મોરબીના અયોધ્યાપૂરી મેઈન રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો
- માત્ર 11 ધોરણ પાસ શખ્સ આયુર્વેદિકની નકલી ડીગ્રીના આધારે કરતો હતો મેડીકલ પ્રેક્ટીસ
મોરબી ,તા. 31 જાન્યુઆરી 2019, ગુરૂવાર
મોરબીના અયોધ્યાપૂરી રોડ પર આવેલ આશા આયુર્વેદિક નામના દવાખાનામાંથી બોગસ ડોક્ટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસ.ઓ.જી ટીમને બોગસ ડીગ્રી રાખી કલીનીક ચલાવતા બોગસ ડોક્ટર અંગે બાતમી મળતા મોરબી તાલુકા હેલ્થ ઓફિસર આર.એન.કોટડીયાને સાથે રાખી મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ આશા આયુર્વેદિક કલીનીક દવાખાનામાં તપાસ કરતા આરોપી સત્યજીત સુબોધ વિશ્વાસ (ઉ.૨૮) રહે-બેરાબેરીયા, વેસ્ટ બંગાળ હાલ આશા આયુર્વેદિક કલીનીક વાળો નકલી ડીગ્રીને આધારે દર્દીઓને તપાસીને દવા આપતો હોય જેને ઝડપી લઈને એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો જથ્થો કીમત રૂ.૧૫૧૪ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
એસઓજી ટીમે બાતમીને આધારે બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે .જે મૂળ બંગાળનો રહેવાસી હોય અને માત્ર ધોરણ ૧૧ સુધી અભ્યાસ કરેલ છે. જે આરોપી પાસેથી આયુર્વેદિક ૨ વર્ષનો કોર્ષ કર્યાનું નકલી સર્ટીફીકેટ મળી આવ્યું છે. જેની પોલીસે તપાસ ચલાવી છે .તેમજ આરોપી બે માસથી વધુ સમયથી દવાખાનું ચલાવતો હોવાનું પણ પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
ઝડપાયેલો બોગસ તબીબ પોતે ૧૧ ધોરણ સુધી અભ્યાસ કરેલ હોય છતાં ડોક્ટર તરીકે દર્દીઓને તપાસતો અને દવાઓ પણ લખી આપતો વળી પોલીસની તપાસમાં ખુલ્યું છે કે આરોપી એક કાગળમાં લખીને રાખતો અને ક્યાં રોગમાં કઈ દવાનું પ્રિસ્ક્રીપ્શન આપવાનું છે .તે જોઇને લખી આપતો હતો.