આરોગ્ય વિભાગ, પોલીસ તેમજ રેવન્યુ અને મામલતદાર સહિતનો સ્ટાફ ત્યાં દોડી જઈને જરૂરી તમામ કામગીરી હાથ ધરી હતી. બાદમાં તંત્રએ આજ સવારથી આ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફરઝોન નક્કી કરવા અને હોમ કવરોન્ટાઈન કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. જેમાં જયનગર વિસ્તારના 10 ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવરી લીધા હતા. આ કન્ટેન્ટમેન્ટ ઝોનના 57 લોકોને હોમ કવરોન્ટાઈન કરી દીધા છે તેમજ જયનગરના અન્ય 52 ઘર અને 246 વ્યક્તિઓને બફર ઝોનમાં આવરી લીધા છે. તેમજ સાવડી ગામમાં બફર ઝોનમાં આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા સઘન સર્વેની કામગીરી ચાલુ છે.
કોરોનાગ્રસ્તના સેમ્પલ લેવા સમયે સંપર્કમાં આવેલા ટંકારા મામલદાર કચેરીના ચાર કર્મચારીઓને તકેદારીના ભાગરૂપે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ઉપરાંત, ટંકારામાં આવ્યા બાદ કોરોનાગ્રસ્ત તેમના સાવડી ગામે રહેતા મિત્ર સંજય કગથરાના સંપર્કમાં આવ્યા હતા અને બન્ને મિત્રો સાથે હર્યાફર્યા હોવાથી સંજયભાઈને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્તના બે બાળકો અમદાવાદથી આવ્યા બાદ તેમના જીવાપર રહેતા મામાના ઘરે રહેવા ગયા છે. તેથી, આ મામાના પરિવારના 9 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.