મોરબી: સરકારની જાહેરાત સામે ગેસ કંપનીનું ગતકડું, ઉદ્યોગકારો નારાજ
- જે ઉદ્યોગો અન્ય કોઈ ગેસ વાપરશે તો તેને આ રાહતનો લાભ આપવામાં આવશે નહીં !
મોરબી, તા. 16 મે 2020 શનિવાર
સિરામિક ઉદ્યોગને પડ્યા પર પાટું મળ્યું છે. સરકાર દ્વારા સિરામિક ઉધોગને રાહત આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગેસ કંપનીએ હપ્તાની સ્કીમનો માત્ર પી.એન.જી. વાપરતા ગ્રાહકો માટે જ હોવાનો ફતવો જાહેર કરતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત ગેસના બિલ હપ્તામાં રાહત આપતી જાહેરાત કરી હતી. લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ રહ્યા હતા. તેને ફરીથી બેઠા કરવાના આશયથી સરકાર દ્વારા આ રાહતલક્ષી જાહેરાત કરવામાં આવી હતી.
જે જાહેરાત મુજબ ગેસ કંપની દ્વારા બીલની બાકીની રકમ ચાર હપ્તામાં 23 જૂન સુધીમાં ભરી દેવાની છૂટ આપવામાં આવી હતી. જેના ઉપર 18 ટકાને બદલે 10 ટકા વાર્ષિક દર લેખે લેટ પેમેન્ટ ચાર્જ લાગુ પાડવાનું જાહેર કર્યું હતું.
ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર હવે આ રાહત ઉપર ગેસ કંપનીએ નવું ગતકડું કાઢ્યું છે. ગેસ કંપનીએ જાહેર કર્યું છે કે જે ઉદ્યોગો અન્ય કોઈ ગેસ વાપરશે તો તેને આ રાહતનો લાભ આપવામાં આવશે નહિ.
જો કે હાલ પ્રોપેન રૂ. 20માં આવતો હોય અને તેની સામે ગુજરાત ગેસ કંપનીનો પીએનજી રૂ. 28માં આવતો હોય ઉદ્યોગકારો પોતાનો લોસ રિકવર કરવાના ગણિતથી પ્રોપેન જ વાપરવાના હોય તે સ્વાભાવિક છે.
પ્રોપેનના ભાવ ઘટ્યા હોય ઉદ્યોગકારો પ્રોપેન તરફ ન વળે તે માટે ગેસ કંપનીના અધિકારીઓએ વ્યૂહ રચ્યો છે. જેમાં ઉદ્યોગકારોને રાહત આપવાની માત્ર વાત જ છે બાકી હકીકતમાં ઉદ્યોગકારોને નુકસાન પહોંચાડીને કંપનીનો ધંધો વધારવાની યુક્તિ છે.
એક તરફ સરકાર ઉદ્યોગોને પહેલાની જેમ ધમધમતા કરવા માટે રાહત જાહેર કરી રહી છે. તો બીજી તરફ ગેસ કંપનીના અધિકારીઓ કંપનીનો નફો વધારવા માટે અણધણ નિર્ણયો લઈ રહ્યા છે. જેથી ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને યોગ્ય રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ ઉધોગકારોએ જણાવ્યું હતું.