બ્રીજેશ મેરજા માટે કોંગ્રેસે કહ્યું વેચેલો માલ પાછો રાખ્યો તે ભૂલ
- મોરબીમાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન,
- હવે અબડાસામાં કાર્યક્રમ
બે ગુજરાતીએ દેશને આઝાદી અપાવી,હવે બે ગુજરાતી લોકશાહીનું ખૂન કરી રહ્યાનો ધાનાણીનો આક્ષેપઃ કોરોના-તોડોનાથી દેશને જોખમ
રાજકોટ,મોરબી,તા. ૧૩ જૂન, ૨૦૨૦ શનિવાર
પ્રતિકારશક્તિ નબળી ધરાવતા અને તોડોના વાયરસની ઝપટે ચડીને કોંગ્રેસ પક્ષ અને મતદારોને દગો દેતા કોંગ્રેસના ધારાસભ્યોના મતક્ષેત્રોમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના ૧૮ ધારાસભ્યોએ હાથ ધરેલી ઝૂંબેશ અન્વયે ગઢડા,ધારી બાદ આજે મોરબીમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો જ્યાં કોંગ્રેસે બ્રીજેશ મેરજાને વેચાયેલો માલ કહીને અમે વેચેલો માલ પાછો રાખ્યો તે અમારી ભૂલ તેમ સ્વીકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સચિવાલમાં નોકરીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા મેરજાએ આ પહેલા પણ ચૂંટણી ટાણે કોંગ્રેસને છેહ દઈને ભાજપમાં ભળી ગયા હતા ત્યારબાદ ગત ૨૦૧૭ની ધારાસભા ચૂંટણી અન્વયે કોંગ્રેસે તેને પક્ષમાં પાછા સમાવવા સાથે મોરબી વિધાનસભા બેઠકની ટિકીટ આપી હતી જ્યાં તે જીતીને હવે ભાજપના લાભાર્થે રાજીનામુ ધરી દીધું છે.
અગાઉ બે ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી હતી પણ હવે દેશમાં બે ગુજરાતીઓ લોકશાહીની હત્યા કરી રહ્યાનો આક્ષેપ રાજ્યના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. કોરોનાથી અમુક વ્યક્તિઓ મરશે પણ તોડોનાથી લોકશાહી વ્યવસ્થા જ ખતમ થઈ જશે તેમ કહીને કોંગ્રેસ હાલ ે લોકશાહી બચાવવા મેદાને પડયાનું જણાવ્યું હતું. ક્રિષ્ણા હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ક્યાંક માસ્ક વગર લોકો નજરે પડતા હતા તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન્હોતું.
કોંગ્રેસના ધારાસભ્યો હવે કચ્છના અબડાસા જઈને અને ત્યારબાદ લીમડી જઈને કાર્યક્રમ આપશે. રાજકોટના રિસોર્ટમાં તા.૧૯ના ચૂંટણી યોજાય ત્યાં સુધી રહેવાને બદલે કોંગ્રેસે હવે પક્ષપલ્ટુ ધારાસભ્યોના મતવિસ્તારમાં જઈને કાર્યક્રમ આપી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસમાં પણ એવી ચર્ચા જાગી છે કે મહાનગરપાલિકાથી માંડીને ધારાસભા-લોકસભા સહિતની ચૂંટણીમાં હવે તોડોનાની રાજનીતિના કારણે ઉમેદવારોની પસંદગી કોંગ્રેસે વધુ જવાબદારીપૂર્વક નિભાવવા સાથે પક્ષને વફાદાર રહી શકે તેવા જ ઉમેદવારો પસંદ કરવા વધુ જરૂરી બનશે.