For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દારૂની મહેફીલ માણતા તબીબ, પટ્ટાવાળો ઝડપાયા

Updated: Apr 16th, 2023

Article Content Image

દારૂની બોટલ પોલીસે કબજે કરી કરતૂત સીસીટીવી કેમેરામાં ન આવે તે માટે ઓફિસમાં કેમેરો નીચે કરી દીધાનું ખુલ્યું

મોરબી, : વાંકાનેર શહેરની સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલ સુપ્રીન્ટેનડેન્ટ અને પટ્ટાવાળો બંને દારૂની મહેફિલ માણતા હોઇ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં દારૂની બોટલ પણ મળી આવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના વેલનાથપરામાં રહેતા શાહરૂખ ચૌહાણે આરોપી ડોક્ટર હરપાલસિંહ દાજીભાઇ પરમાર અને કૈલાશ ભીખાભાઈ રાઠોડ (રહે બંને સરકારી હોસ્પિટલ વાંકાનેર)  વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું છે કે  વાંકાનેર સરકારી હોસ્પિટલના સુપ્રીન્ટેનડેન્ટની ઓફિસમાં ડોક્ટર દારૂ પાર્ટી કરતા હોવાની જાણ થતાં  વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી સીટી પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અને ઓફિસમાં તપાસ કરતા કબાટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી જેથી ડોક્ટર હરપાલસિંહ દાજીભાઇ પરમાર અને પટ્ટાવાળા કૈલાશભાઈ રાઠોડ બંનેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. અને  પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

હોસ્પિટલના ડોક્ટર અને પટ્ટાવાળા દારૂની મહેફીલો માણતા હોય ત્યારે રેડ દરમિયાન એવું પણ ધ્યાને આવ્યું હતું કે ઓફીસમાં સીસીટીવી કેમેરા લગાવેલ છે જોકે આ બંનેની કરતુત કેમેરામાં કેદ ના થાય તે માટે સીસીટીવી કેમેરા નીચે કરી દીધા હોય તેવું જોવા મળ્યું હતું

Gujarat