મોરબી જીલ્લામાં વધુ 3 પોઝીટીવ કેસ, એકનું મોત
મોરબી, તા. 15 જુલાઈ 2020, બુધવાર
મોરબી જીલ્લામાં સતત કોરોનાનો આંક વધતો જઈ રહ્યો છે જેને લઈને તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે વધુ ત્રણ પોઝીટીવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું છે.
મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને પગલે આરોગ્ય અને વહીવટી તંત્રમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ટંકારામાં વધુ 1 કેસ પોઝીટીવ નોંધાયો છે. જેમાં ટંકારામાં રહેતા 60 વર્ષના મહિલાને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મહીલાને ડાયાબીટીસ અને છાતીમાં દુખાવાની સમસ્યા હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ટંકારામાં પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પોઝીટીવ દર્દીના વિસ્તારમાં દોડી જઈને કામગીરી હાથ ધરી હતી તો મોરબી શહેરમાં વધુ 2 કેસ નોંધાયા છે અને તેમાંથી એક દર્દીનું મૃત્યુ પણ થઇ ચુક્યું હોવાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે.
કોરોનાના કેસના આંકની સાથે સાથે મૃત્યુ આંક પણ વધતો જઈ રહ્યો છે તે એક ચિંતાનો વિષય છે. કોરોનાના કુલ કેસનો આંક 139 પર પહોચ્યો છે અને મૃત્યુ આંક 8 પર પહોચ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.