મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
પાણા પાછળ પાણીની જેમ પૈસા વેરતા પ્રતિમા-પૂજકો
પથ્થરની મૂર્તિઓ અને જંગી પ્રતિમાઓ પાછળ અબજો રૃપિયા પાણીની જેમ વેડફાતા જોઈને લોકકવિ દાદનું ગીત યાદ આવે: ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.... અરે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પણ લખ્યું હતું કે 'મને એમ કે પ્રેમનું મંદિર બાંધવા લોકો પુષ્પો લઈને આવશે, પણ આ બધા તો પથ્થર લઈને આવ્યા.
' ખરેખર પથ્થરની પ્રતિમાઓ અને ઊંચી ઊંચી મૂર્તિઓ ઊભી કરતા આ બધા 'પથ્થર કે સનમ'ને જીવતાને જાળવવાની કોઈ જાણે ચિંતા જ નથી હોતી. રાજકીય સ્વાર્થ સાધવા કે ધર્મના ક્ષેત્રમાં બીજાથી મોટા દેખાવાની હોડમાં પાણા પાછળ પાણી જેમ પૈસા વેરાતા જોઈને પથ્થર દિલના ઈન્સાનની આંખોમાં પણ પાણી આવી જાય.
આ બધા પ્રતિમા-પૂજકો મહાન સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણવિદ મૌલાના અબ્દુલ કલામ આઝાદના જીવનના આ કિસ્સામાંથી શીખવાની જરૃર ઠછે. આઝાદીના જંગમાં અગ્રેસર રહેલા મૌલાના આઝાદને અંગ્રેજોએ પકડીને અમદાવાદની જેલમાં રાખ્યા હતા.
આઝાદ જેલમાં હતા એ દરમિયાન કલકત્તામાં તેમના ધર્મપત્નીનું અવસાન થયું. કૃતજ્ઞા રાષ્ટ્રવાસીઓએ બેગમ આઝાદની સ્મૃતિમાં ભવ્ય સ્મારક રચવાના નિર્ધાર સાથે ભંડોળ એકત્ર કરવાની શરૃઆત કરી. જોતજોતામાં મોટું ભંડોળ એકઠું થયું. મૌલાના સાહેબ જેલમાંથી છૂટયા ત્યારે તેમને જાણ કરવામાં આવી કે તેમના મરહૂમ જીવનસાથીની યાદમાં સ્મારક સ્થાપવા ફંડ એકઠું કરવામાં આવ્યું છે.
આઝાદના ભવાં ચડી ગયા અને સ્મારક રચવાની ધસીને ના પાડતા કહ્યું કે હમણાંને હમણાં આ બધી જ રકમ લઈને અલાહાબાદની કમલા નેહરુ હોસ્પિટલને આપી આવો. આ રકમમાંથી ગરીબ દરદીઓનો ઈલાજ થશે તો એ પૈસા લેખે લાગશે. આ દેશના કરોડો કરદાતાના પૈસાનું પાણી કરી શાન વધારવાના અભરખા રાખવાવાળાએ સાનમાં સમજવા જેવું છે:
નિર્જીવ પૂતળા ઉભા કરી
વધારાય છે શાન
અને જીવતા જીવોને મળતું
નથી ખાવા ધાન
તમે જ કહો આ જોઈ
ક્યા મોઢે હરખાય હિન્દુસ્તાન?
પોલીસે પંદર વર્ષ રજાની મજા લીધી
સામાન્ય રીતે પોલીસોને સહેલાઈથી રજા મળતી નથી હોતી અને પ્રચંડ માનસિક તાણ સહીને ફરજ બજાવવી પડે છે. આવી પરિસ્થિતિમાં કોઈ પોલીસ કોન્સ્ટેબલ ૧૫ દિવસ નહીં પૂરા પંદર વર્ષની રજા ભોગવી વટથી ફરજ પર હાજર થઈ જાય ત્યારે કેવો જબરજસ્ત આંચકો લાગે?
આ તો ભાઈ ઉત્તર પ્રદેશની ઘટના છે, ઉત્તર પ્રદેશમાં એવી ઘટના બને છે કે જેનો કોઈ ગળે ઉતરે એવો ઉત્તર નથી હોતો. પીલીભીત ગામના કોટવાળી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ બલવિંદર સિંહ ૧૩મી નવેમ્બર ૨૦૦૧ના રોજ કોઈ આગોતરી જાણ કર્યા વગર કે કારણ આપ્યા વિના રજા ઉપર ઊતરી ગયાં.
બરાબર ૧૫ વર્ષ અને ૨૧૭ દિવસની રજા ભોગવી આ મહાશય વટથી પીલીભીન કોટવાલી પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થયો. પોલીસ ડિપાર્ટમેન્ટે એ જ દિવસે તેને નોકરીમાંથી પાણીચું આપી દીધું.
દોઢ દાયકા સુધી કેમ તેણે રજા ભોગવી તેનું તે કોઈ યોગ્ય કારણ ન આપી શક્યાં. બીમાર હતો એટલું કહ્યું પરંતુ કોઈ મેડિકલ સર્ટિફિકેટ રજૂ ન કરી શક્યો. સામાન્ય રીતે પોલીસને રજા મળે ત્યારે તેને મજા થઈ જતી હોય છે. પણ આ કોન્સ્ટેબલે વર્ષો સુધી રજા ભોગવતા તેને નોકરી ગુમાવવાની સજા મળી.
પુત્રીના જન્મને સોનાના ખણખણતા સિક્કાથી વધાવાય છે
બેટી બઢાવ બેટી પઢાવના સૂત્રો ચારે તરફ જોરશોરથી ગજાવવામાં આવે છે. દીકરી એ તો વ્હાલનો દરિયો છે એવું કહેવામાં આવે છે. છતાં આજના સમયની વરવી વાસ્તવિક્તા એ છે કે આજે પણ એવાં અગણિત પરિવારો હશે જ્યાં પુત્રી અવતરે તો નારાજી વ્યાપી જતી હોય છે. કન્યા કેળવણી માટે અને કન્યાના કલ્યાણ માટે સરકાર તરફથી કરોડો રૃપિયાની જુદી જુદી યોજનાઓ જાહેર કરવામાં આવે છે.
પરંતુ કેરળના કોટ્ટક્કલ મ્યુનિસિપાલિટીના મલ્લપુરમના કાઉન્સલર દિકરીના જન્મને અનોખી રીતે વધાવે છે કોઈપણ સાથે સંબંધ ન ધરાવતા અબ્દુલ રહીમ નામના આ કાઉન્સિલર ગામમાં જે સ્ત્રીને પુત્રી અવતરે તેને ત્યાં જઈને સોનાનો સિક્કો ભેટ આપે છે. કોઈ પાસેથી મદદ લીધા વિના છેલ્લાં બે વર્ષથી આ રીતે સોનાના એક ગ્રામના સિક્કાની ભેટ આપી પુત્રી-અવતરણને આવકારે છે. હવે તેમણે આ સિક્કાનું વજન વધારી બે ગ્રામ કરવાનું નક્કી કર્યું છે.
કાઉન્સિલર તરીકે તેમને ૮-૧૦ હજારનું ભથ્થું મળે છે તે સોનાના સિક્કા ખરીદવામાં જ વાપરી નાખે છે દિકરીએ કુટુબને તારી નાખ્યું હોય અને જ્યારે દિકરાઓએ જાકારો આપ્યો હોય ત્યારે દિકરીએ સંભાળ રાખી હોય એવા અગણિત દાખલા મળે છે. એટલે જ કહેવું પડે કે:
દિકરી કુટુંબને તારે અને તરે
એટલે જ ભેટ અપાય ખણખણતા સિક્કા
જ્યારે બેટી અવ-તરે.
ન્યાય માટે જજની સાઈકલયાત્રા
સાઈકલ મારી સ...ર...ર...ર જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય... બાળકો કે તરૃણોને પૂરજોશમાં પડેલ મારી સાઈકલ દોડાવી રહ્યું ગાતા સાંભળ્યા છે. પણ અદાલતમાં ઊંચા આસન પર બિરાજમાન થઈ ન્યાય તોળતા કોઈ જજ સાહેબ સાઈકલ પર નીકળી પડે તો જોઈને કેવું આશ્ચર્ય થાય ? મધ્ય પ્રદેશના નીમચ શહેરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રાજેન્દ્રકુમાર શ્રીવાસે થોડા સમય પહેલાં નીમચથી જબલપુરની સાઈકલ યાત્રા કરી હતી જેને નામ આપ્યું હતું ન્યાયયાત્રા. બીજાનો ન્યાય તોળતા હોય એ જજસાહેબ પોતે શા માટે ન્યાયયાત્રા આદરવી પડે એવો સહેજે સવાલ થાય.
જજ શ્રીવાસે મિડિયાને જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટ તરફથી તેમની વારંવાર થતી બદલીના વિરોધમાં તેમણે ૭૧૫ કિલોમીટરની સાઈકલ-યાત્રા પૂરી કરી. એમના કહેવા પ્રમાણે ૧૫ મહિનામાં ચાર વખત તેમની બદલી થઈ અને છેલ્લાં ૧૭ વર્ષ દરમિયાન ૧૧ વખત બદલી થઈ ચૂકી છે. ન્યાય મેળવવા માટે વિરોધ વ્યક્ત કરતા આ ન્યાયાધીશે ગઈ આઠમી ઓગસ્ટે નીમચની કોર્ટમાં જઈ ચાર્જ સંભાળ્યો એ જ દિવસે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે જજ શ્રીવાસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. હાઈ કોર્ટના રજીસ્ટ્રાર જનરલે જણાવ્યા પ્રમાણે શ્રીવાસે ઘરમાં ૩ વર્ષની મુદત પૂરી કર્યા પછી શાહડોલ બદલી કરવામાં આવી હતી.
તેઓ માળવાના વતની છે અને એ જ વિસ્તારમાં ફરજ બજાવી છે. જે રીતે વિરોધ દર્શાવે છે એને ગેરશક્તિ જ ગણી શકાય. જોકે સાઈકલયાત્રીએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત જારી રાખવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ સાઈકલયાત્રીને જોઈ જરા ફેરવીને કહી શકાય: સાઈકલ મારી સ...ર...ર...ર જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય... ઝટપટ ન્યાય માગતી જાય...
ટીપુ ટીપુ વિવાદના સરોવર ભરાય
ટીપે ટીપે સરોવર ભરાય અને ટીપુ ટીપુ વિવાદ કરાય... ટીપુ સુલતાન મહાન શૂરવીર રાજ્વી હતો એની ના નહીં, પણ હિન્દુઓનો વિરોધી હતો એમ ઇતિહાસ બોલે છે. એટલે જ કર્ણાટકની કોંગ્રેસી સરકારે ટીપુ સુલતાનની જન્મ-જયંતી ઊજવવાની જાહેરાત કરી ત્યારે ચારે તરફથી વિરોધનો વંટોળ જાગ્યો. ટીપે ટીપે સરોવર ભરાય એમ નહી ટીપુએ તો હજારો હિન્દુઓની કતલ કરી એના લોહીથી સરોવર ભર્યા હતા.
ટીપુ હિન્દુ વિરોધી હતો અને તેણે મંદિરો તોડયા હતા એવો ઈતિહાસમાં ઉલ્લેખ છે. અરે... બ્રિટિશ કમિશનના રિપોર્ટમાં પણ લખ્યું છે કે ટીપુ હિન્દુ વિરોધી હતો, એનાં લોહીનું ટીપેટીપું હિન્દુ વિરોધી હતું. ૧૭૯૦માં પોતાના એક સરદાર જમાલખાનને લખેલા પત્રમાં ટીપુએ લખ્યું હતું કે કેરળ અને તામિલનાડુમાં ચાર લાખ હિન્દિઓને વટલાવ્યા હતા.
હજારો હિન્દુઓને ટીપુએ હાથીના પગ નીચે ચગદી નાખ્યા હતા. શૂરવીર પણ અત્યાચારી અને આતંકવાદી ટીપુને એટલે જ બિરૃદ મળ્યું હતું દક્ષિણના ઔરંગઝેબનું અત્યારે જ જે આતંક ફેલાવે છે એનાં પિતામહ સમાન ટીપુનું સન્માન કેમ થાય? એટલે જ કહેવું પડે કે:
ટીપુ વિરોધીઓ લલકારે છે
તાનમાં ને તાનમાં
શૂરવીર થઈને એ
પલ્ટાયો શેતાનમાં.
પંચ-વાણી
ચૂંટણીમાં ચૂંટાવું પડે
ચટણીમાં કૂટાવું પડે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar