મોરબી: સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરી ગ્રાહકો એકઠા કરતા 11 શાકભાજીની રેકડીઓ જપ્ત
- પોલીસની સુચનાનું પાલન ન કરતા શાકભાજીના ધંધાર્થીઓની અટકાયત
મોરબી, તા. 17 એપ્રીલ 2020, શુક્રવાર
લોકડાઉનની અમલવારી દરમ્યાન જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં નાગરિકોને સરળતા રહે એ માટે તંત્રએ દૂધ ડેરી, કારીયાણું, શાક-બકાલાના ધંધાર્થીઓ, મેડિકલ સ્ટોર સહિતના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સામાજિક અંતર રાખીને વ્યવસાય કરવાની આપેલી છૂટનો ભંગ કરી વધુ લોકોને નજીક નજીક એકઠા થવા પ્રત્યે બેદરકાર રહેલા શાકભાજીના ધંધાર્થીઓની 11 જેટલી રેંકડી કબ્જે કરી તમામને પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.
મોરબી માર્કેટિંગયાર્ડ નજીક 11 જેટલા શાકભાજીના ધંધાર્થીઓને વારંવાર સૂચના અપાતી હોવા છતાં તેઓ ગ્રહકોનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નિષ્ફળ જતા આખરે પોલીસે અંતિમ પગલું ભરતા શાકભાજીની તમામ રેંકડીઓ કબ્જે કરી બકાલીઓને પોલીસ સ્ટેશને બેસાડી દીધા છે. તેઓ પર કાયદેસરની કાર્યવાહી હાલ કરવી કે કેમ એ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે શાકભાજીના આ તમામ રેંકડીધારકોને ત્યાં ઉભા રહી શાકભાજી વેચવાની મનાઈ કરીને તેઓને સોસાયટીઓમાં છુટ્ટાછવાયા ફરીને બકાલુ વેચવાની સૂચના આપી હોવા છતાં રેંકડી ધારકોએ એ સુચનનો ઉલ્લાળીયો કરતા પોલીસે આજે લાલ આંખ કરી હતી.