Get The App

જામનગર-કચ્છ હાઇવે પર આમરણ નજીકનો પુલ અચાનક જ ધરાશાયી

- ધડાકાભેર પુલનાં બે ટુકડા, સદનશીબે જાનહાની ટળી

- વાહન વ્યવહાર ઠપ થતાં ટ્રાફિકજામ, તાબડતોબ ચાર જેસીબી મશીનની મદદથી ડાયવર્ઝન તૈયાર કરાતા હાશકારો

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
જામનગર-કચ્છ હાઇવે પર આમરણ નજીકનો પુલ અચાનક જ ધરાશાયી 1 - image


મોરબી,  તા. 17 ડિસેમ્બર 2019, મંગળવાર

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જતા સ્ટેટ હાઇવે પરનો પુલ  આજે સવારે ૭.૩૦  વાગ્યાના અરસામાં ધરાશાયી થયો હતો. ૩૦ ફૂટની લંબાઈ અને ૧૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ત્રણ ગાળા તૂટી પડતા પુલ બે ભાગમાં વહેંચાઇ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જોકે, સદ્નસીબે પુલ ધરાશાયી થવાને પગલે કોઈ જાનહાની કે અકસ્માત સર્જાયો નહોતો. આ દુર્ઘટનાથી વાહન વ્યવહાર ઠપ થઇ જતાં તંત્રને દોડધામ થઇ ગઇ હતી. 

બનાવની મળતી માહિતી મુજબ, મોરબીના પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જતા રસ્તે આમરણ પહેલા આવતા ખારચિયા ગામ પાસે નાલા પર રાજાશાહી વખતમાં પુલ બનાવેલો છે, જે પુલ આજે સવારે ૭  વાગ્યે ધરાશાયી થયો હતો. ત્રણ ગાળા તૂટી પડતાં પુલમાં વચ્ચેથી બે ભાગ પડી ગયા હતા. 

જેના કારણે હાઈવે પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. જામનગરથી કચ્છમાં જતા ઓઈલ અને પેટ્રોલ ટેન્કર તેમજ અન્ય માલવાહક વાહનો આ રસ્તેથી જ પસાર થાય છે. પુલ તૂટી ગયો હોવાથી અહીંથી માલવાહક વાહન કે અન્ય વાહનો પસાર થઇ શકે તેમ ના હોય, જેથી વાહન વ્યવહાર રોકાઈ ગયો હતો.

સદનસીબે પુલ તૂટી પડવાને લીધે કોઈ અકસ્માત થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. ઘટના બાદ ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હોવાથી મોરબી તાલુકા પોલીસની ટીમ અને જીલ્લા ટ્રાફિક ટીમ દોડી ગઈ હતી અને વાહન વ્યવહાર સરળ રીતે ચાલે તેના માટે કામે લાગી  ગઈ હતી. કચ્છ - જામનગર વચ્ચેનો આ ટૂંકા અંતરનો માર્ગ ખોરવાઇ જતાં કચ્છ તરફના વાહનોને માળિયા (મિં.)થી મોરબી થઇ ડાયવર્ટ કરાયા હતા. જામનગરથી કચ્છ તરફ જતાં વાહનોને વાયા ધ્રોલથી ટંકારા મોરબી માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

પુલ તૂટી પડવાની જાણ થતા મોરબી આર એન્ડ બીના મદદનીશ ઈજનેર એ વી કોરડીયા અને જામનગર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતીન ઓઝા સહિતના અધિકારીઓ દોડી ગયા હતા પુલ તુટવા મામલે જણાવ્યું હતું કે પુલ રાજાશાહી વખતનો હોય જે તુટયો છે જેને પગલે તુરંત ચાર જેસીબી મશીનથી ડાયવર્ઝન કાર્યરત કરાયું છે. તેમજ આગામી ચોમાસા પૂર્વે આ રસ્તો કાર્યરત થઇ જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું. 

વર્ષો જૂના આ નાલા જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયા છે. પરંતુ તંત્ર દ્વારા ધ્યાન અપાયું નહીં હોવાથી આ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અગાઉ આમરણ ગામના પાદરમાં પણ બે નાલા તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ધણીધોરી વગરના આ માર્ગની જાળવણી કરવામાં તંત્ર ઊણું ઉતરતા વારંવાર આવી ઘટના બનતી રહે છે.

Tags :