વાંકાનેર: તીથવામાં 5 દુકાનોમાં ચોરી કરવાની કોશિશ
- તસ્કરોના તરખાટથી ગ્રામજનોમાં ફફડાટ
મોરબી, તા. 24 ફેબ્રુઆરી 2019 રવિવાર
વાંકાનેર તાલુકાના સૌથી મોટા ગામમાં તીથવામાં ગત રાત્રે પાંચ દુકાનોમાં ચોરી કરવાની કોશિશ થઈ હતી. જેમાંથી બે દુકાનના તાળા તૂટયા હતા અને તસ્કરો ત્રણ દુકાનોના તાળા ન તોડી શક્યા..!!
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે પશ્ચિમ દિશામાં આવેલ કડીવારવાળા પ્લોટના ચોકમાં ચોર ખાબક્યા હતા. આ ચોકમાં આવેલી પાંચ દુકાનોમાં પોતાની કારીગરી અજમાવી હતી. જેમાંથી બે દુકાનના તાળા તોડવામાં સફળ થયા હતા અને ત્રણ દુકાનમાં તાળા તોડવાની કોશિશ કરેલ દેખાય છે પણ સફળ નથી થયા.
જે દુકાનના તાળા તૂટ્યા છે તેમાં એક દુકાન પટેલ મનજીભાઈ જીવાભાઈની છે. જેમાં ત્રણસોથી ચારસો રૂપિયા અને એક મોબાઇલની ચોરી થઇ છે. અન્ય દુકાનમાંથી પણ થોડી ઘણી રકમ અને અન્ય વસ્તુ ચોરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ અંગે પોલીસમાં જાણ કરાઈ છે અને લેખિત ફરિયાદ પણ કરવામાં આવ્યાની માહિતી મળે છે અને ટંકારા તાલુકાના અમરાપર ગામમાં આવી જ એક કોશિશ કરી હતી. જેમાં પણ એક મોબાઇલ ચોરાયો હતો અને આજે તીથવા ગામમાં આવો જ બનાવ બન્યો છે. તેમાં પણ એક મોબાઇલ ચોરાયો છે.