જાહેરનામાનો ભંગ કરનારાને પકડવા મોરબી પોલીસની જીપમાં પણ કેમેરા
- ત્રણ ઉદ્યોગપતિએ પોલીસને અર્પણ કરી નવી ટેકનિક
- પોલીસને જોઈને નાસી જતાં લોકોને પણ હવે કેમેરાનાં ફૂટેજનાં આધારે ઓળખીને કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો
મોરબી, તા.09 એપ્રિલ 2020, ગુરૂવાર
હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કોરોના અંગેના જાહેરનામાં ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને સતત દોડધામ કરી રહી છે જે કામગીરીને વધુ સઘન બનાવવા પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને પોલીસના વાહનોમાં જ કેમેરા લગાવ્યા છે જેથી નિયમભંગ કરનાર તેમાં કેદ થઇ જશે અને આસાનીથી આવા તત્વોની ઓળખ પણ કરી શકાશે.
મોરબી જીલ્લામાં પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ કરીને શેરીઓ ગલીઓમાં એકત્ર થતા લોકો સામે જાહેરનામાં ભંગ ના કેસ કરી રહી છે જોકે પોલીસના વાહનો દુરથી જોઇને લોકો નાસી જતા હોય, જેથી કાનુનની પકડમાં આવતા ના હોય જેથી સમયની માંગ પ્રમાણે જ્યારે પોલીસ ડ્રોન કેમેરા દ્વારા જુદી જુદી સોસાયટી વિસ્તારમાં લોકો ઉપર વોચ રાખે છેે.
લોકો ઘરમાં રહેતા હોય છે અને ત્યારબાદ જ્યારે ડ્રોન કેમેરા પરત જતો રહે છે. ત્યારે અથવા તો પોલીસ ચેકિંગમાં આવી હોય તે પરત જતી રહે ત્યાર બાદ ફરી પાછા લોકો શેરી ગલીમાં એકત્ર થતા હોય છે.
જેથી પોલીસના વાહનોને કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. જેથી કરીને કોઇપણ વિસ્તારની અંદર જ્યારે પોલીસનું વાહન જશે ત્યારે વાહનને જોઇને નાસભાગ કરતા લોકો કેમેરામાં કેદ થશે જેથી બાદમાં આસાનીથી તેની ઓળખ કરીને જાહેરનામાં ભંગ અંગે તેની અટકાયત કરી શકાશે
મોરબીના ત્રણ ઉદ્યોગપતિ યોગી પટેલ રવિ કોરડીયા અને મેહુલભાઈ દ્વારા પોલીસના વાહનોને જોઈને જે લોકો ભાગે છે તેની સામે કાર્યવાહી થાય તે માટે પોલીસના વાહનોમાં કેમેરા લગાવવા જોઇએ તેવો વિચાર રજુ કરવામાં આવ્યો હતો જે કાર્યમાં આથક સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી અને તેમના દ્વારા હાઈ કવોલીટીના કેમેરા પોલીસની જીપમાં ફીટ કરી આપવામાં આવ્યા છે.
જેથી હવે ટોળામાં એકત્ર થયેલા અને પોલીસને જોઇને નાસી ગયેલા લોકોની ઓળખ થઇ શકશે અને કાર્યવાહી કરી શકાશે ટેકનોલોજીનો સદુપયોગ કરીને પોલીસને મદદરૂપ બનવા માટે આ ત્રણેય યુવાનને મોરબીના પીઆઈ આર.જે.ચોધરી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.