મોરબીમાં ધારાસભ્યની ઓફિસ પાસે જ ઉભરાતી ગટરની ગંદકી
- 'દીવા તળે અંધારૂં' જેવી સૂચક સ્થિતિ
- નગરપાલિકામાં કોંગ્રેસનું જ શાસન હોવા છતાં જો કોંગી ધારાસભ્ય ઓફિસ પાસેનો પ્રશ્ન ન ઉકેલાતો હોય તો નગરજનોને કોણ સાંભળે
મોરબી,તા.17 મે 2019, શુક્રવાર
મોરબી શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પાપે શહેરીજનો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યાં છે. ઔદ્યોગિક નગરી મોરબીની દુર્દશા એવી થવા પામી છે કે, શહેરમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરના દ્રશ્યો લગભગ રોજ જોવા મળે છે ત્યારે દીવા તળે અંધારૂં ઉક્તિ મુજબ મોરબીમાં કોંગ્રેસનાં જ ધારાસભ્યની ઓફીસ પાસે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યાં છે.
મોરબી શહેરમાં પાયાના પ્રશ્નો આજે પણ ખદબદે છે. પીવાના પાણી માટે પરેશાન મહિલાઓના મોરચા અનેક વખત પાલિકા કચેરીને બાનમાં લે છે તો શહેરમાં તૂટેલા રસ્તા અને દરરોજ ઉભરાતી ગટરનો પ્રશ્ન પણ ટ્રાફિકના પ્રશ્નની જેમ લોકો માટે શિરદર્દ બની રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવવાનું રોજિંદુ બન્યું છે.
ગંદા પાણી રોડ પર ફરી વળતા હોય થોડા દિવસો પૂર્વે જ શહેરની મુખ્ય શાક માર્કેટ પાસે મોરબીની શાન સમાન નહેરૂ ગેઈટ ચોક પાસે ગટર છલકાઈ હતી અને ગંદા પાણીના તલાવડા રોડ પર છલકાયા હતાં. આવા અનેક પ્રશ્નોથી પ્રજા પીડાઈ રહી છે. રજૂઆત કરનાર નાગરિકો પાલિકાના સામાન્ય કર્મચારીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને પરત ફરે છે અને ખોટા ખાતરીના ગાજર પકડાવી દેવાય છે.
મોરબીની આવી દુર્દશા જોઈને નાગરિકો તોબા પોકારી ચૂકયા છે અને આવી દુર્દશા માટે પાલિકાના કોંગ્રેસનાં પદાધિકારીઓ અને અધિકારીઓને દોષ આપી રહ્યાં છે તેવી સ્થિતિ વચ્ચે મોરબીમાં કોંગ્રેસના ધારાસભ્યની ઓફીસ પાસે આજે ઉભરાતી ગટરની ગંદકી જોવા મળી હતી. શનાળા રોડ પર કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું કાર્યલાય આવેલું છે. જે શેરીમાં ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ પર આવી ગયા હતા. અહીં નજીકમાં જ ખાનગી શાળા અને કોલેજ પણ આવેલી છે. જેથી રોષ ભભૂકી ઉઠયો છે.
ધારાસભ્યના કાર્યાલય પાસે ઉભરાતી ગટરના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. પાલિકા કચેરીએ ઉભરાતી ગટરની રજૂઆત કરનાર પણ વિચાર કરતા હશે કે, કોંગી ધારાસભ્યના કાર્યાલય પાસે જો આવો પ્રશ્ન હોય અને તે ઉકેલવામાં પણ તેમની જ કોંગ્રેસ શાસીત પાલિકા રસ દાખવતી ના હોય ત્યારે સામાન્ય નાગરિકોએ તો ભૂલી જ જવાનું રહે છે.