ખેડૂતો ચિંતા ન કરે, સરકાર યોગ્ય સહાય ચુકવશેઃ રૂપાણી
- મોરબીમાં મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ - ખાતમુહૂર્ત
- કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો કાળા વાવટા ફટકાવીને વિરોધ કરે એ પહેલા જ અટકાવીને કરાયા નજર કેદ
મોરબી, તા.07 નવેમ્બર 2019, ગુરૂવાર
મોરબીમાં આજે નવી એસ.ટી. કચેરીનું લોકાર્પણ અને મહિલા દૂધ ઉત્પાદક સંઘનાં બિલ્ડીંગ તથા પ્લાન્ટનું મુખ્યમંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ તકે તેમણે કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને થયેલી નુકસાનીની યોગ્ય સહાય ચુકવવાની ખાતરી આપી હતી. બીજી તરફ વિરોધ પ્રદર્શનની ચીમકી આપનાર કોંગી આગેવાનોને પોલીસે નજર કદે કર્યા હતા.
આજે મોરબી ખાતે રૂ. ૧૨.૭૧ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને રૂ.૭.૫૦ કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંધ (મયુર ડેરી) ના પ્લાન્ટ તથા બિલ્ડીંગનંો ખાતમૂર્હુત કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, 'મહા વાવાઝોડુ સમી ગયુ છે. તે ખુશીની વાત છે. રાજય સરકાર દરેક વાવાઝોડા વખતે યુધ્ધના ધોરણે અગાઉથી જ રાહત બચાવ કામગીરીની પૂર્વ તૈયારી કરે છે. આ વખતના સંભવિત વાવાઝોડામાં પણ આપણે સંભવિત વિસ્તારના અસરગસ્તોને સલામત સ્થળે ખસેડી શક્યા હતા અને સગર્ભા બહેનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કુદરતી આપતીમાં એક પણ માનવીનું મૃત્યુ ન થાય તેવો રાજય સરકારનો સંકલ્પ હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિચરતી વિમુકતી જાતિના ૫ લાભાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના લાભો એનાયત થયા હતા. ગુજરાત સરકાર દ્વારા આ મયુર ડેરીને વિકાસ અર્થે રૂા. ૬ કરોડની કિંમતની ૪ એકર જમીન જંત્રી ૧૦ ટકા મુજબ માત્ર ૬૦ લાખમાં ફાળવવામાં આવી છે. આ જમીન પર ભારત સરકાર અને રાજય સરકારના સહયોગથી ૫૦ ટકા સબસીડી સાથે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂા. ૭.૫ કરોડ ખર્ચે નવો મયુર ડેરીનો પ્લાન્ટ આકાર પામશે. આધુનિક કોર્પોરેટ કક્ષાનું ઓફિસ બિલ્ડીંગ પણ સામેલ છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ છેલ્લા માવઠા અને કમોસમી વરસાદથી વિકટ સ્થિતિ ઉભી થઇ છે અને ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે અગાઉ ચરાડવા ખાતેથી ખેડૂતોને હૈયા ધારણા આપ્યા બાદ આજે રાજ્યના મુખ્યમંત્રીએ ફરીથી ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, માવઠાથી ખેતી પાકને થયેલી નુકશાનીની સહાય ચૂકવાશે. ખેડૂતોને ચિંતા કરવાની જરૂરત નથી.
બીજી તરફ આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતો સહિતના મુદે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાનું નક્કી કરાયું હતું. જો કે, વિરોધ ના કરી શકે તે માટે પોલીસે કાર્યક્રમ પૂર્વે જ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી અને એનએસયુઆઈ કાર્યકરો સહિતનાઓને નજરકેદ કરી દેવાયા હતા અને લોકશાહીમાં વિરોધનો સુર ના ઉઠે તેવી વ્યવસ્થા કરાઈ હતી.