શિક્ષિકાની નોકરી અપાવવા કહી મોરબીના શખ્સની સુરતની આંગણવાડી વર્કર સાથે છેતરપિંડી

સાયણની ધર્મિષ્ઠા પટેલ પાસે 3.99 લાખ લઇ વિશાલ પંચોલીએ નોકરી અપાવી ન હતી : નાણાં પરત કરવાના વાયદા પણ પોકળ સાબિત થતાં ફરિયાદ
બારડોલી, (સુરત)/ મોરબી : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે રહેતી આંગણવાડી વર્કરને શિક્ષિકા તરીકે નોકરી અપાવવાનો વિશ્વાસ ભરોસો આપી મોરબીના શખ્સે રૂ.3.99 લાખ લઈ લીધા હતા, બાદમાં શખ્સે નોકરી નહીં અપાવતા રૂપિયાની માંગણી કરતા રૂપિયા પણ ન આપતા છેવટે આંગણવાડી વર્કરે મોરબીના શખ્સ વિરૂધ્ધ ઓલપાડ પોલીસમાં છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
સાયણ ગામે ધર્મિષ્ઠા નિલેશભાઈ પટેલ પતિ નિલેશ ખંડુભાઈ પટેલ અને બે બાળકો સાથે રહે છે અને આંગણવાડી વર્કર તરીકે સાયણમાં જ નોકરી કરે છે. ધર્મિષ્ઠાએ એમ.એ., બી.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે. સાયણ ગામે રહેતી લીનાબેન મુકેશભાઈ દાસ આંગણવાડી સુપરવાઇઝર તરીકે નોકરી કરતી હોય ધર્મિષ્ઠા સાથે ઓળખાણ થઈ હતી. લીનાબેન સાથે ધર્મિષ્ઠાને મિત્રતા થતાં બંને મોબાઈલ ઉપર વાતચીત કરતા હતા. દરમિયાન લીનાબેને ધર્મિષ્ઠાને તમે એમ.એ., બી.એડ. સુધી અભ્યાસ કરેલો છે, તો તમને શિક્ષક તરીકે નોકરી મળી શકે તેમ છે, મને સુપરવાઇઝર તરીકે નોકરીએ લગાડનાર મોરબીના વિશાલ ભરતભાઈ પંચોલી (રહે.રવાપુરા રોડ, મેલડી માતાના મંદિરની બાજુમાં, મોરબી, જી.મોરબી) છે. જો શિક્ષકમાં નોકરીએ લાગવું હોય તો વિશાલ પંચોલીને બોલાવી થોડા ઘણા રૂપિયા આપવા પડશે તેમ કહેતા ધર્મિષ્ઠાએ હા પાડી હતી. લીનાબેને વિશાલ પંચોલીને વાતચીત કરવા બોલાવતા તા.20-05-2017 ના રોજ વિશાલ સાયણ ગામે લીનાબેનના ઘરે આવ્યો હતો અને વાતચીત કરતા ધર્મિષ્ઠાને શિક્ષિકાની સારી જગ્યાએ નોકરી ઉપર લગાવી દેવાની ખાતરી આપી હતી. બાદમાં તા.27-06-2017ના રોજ વિશાલે ધર્મિષ્ઠાને શિક્ષકની નોકરી અપાવવા રૂ.2,00,000 આપવા પડશે તેમ કહેતા આપ્યા હતા. પછી નોકરીની પ્રોસેસ શરૂ થઈ છે તેવી બાંહેધરી આપી વિશાલે અવારનવાર ધર્મિષ્ઠા પાસે પૈસાની માંગણી કરતાં વિશાલના બેંક ખાતામાં અલગ-અલગ સમયે કુલ રૂ.3,99,990 આપેલા હતા. વિશાલે ધર્મિષ્ઠાને શિક્ષક તરીકે નોકરી અપાવવાનો વિશ્વાસ ભરોસો આપી ખોટા ખોટા પેપરો પણ બતાવેલા હતા. દરમિયાન વિશાલે છેતરપિંડી કરી હોવાનું જણાતાં ધર્મિષ્ઠાએ મોરબી ખાતે વિશાલ પંચોલીના ઘરે અને શોપિંગ સેન્ટરમાં ઓફિસે ગયા હતા. તે સમયે વિશાલ પંચોલીએ ધર્મિષ્ઠાને રૂ. 40,000 આપેલા હતા અને રૂ.80,000 સેલ્ફનો ચેક 2019માં આપેલો હતો. જે ચેક લઈ બેંકમાં જતાં વિશાલ પંચોલીના ખાતામાં રૂપિયા ન હોય ચેક વટાવેલો ન હતો. બાદમાં વિશાલ પંચોલીને અવારનવાર ફોન કરતાં 2021 સુધીમાં રૂપિયા પાછા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ આજ દિન સુધી રૂ. 3,59, 990 પરત ન આપતાં ધર્મિષ્ઠાએ ઓલપાડ પોલીસમાં વિશાલ પંચોલી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

