Get The App

મોરબીમાં બાળકીના શંકાસ્પદ મોતના બનાવમાં ભાંડો ફૂટયો

- પાલક માતાએ અઢી વર્ષની પુત્રીને અમાનુષી માર મારીને કરી હત્યા

- સુરતથી બાળકીને ઉઠાવી મોરબી આવી ગયેલા પિતાની વિગતો છૂપાવનાર દાદા અને મોટાબાપુ સામે પણ ગુનો દાખલ

Updated: Mar 2nd, 2019

GS TEAM

Google News
Google News
મોરબીમાં બાળકીના શંકાસ્પદ મોતના બનાવમાં ભાંડો ફૂટયો 1 - image



- લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ ફૂલ જેવી બાળકીને જમીન ઉપર પટકીને બેફામ માર મારી સોફા પર માથું અને ગળું દબાવી શ્વાસ રૂંધી નાખ્યો

મોરબી,તા, 02 માર્ચ 2019, શનિવાર

મોરબીમાં માસુમ બાળકીના શંકાસ્પદ મોતના પ્રકરણમાં પોલીસે હતભાગી બાળાની પાલક માતાની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં પાલક માતાએ પતિની ગેરહાજરીમાં શૌચક્રિયા કરવા જેવી સામાન્ય બાબતે બાળકીને જમીન પર પટકીને ઢોર માર મારતા મોત થયાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. જેથી પોલીસે આ બનાવની વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. 

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મોરબીના સામાકાંઠે આવેલ વૃદાવન પાર્કમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની ત્રણ વર્ષની પુત્રી યશવીનું ગઈકાલે ઘરે રમતા રમતા સોફા પરથી પડી જવાથી મોત થયું હોવાનું બી ડિવિઝન પોલીસમાં જાહેર થયું હતું. જોકે આ માસુમ બાળાના શરીર પર ઇજાના નિશાન હોવાથી પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતા બાળાની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તબીબોએ આ બાળાનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો.

બાદમાં બાળકીના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. આ બનાવ શંકાસ્પદ હોવાથી પોલીસે બાળાના પિતા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી પાલક માતા રશ્મિબેન દિવ્યેશભાઈની પ્રાથમિક પૂછપરછ કરતા આ બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શૌચક્રિયા કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતા રશ્મિબેને ઉશ્કેરાઈ જઈને બાળાને જમીન પર પટકી હતી અને તેના પુસ્તકનો ઘા કરતા ચહેરામાં ઇજા થઇ હતી. એટલું જ નહીં, બાળાનું માથું સોફામાં દબાવી રાખતા અંતે બાળાએ દમ તોડી દીધો હતો. પોતાનું આ પાપ છુંપાવવા માટે પાલક માતાએ અકસ્માતે સોફામાંથી પડી જતાં મોત થયાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં પાલક માતાનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું.

પોલીસના કહેવા મુજબ, ધવલભાઈ ત્રિવેદીને પત્ની સાથે મનમેળ ન થવાથી અલગ રહે છે અને પુત્રીને પોતાની સાથે રાખી છે. જ્યારે ધવલભાઈએ રશ્મિબેન સાથે મૈત્રીકરાર કર્યા છે અને તેઓ એક ઘરમાં પુત્રી સાથે રહે છે. તેવામાં ગઈકાલે તેણીએ પતિની ગેરહાજરીમાં પુત્રીની હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવતા અંતે હાલ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :