મોરબીમાં બિલ્ડર પાસેથી 1 કરોડ પડાવી લેનાર 4 શખ્સો ઝડપાયા
- કુખ્યાત હિસ્ટ્રીશીટર પણ સકંજામાં
- બિલ્ડરના પુત્રનો ઘરસંસાર સારી રીતે ચાલતો ન હોવાથી સમાધાનનાં બદલે બળજબરીથી પૈસા પડાવીને કરાવી નાખ્યા છુટાછેડા
મોરબી,તા. 22 જાન્યુઆરી 2019, મંગળવાર
મોરબીના બિલ્ડર પાસેથી ૧.૦૨ કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં એલસીબી ટીમે કુખ્યાત હિસ્ટ્રીશીટર બાબુ ડોન સહિતના ચાર આરોપીને દબોચી લઈને એક કાર અને પાંચ મોબાઈલ કબજે લીધા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બિલ્ડર દુદાભાઈ ધનજીભાઈ મેવાડાના પુત્રનો ઘરસંસાર સારી રીત ચાલતો ના હોય જેના સમાધાન કરાવવા માટે આરોપીઓએ કાવતરૂં રચીને સમાધાન નહિ પંરતુ બળજબરીથી છુટાછેડા કરાવવા કહી ધમકી આપી રૂા. ૧.૦૨,૭૧,૦૦૦ પડાવી લીધા હતા.
આ સાથે પત્ની છાયાબેનને રિવોલ્વર બતાવી છુટાછેડાના કાગળોમાં બળજબરીથી સહી કરાવી ધમકી આપી તેના પુત્રને ગોંધી રાખી ૨૨ લાખ કઢાવવાની કોશિશ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે જીલ્લા પોલીસવડા માર્ગદર્શન હેઠળ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ સહિતની ટીમે તપાસ ચલાવી હતી.
જેમાં આરોપી બાબુ ઉર્ફે બાબુડોન હીરાભાઈ ગીગાભાઈ ઝાંપડ (રહે. જબલપુર,તા. ટંકારા) જગદીશ ઉર્ફે જગો કરશનભાઈ ઝાપડા(રહે. જબલપુર,તા.ટંકારા), કરશન ઉર્ફે ભુવા નાજાભાઈ ઝાપડા (રહે. જબલપુર,તા.ટંકારા) અને મનુ દેવરાજભાઈ ઝાપડા(રહે.ખાખરેચી,તા.માળિયા) આરોપીઓને ઝડપી લઈને એલસીબી ટીમે એક કાર કિંમત ૫ લાખ અને મોબાઈલ નંગ ૫ કિંમત ૮૫૦૦ સહિત કુલ ૫,૦૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નોંધનીય છે કે, ઝટપાયેલ આરોપી બાબુ ઉર્ફે બાબુડોન અગાઉ કુખ્યાત તાજીયા ગેંગનો સભ્ય હતો. જેની સામે વર્ષ૨૦૦૪ થી ૨૦૧૯ સુધીમાં મારામારી, અપહરણ લુંટ, જમીન કૌભાંડ, બળજબરીથી જમીન પચાવવા અને ખંડણી સહિતના આઠ ગુન્હા નોંધાઈ ચુક્યા છે.