મોરબી જિલ્લામાં ચા-નાસ્તાની લારી 31મી સુધી બંધ રહેશે
- જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ
મોરબી, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૦, સોમવાર
મોરબી જિલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જેના પગલે અનલોક ૨ માં આપેલ છૂટછાટ તંત્રએ પરત લીધી છે આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં ચા-કોફી અને નાસ્તાની લારીઓ બંધ કરવા આદેશ આપ્યો છે તેમજ પાનમસાલા પણ ફક્ત પાર્સલ જ મળી શકશે.
પાન-મસાલાના ફક્ત પાર્સલ જ મળશે : દુકાન પર બે વ્યક્તિ વચ્ચે ૬ ફૂટનું અંતર ફરજીયાત
મોરબી જિલ્લામાં વધતા કોરોના કહેર અટકાવવા મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે પાન, ગુટખા, તમાકુના દુકાનદારે પાન તમાકુ વેચાણ પાર્સલથી જ કરવાનું રહેશે તેમજ દુકાન પર બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટ અંતર જાળવવાનું રહેશે એકીસાથે ૪ થી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન પર હાજર રહી શકશે નહિ તથા દુકાનદારે સોશ્યલ ડીસટન્સીગ જાળવવા એક વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાના રહેશે જાહેર સ્થળો પર પાન, ગુટખા અને તમાકુનં સેવન પરવા પર પ્રતિબંધ રહેશે. ચા,કોફી અને નાસ્તાની લારી બંધ રાખવાના રહેશે. જાહેરનામું મોરબી જીલ્લાના સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લાગુ પડશે જાહેરનામું તા. ૧૩મી જુલાઈ સુધી અમલી રહેશે.
જીલ્લાની તમામ મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે તથા ઝોનલ કચેરીઓમાં મર્યાદિત સેવાઓ ચાલુ રહેશે તે સિવાયની અન્ય તમામ કામગીરી જાહેર જનતાના આરોગ્ય હિતને ધ્યાને લઈને બંધ રાખવા સુચના આપવામાં આવે છે.
આરોગ્યના હેતુ માટે માં અમૃતમ કાર્ડના હેતુ અર્થે આવકનો દાખલો આપવાનો રહેશે આવા ઈશ્યુ કરવાના થતા દાખલામાં ફક્ત માં અમૃતમ/માં વાત્સલ્ય યોજનાના કામ અર્થે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. કોઈ ગંભીર બીમારીના અતિ આવશ્યક કિસ્સાઓમાં જરૂરી ખાત્રી કરી સંબંધિત મામલતદાર જરૂરી પ્રમાણપત્રો/ દાખલાઓ આપી શકશે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષના આવકના દાખલાની તથા નોન ક્રીમીલેયરના આપેલ પ્રમાણપત્રોની મુદત તા. ૩૧-૦૩-૨૦૨૧ સુધી માન્ય કરેલ હોવાથી શાળા-કોલેજ તથા સંસ્થાઓએ માન્ય રાખવાના રહેશે ચાલુ વર્ષના દાખલા માટે આગ્રહ રાખવાનો રહેશે નહિ જરૂર જણાયે તા. ૩૦-૦૯-૨૦૨૦ સુધીમાં રજુ કરવાનું જણાવવાનું રહેશે. ઝોનલ કચેરીમાં નામ દાખલ, કમી, નવું રાશનકાર્ડ, સરનામાં ફેરફાર સહિતની કામગીરી આગામી તા. ૩૧ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવે છે.
નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રીત ન થાય તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તેમજ આ ગંભીર ચેપી રોગને ફેલાતા અટકાવવા, અરજદારોને અટકાવવા માટે તકેદારી રાખવી ખુબ જ જરૂરી હોય તા. ૩૧-૦૭-૨૦૨૦ સુધી જિલ્લા સેવાસદન, મોરબી ખાતે અરજદારને આવવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. ફકત કર્મચારીઓને જ પ્રવેશવા દેવામાં આવશે.દદ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.