મચ્છુ-1 ડેમમાં માછલાં મરી જતાં પાણી પીળું પડી ગયું છતાં પીવા માટે વિતરણ
- વાંકાનેરમાં ડહોળા પાણીનું વિતરણ કરી જનઆરોગ્ય સાથે ગંભીર ચેડાં
અધિકારીઓ ડેમ ખાતે દોડી ગયા: લેબ. ટેસ્ટની તજવીજ
મોરબી, તા. 18 એપ્રિલ, 2020 શનિવાર
વાંકાનેરમાં મચ્છુ-૧ ડેમમાંથી પીવા માટે પાણી વિતરણ થાય છે. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ડહોળા પાણીનું વિતરણ થતા ઉહાપોહ મચ્યો છે. ખુદ તંત્ર કહે છે કે, મચ્છુ - ૧ ડેમમાં માછલા મરી જતા પાણી પીળું પડી ગયું છે. આથી પાણીને ફિલ્ટર ઉપરાંત કલોરીનયુકત બ્લીચીંગ કરી વિતરણ કરાય છે. તંત્ર જાણતું હોવા છતાં આવા પાણીનું વિતરણ કરી જનઆરોગ્ય સાથે ચેડા થતા હોઇ. ઉહાપોહ થતા પાલિકાના અધિકારીઓ ડેમ ખાતે દોડી જઇ અને પાણીનું લેબોરેટરી ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.
વાંકાનેરમાં છેલ્લા દસ દિવસથી પીળું ડહોળું પાણી વિતરણ કરવામાં આવતા જન આરોગ્ય પર વધુ એક જોખમ સર્જાયું છે. હાલ વિશ્વમાં કોરોના નામની મહામારી જેવો રોગ હાહાકર મચાવી રહ્યો છે. ત્યારે આ મહામારીના પગલે એક તરફ લોકડાઉન છે. ત્યારે શહેરીજનોને પીવા માટે ડહોળું પાણી મળી રહ્યું છે. જેથી રોગચાળો ફેલાય તેવી ભીતિ હોવાથી આ વાત અગે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા એ ના જણાવ્યાં મુજબ મચ્છુ ૧ ડેમ ખાતે માછલાં મરી જવાથી પાણી પીળું પડી ગયેલ છે અને આથી આ પાણીને ફિલ્ટર ઉપરાંત કલોરીન યુક્ત બ્લીચીંગ કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લેબોરેટરી તપાસ માટે પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.
જો કે વાંકાનેરના પૂર્વ નગરપતિ, ચીફ ઓફિસર સહિતનો નગર પાલિકાનો સ્ટાફ મચ્છુ ૧ ડેમ ખાતે દોડી ગયા હતાં, અને તપાસ હાથ ધરી છે. જો કે, વહેલી તકે શહેરમાં શુદ્ધ પાણી મળતું થશે. તેમ ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું.