ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ: કાર પલ્ટી ખાઇ જતાં બે યુવકોનાં મોત, ત્રણ ઘાયલ
- વાંકાનેરનાં લુણસરીયા ગામ પાસે અકસ્માત
- થર્ટી ફર્સ્ટની રાત્રે કેફી પીણાનાં નશામાં યુવાને પુરઝડપે કાર ચલાવતા સર્જાઇ કરૂણાંતિકા : ચાર બીયર ટીન પણ મળ્યા, ગુનો દાખલ
મોરબી, વાંકાનેર, તા.01 જાન્યુઆરી 2020, બુધવાર
થર્ટી ફર્સ્ટની રાત્રીના વાંકાનેર નજીક નશામાં ચકચુર થઇને કાર ચલાવાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલટી જતા પાંચ યુવાનમાંથી બેના મોત થયા હતા. જયારે અન્ય ત્રણ યુવાનોને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
થર્ટી ફર્સ્ટની ઉજવણી ગઇકાલે મોરબી જીલ્લામાં પણ કરાઈ હતી. જે દરમિયાન મોરબી જીલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ગમગીની વ્યાપી ગઈ હતી. વાંકાનેરના લુણસરિયા નજીકથી પસાર થતી કાર નં જીજે ૦૧ કેસી ૭૫૨૫ પલટી મારી ગઈ હતી. કારમાં પાંચ યુવાનો સવાર હોય, જેમાંથી સ્થળ પર જ કાર સવાર ધર્મેન્દ્ર ચંદુભાઈ મકવાણા (ઉ.વ. ૨૯) અને ચેતન હસમુખભાઈ નિમાવત (ઉ.વ. ૩૨)ના કરુણ મોત થયા હતા.
જયારે કારમાં સવાર અન્ય યુવાન વિપુલ રઘુભાઈ રાવલ (ઉ. ૨૪), અલ્પેશ તુલસીભાઇ ધોળકીયા (ઉ. ૩૬) અને કલ્પેશ હસમુખ નિમાવત (ઉ. ૨૪)ને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડની ટીમ દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી.
વળી, અકસ્માત સ્થળ પાસેથી બીયરના ટીન મળી આવ્યા હતા અને પોલીસ તપાસમાં નશો કરીને કાર ચલાવ્યાનું માલૂમ પડતા ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
પોલીસ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ધર્મેન્દ્ર, ચેતન અને કલ્પેશ મોરબીનાં રહેવાસી છે. જ્યારે અલ્પેશ વાવડી અને વિપુલ પરનાળા ગામનો રહેવાસી છે. જેમાં ધર્મેન્દ્ર નશાની હાલતમાં કાર ચલાવતો હોવાથી લુણસરીયા ફાટક પાસેની ગોલાઇ પર કાર બેકાબુ બનીને રસ્તા પરથી નીચે ઉતરી જઇ બે - ત્રણ પલ્ટી ખાઇ ગઇ હતી. આ મામલે મૃતક ચેતનનાં ભાઇ અજય નિમાવતની ફરિયાદનાં આધારે મૃતક કાર ચાલક ધર્મેન્દ્ર મકવાણા સામે ગુનો દાખલ કરીને મહિલા પી.એસ.આઇ. પી.સી. મોલીયાએ વધુ તપાસ હાથ ધરી છે.