મોરબીના હરીપર કેરાળા ગામે પિતરાઇ ભાઈ-બહેનનો સજોડે આપઘાત
- મામા-ફઈના ભાઈ-બહેન વચ્ચે પ્રેમસંબંધ સમાજ નહિ સ્વીકારે તેવા ભયથી આપઘાત
મોરબી,તા.31 જાન્યુઆરી 2019 ગુરૂવાર
ભાઈ બહેનનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે જોકે હાલના કલયુગમાં ભાઈ અને બહેન પણ એકબીજાના પ્રેમમાં પડતા હોય તેવા ચોકાવનારા કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. જોકે આવા સંબંધને સમાજ સ્વીકારે નહિ જેથી આવા સંબંધ ના કરુણ અંજામ આવે છે. આવું જ બન્યું મોરબીના હરીપર કેરાળા ગામે જ્યાં મામા-ફઈના ભાઈ બહેનને પ્રેમસંબંધ બંધાયા બાદ સમાજ નહિ સ્વીકારે તેવા ભયથી બંનેએ ઝેરી દવા પી લેતા બંન્નેના મોત થયા છે .
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કચ્છના રહેવાસી અને હાલ કેરાળા (હરીપર) ગામે રહીને મજુરી કરતા કોળી પરિવારના યુવાન અશ્વિન જયરામ વડેચા (ઉ.વ.૨૨) અને સુનીતા રણછોડ ઠાકોર (ઉ.વ.૨૦) એ બંને યુવક યુવતીઓએ ઝેરી દવા પી લેતા મોરબીની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા.
જોકે યુવતીનું મોત થયા બાદ યુવકનું પણ મોત થયું હતું .તો આપઘાતના બનાવ અંગે તપાસ ચલાવતા તાલુકા પોલીસના કાનજીભાઈ ચૌહાણ અને જશપાલસિંહ જાડેજાની ટીમે મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા .
જે બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક યુવક અને યુવતી બંને મામા ફઈના ભાઈ બહેન થતા હોય જેની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો .પરંતુ સમાજ તેના સંબંધ ને નહિ સ્વીકારે તેવા ભયથી બંનેએ દવા પીધી હતી. અને બંન્નેના મોત થયા છે .તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.