લગ્ન પ્રસંગમાં 80 હજારની મતાતો બાઈક પરથી દોઢ લાખની તફડંચી
- મોરબીમાં બે સ્થળોએ ત્રાટકી ગઠિયા ગેંગ, સીસીટીવી કેમેરામાં કેદ શકમંદોની શોધખોળ
મોરબી તા. 18 જાન્યુઆરી 2019, શુક્રવાર
મોરબીમાં રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે તો દિવસે હતા ગઢડા ગેંગ સક્રિય થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આ વાત બે કિસ્સામાં લગ્ન પ્રસંગમાંથી ૮૦ હજારની મતા તો બાઈક પરથી દોઢ લાખની તફડંચી થઈ છે. જેમાં સીસીટીવી કેમેરામાં કેદ શકમંદોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં મોરબીમાં લગ્નસરાની મોસમ જામી છે ત્યારે તાજેતરમાં પટેલ સમાજની વાડી ખાતે પ્રવીણભાઈ પટેલની દીકરીના લગ્ન યોજાયા હતા. લગ્નપ્રસંગમાં પરિવાર વિવિધ જવાબદારીમાં વ્યસ્ત હોય હતો તો મહેમાનો પોતાની મોજ માણતા હતા. આ દરમિયાન લગ્ન પ્રસંગમાં બે ટાબરીયા શૂટ બૂટમાં સજ્જ થઈને આવ્યા હતા અને જાણે કે પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હોય તેવા ઠાઠ સાથે આંટાફેરા કર્યા બાદ મોકો મળતા જ વર-કન્યાની ખુરશી પાસેથી બે પર્સ ચોરી કરી હળવેથી વાડી બહાર નીકળી ગયા હતા. જે પર્સમાં રૂ. 80 હજારના રોકડ-દાગીના હોવાની આજે બપોરે પોલીસ ફરિયાદ થઇ છે. જોકે ગઠિયાઓનું ધ્યાન વાડીમાં લાગેલા સીસીટીવી કેમેરા તરફ ગયું ના હતું અને બંને કેમેરામાં કેદ થયા છે તો બાદમાં અન્ય સ્થળે હાથફેરો કરવા જતાં એક ટાબરિયો રંગેહાથ ઝડપાઈ જતાં પોલીસને સોંપવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં ખાખરાળાનાં રહેવાસી અને સહકારી કોન્ટ્રાકટર રાજુભાઈ રતિલાલ ડાંગર ગત તા. ૧૬ ના રોજ બેંક ઓફ બરોડામાં આવ્યા હતા અને ૧.૫૦ લાખની રકમ ઉપાડી નવાડેલા રોડ પર આવેલા આર એન્ડ બી વિભાગના સ્ટોરમાં પાર્ક કરેલા પોતાના બાઈકની ડેકીમાં રાખ્યા હતા. બાદમાં બાઈક લઈને જુના બસ સ્ટેશન તરફ જતાં હતા ત્યારે ટ્રાફિકજામમાં ફસાયા હતા. જે દરમિયાન બે શખ્સોએ ડેકીમાં રાખેલી રકમ ચોરી કરી હતી. પોતાના પૈસા ગુમ થયાનું માલૂમ થતાં રાજુભાઈએ બેંક અને એ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બે શખ્સો બેંકમાંથી જ તેમનો પીછો કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે આ બનાવ અંગે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઈ નથી.