700 કરોડનું પેકેજ લોલીપોલ, 100 ટકા પાક વિમો જાહેર કરો
- મોરબીમાં ખેડૂત વેદના સંમેલનમાં કોંગ્રેસનાં સરકાર પર પ્રહારો
- ભાજપનાં રાજમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ મૃતપ્રાય બન્યો છે અને ખેડૂતોની અવદશા થઈ રહી હોવા સહિતનાં આક્રોશ સાથે રેલી-આવેદનપત્ર
મોરબી,તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર
મોરબીમાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂત વેદના સંમેલન યોજીને સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ભાજપ સરકારે જાહેર કરેલું ૭૦૦ કરોડનું પેકેજ લોલીપોલ હોવાનું કહીને ખેડૂતો માટે ૨૫,૦૦૦ કરોડનું પેકેજ આપવા માંગણી કરાઈ હતી. તેમજ ૧૦૦ ટકા પાક વિમો જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. આ સાથે ભાજપનાં રાજમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ મૃતપ્રાય બન્યો હોવા અને ખેડૂતોની અવદશા થઈ રહી હોવા સહિતનાં આક્રોશ સાથે વિશાળ રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને પાક્વીમા સહિતના પ્રશ્નોને લઈને ખેડૂત વેદના સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી, પાસ અને કોંગ્રેસનાં આગેવાન હાર્દિક પટેલ, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલીત કગથરા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા બસ સ્ટેન્ડ નજીક ખેડૂત વેદના સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને સંબોધન કરીને કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલ ૭૦૦ કરોડનું પેકેજ લોલીપોપ સમાન છે અને ખેડૂતો માટે ૨૫,૦૦૦ કરોડનું પેકેજ સરકાર આપે તેવી માંગ કરી હતી. તે ઉપરાંત મોરબી પાલિકા હદ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ભાજપના શાસન વખતે બની છે અને ભ્રષ્ટાચાર થયો હોય છતાં ભાજપનાં નેતાઓ રેલી કાઢીને રજૂઆતનાં નાટક કર્યા કરે છે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ હાલ મૃત પાય સ્થિતિમાં છે. જો કે, ઉદ્યોગકારો એટલા ડરેલા છે કે તે વિરોધપક્ષને સપોર્ટ કરવાની પણ હિંમત કરતા નથી. તે ઉપરાંત નવા ટ્રાફિક નિયમો સહિતના મુદે સરકારને ઘેરવા પ્રયાસો કર્યા હતા.
ખેડૂત મહાસંમેલનને સંબોધન કર્યા બાદ વિશાળ ખેડૂત રેલી યોજવામાં આવી હતી. બાઈક અને કાર રેલીમાં કોંગ્રેસનાં નેતાઓ, આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા. રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચીને આવેદન પાઠવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
વિમાનમાં ઉડતા નેતાઓને જમીન પર લાવવા છે : વિપક્ષી નેતા
આજે મોરબી આવેલા ગુજરાત વિધાનસભાનાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકારને આડે હાથ લીધી હતી અને તાજેતરમાં મુખ્યમંત્રી માટે ૧૯૨ કરોડનું નવું વિમાન ખરીદાયું હોય, જે અંગે પ્રહારો કરી જણાવ્યું હતું કે, ૧૯૨ કરોડના વિમાનમાં ઉડતા નેતાઓને જમીન પર લાવવા છે તો ટ્રાફિક નિયમો થકી સરકારે પ્રજાને લૂંટવા માટે પોલીસને છૂટ આપી હોય તેવા પ્રહારો કર્યા હતા.
ઉપવાસ આંદોલન શરુ કર્યા બાદ સરકારે પેકેજ આપ્યું : હાદકનો દાવો
આજે મોરબી ખાતે પધારેલ હાદક પટેલે જણાવ્યું હતું કે, તેણે ઉપવાસ આંદોલન શરુ કર્યાના સાત કલાકમાં જ સરકારે ૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને તેના ઉપવાસ આંદોલનથી ડરી ગયેલી સરકારે તાત્કાલિક પેકેજ જાહેર કરવાની ફરજ પડી હતી તેવો દાવો પણ કર્યો હતો.