મોરબીમાં મસ્જિદ બનાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ: 3 ઘાયલ
- પંચાસર રોડ ઉપર બનેલી ઘટના: મંડપ, ખુરશી અને બાઈકનો બુકડો બોલાવ્યો
મોરબી, તા. 10 ફેબ્રુઆરી 2019, રવિવાર
મોરબીના પંચાસર રોડ ઉપર આજે બપોરે ચારેક વાગ્યાના અરસામાં મસ્જિદ બનાવવા મામલે એકત્રિત થયેલા બે જૂથના લોકો વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. આ જૂથ અથડામણમાં પ્લાસ્ટિકની ખુરશી, મંડપ અને બાઈક, કારનો બુકડો બોલાવી દેવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આજે મસ્જિદ બનાવવા માટે લોકો એકત્રિત થયા હતા અને મંડપ નાખી મોટું આયોજન કરાયું હતું. પરંતુ બપોરે ચારેક વાગ્યાના અરસામા કોઈ પણ કારણોસર માથાકૂટ થઈ હતી. દરમિયાન બે જૂથ વચ્ચે સર્જાયેલી આ જૂથ અથડામણમાં છુંટાહાથની મારામારી થતા મંડપ, ખુરશી અને અહીં પડેલા વાહનોને નિશાન બનાવી વ્યાપક પ્રમાણમાં નુકશાન કરવામાં આવ્યું હતું.
આ જુથ અથડામણમાં કુલ ત્રણ લોકોને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. જો કે મોડી સાંજ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી.