છ માસનાં બાળકને સાથે લાવી માતાએ આપી કોલેજની પરીક્ષા
- મોરબીનાં નારી શક્તિનું જીવંત ઉદાહરણ
- સુરેન્દ્રનગરથી દરરોજ અપડાઉન કરીને પુત્રવધૂ પેપર લખે અને સાસુ પરીક્ષા કેન્દ્રમાં જ બાળકને સાચવે
મોરબી,તા,23 માર્ચ 2019, શનિવાર
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા બીએ સેમ-૦૬ની પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં સુરેન્દ્રનગરના થાનના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર મોરબી ફાળવવામાં આવ્યું છે ત્યારે મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજમાં એક સુરેન્દ્રનગરની મહિલાએ પરીક્ષા આપી હતી. જો કે, આ કિસ્સામાં ખાસ વાત એ હતી કે મહિલાને માત્ર છ માસનું સંતાન હોય, જેને સાથે લાવીને દરરોજ સુરેન્દ્રનગરથી અપડાઉન કરીને પરીક્ષા આપી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાનાં પ્રીતીબેન પરમારનું પરીક્ષા કેન્દ્ર મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજ હોય.જેને દરરોજ ત્રણ કલાક આવવા અને ત્રણ કલાક જવાનો સમય લાગે છે. વળી, પ્રતીબેન પરમારને માત્ર છ માસનું જ સંતાન છે, આમ છતાં તેઓએ હોંશભેર પરીક્ષા આપી હતી. પતિ આર્મીમાં હોય, જેથી સાસુ દરરોજ તેની સાથે આવ્યા હતા એ પરીક્ષા સમય દરમિયાન બાળકને કોલેજમાં જ સાચવી પુત્ર વધુને નિશ્ચિત કરી પરીક્ષા આપી શકે તેવો સહયોગ પૂરો પાડયો હતો.
પરીક્ષા આપનાર પ્રીતીબેન પરમાર જણાવે છે કે, તેને નાનું સંતાન હોવા છતાં અભ્યાસ ચાલુ રાખ્યો છે અને તેઓ અભ્યાસ કરીને શિક્ષક બનાવાનું સ્વપ્ન જુએ છે. મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયાએ જણાવ્યું હતું કે, પ્રીતીબેનને નાનું બાળક હોય જેને સાથે લાવીને પરીક્ષા આપતા હોય જેથી કોલેજ દ્વારા તેના સાસુને કોલેજમાં રહેવાની સગવડ અપાઈ હતી. બાળક હેરાન ના થાય તેમજ માતા શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી.