કોરોના વાયરસના પગલે મોરબી જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત
- સરકારી હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ ઉભો કરાયો
- - 34 શંકાસ્પદ દર્દીઓ પૈકી 32નું 14 દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થતા રજા અપાઈઃ થાઈલેન્ડથી પરત ફરેલ દંપતિ અંડર ઓબ્ઝર્વેશનમાં
મોરબી,તા.06 માર્ચ 2020, શુક્રવાર
ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારી બની રહ્યો છે અને ચીન બાદ અનેક દેશોમાં પહોંચેલ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો હવે ગુજરાતમાં પણ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે અને મોરબી જીલ્લામાં ટેલિફોન નંબર ૦૨૮૨૨ ૨૨૨૮૪૯ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મોરબીમાં કુલ ૩૪ શંકાસ્પદ દર્દીઓમાંથી ૩૨ નું ૧૪ દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થતા રજા આપી દેવાઈ છે અને અન્ય એક દંપતી જે થાઈલેન્ડથી પરત ફરેલ હોય જેને સાત દિવસથી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે જોકે કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી.
તે ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સિરામિક એસો સાથે જરૂરી ચર્ચાઓ કરી છે અને ટ્રાવેલ એજન્સી તેમજ હોટેલ સંચાલકો સાથે બેઠક કરીને સૂચનાઓ આપશે તો તકેદારીના પગલા અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાથ ના મિલાવવો તેને બદલે નમસ્તે કરવું, ગંદા હાથ મો કે નાક પર ના લગાવવા તેમજ વાતચીત વેળાએ સામેની વ્યક્તિથી થોડું અંતર જાળવવું તેવા સાવચેતીના પગલા લેવા અપીલ કરી છે તો મોરબીની હોસ્પિટલ ખાતે જરૂરત પડયે આઈસોલેશન વોર્ડની તૈયારી કરાઈ છે જેમાં ૧૧ બેડની સુવિધા અને ૨ વેન્ટીલેટર સુવિધા ઉપલબ્ધ છે.