Get The App

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Apr 20th, 2018

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 1 - image

દત્તક પુત્રને ધોળો કરવા પથ્થરથી ઘસ્યો

ગોરે ગોરે હો બાંકે છોરે... ગોરા છોકરાને જોઈને આવું ગીત યાદ આવી જાય. પણ ભોપાલમાં એક માસ્તરાણીએ દત્તક લીધેલો દીકરો કાળો હતો. તેને ગોરો કરવા માટે શિક્ષિકાએ હેવાનિયત કરી. પાંચ વર્ષના માસુમને નવરાવતી વખતે ખરબચડા પથ્થરથી ઘસવા માંડી પણ પથ્થર ઘસવાથી ચામડીનો રંગ થોડો જ બદલાય?

છોકરો ઉજળો ન થયો પણ આખા શરીરે ઉઝરડા પડવાથી બળતરા થવા માંડી છતાં માસ્તરાણી રોજેરોજ ઘસતી જ રહી. એક વાર બાળકની ચીસાચીસ સાંભળી આ મહિલાની ભત્રીજીએ તેને વારવાનો પ્રયાસ કર્યો. પણ મહિલા માની નહીં આથી ભત્રીજીએ  પોલીસમાં ફરિયાદ કરી અને મહિલાની અટક કરવામાં આવી. પોલીસે બાળકનો કબજો લીધો અને તેને બાલાશ્રમ ચલાવતી સ્વયંસેવી સંસ્થાને સોંપી દીધો.

તાણમુક્ત થવા માટે કૂતરા ભાડેથી મળશે

એકલતા ટાળવા માટે ઘણાં લોકો કૂતરા, બિલાડી કે સસલા પાળે છે. આજના ધમાલિયા  જીવનમાં તાણમુક્ત થવા માટે થોડો સમય પાળેલા પ્રાણી સાથે ગુજારવાથી ઘણી રાહત મળે છે. પશ્ચિમનાં દેશોમાં તો ઘણાં વર્ષોથી લોકોને  માનસિક રાહત આપવા માટે મનોચિકિત્સકો પણ પ્રાણી પાળવાની સલાહ આપે છે. હવે મેં  સાંભળ્યું છે કે ભારતમાં પણ આ પ્રયોગની અજમાઈશ થવાની છે.

ખાસ તો મોટા મોટા  શહેરોમાં ઘડિયાળને કાંટે જીવાતી દોડધામવાળી જિદગીમાં લોકો ટેન્શનનો ભાર  લઈને ફરતા હોય છે, એમને તણાવમુક્ત કરવા  માટે શહેરોમાં કૂતરા ભાડેથી આપવાની શરૃઆત   કરવામાં આવશે. સાઈકલ ભાડેથી મળે છે, ગોવામાં મોટરબાઈક ભાડેથી મળે છે, ટુરિસ્ટ  કાર કે ટેક્સી ભાડેથી મળે છે એમ હવે શિસ્તબ્ધ શ્વાન પણ ભાડેથી મળશે. ભાડૂતી શ્વાનને લઈને  ઘૂમવાનું, ગાર્ડનમાં લઈ જઈ રમવાનું અને આ રીતે તાણમુક્ત થવાનું. જીતે હૈ શાન સે... એમ કહેવાને બદલે જરા ફેરવીને કહી શકાય (ટેન્શન ફ્રી) જીતે હૈ શ્વાન સે.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 2 - imageખેડૂત પાક લણે વાંદરા પાક હણે

જય જવાન જય કિસાનનો નારો લાલબહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો. દેશના કિસાનો ખેતી કરી સહુનું પેટ ભરે અને જવાનો દેશની સીમાની રક્ષા કરે પણ તેલંગણાના ખેડૂતો માટે મોટી સમસ્યા એ ઊભી થઈ છે ઊભા પાકને રોળી નાખતા વાંદરાઓના ત્રાસ સામે એમનાં  ખેતરોનું કોણ રક્ષણ કરે? લોહી-પરસેવો એક કરી ખેડૂતો પાક ઉગાડે છે અને એ જ પાકનો મસ્તીખોર વાનરો કચ્ચરઘાણ કાઢી નાંખે છે. ખેડૂતો પાક લણે એ પહેલાં વાંદરા હણે છે.

આહિલાબાદ, નિર્મલ, મંચેરિયાલ અને અસૈફાબાદમાં ત્રાસવાદી વાનરો એવો ઉત્પાત  મચાવે છે કે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વાનરોના ત્રાસમાંથી બચાવવા માટે રોષે ભરાયેલા  ખેડૂતોએ સરકાર સામે ધા નાખ્યા બાદ જંગલ ખાતાની આંખ ઊઘડી છે. ખેડૂતોને વાંદરાના ત્રાસમાંથી મુક્ત કરવા માટે તેલંગણા સરકારે ૩૦ કરોડનો પ્લાન ઘડયો છે રેડિયોમાં  મન કી બાત સાંભળવા મળે છે અને રોષે ભરાયેલા ખેડૂતો મન્કી-બાત સંભળાવે છે.

નરને વાનર આપે ત્રાસ
ત્યારે ખેડૂતોના અધ્ધર થાય શ્વાસ
કરોડોના ખર્ચે સમસ્યાના ઉકેલની
વાત પર ખેડૂતો કરશે વિશ્વાસ?

છૂટાછેડાથી હતાશ થઈ સેક્સ ચેન્જ

લગ્ન પછી માણસ સાવ બદલાઈ જાય છે એવું કહેવાય છે. પણ માણસ બદલાઈને પુરૃષમાંથી સ્ત્રી બની જાય એવો અનોખો કિસ્સો બિહારમાં બહાર આવ્યો હતો.  નાના ગામની કોર્ટમાં  પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી છૂટાછેડાનો કેસ ચાલતો હતો હવે બસ કોર્ટ છૂટાછેડા ઉપર મંજૂરીની મહોર મારે એટલી જ વાર હતી. નિર્ધારિત તારીખે કોર્ટના ચોકીદારે પતિને આગળ આવવા હાક મારી ફૂલચરણ હાજીર હો... ફૂલચરણ હાજીર હો... આ સાંભળી છેલ્લી બેન્ચ ઉપર ધુમટો તાણીને બેઠેલી એક મહિલા ઠુમક... ઠુમક ઝાંઝર ઝણકારતી આગળ આવી. સહુ ચોંકી ગયા કે  મરદને બદલે ઔરત ક્યાંથી આવી?

ત્યાં તો આ મહિલાએ જ ઘૂમટો ઉઠાવી ઘટસ્ફોટ  કર્યો કે  'મેં હી ફૂલચરણ હું... મેરી પત્નીને મેં આદમી મેં નહીં હું ઐસા ઈલ્ઝામ લગા કે ડિવોર્સ લેને કી તૈયારી કી તો મેં બેહદ દુ:ખી હો ગયા. જબ હમ દોનો અલગ રહેને લગે તબ મૈંને કુછ મહિને પહેલે સેક્સચેન્જ કરવા લિયા. ઔર મેં મર્દ સે ઔરત બન ગઈ ઔર એક આદમી કે સાથ શાદી ભી કર લી હૈ. કેવો ઘટસ્ફોટ! મરાઠી ભાષામાં  છૂટાછેડાને ઘટસ્ફોટ કહે છે હો! પતિ-પત્ની વચ્ચેના પ્રેમમાં ઘટ થાય ત્યારે સ્ફોટ થાય એને  કહેવાય ઘટ-સ્ફોટ.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 3 - imageજગતના તાતને કમનસીબીની લાત

મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હિરે મોતી... દેશભક્તિના ગીતોમાં સોના જેવો પાક ઉતરે એવી ભાવના વ્યકત થાય છે. પણ પાક ઉગાડનારા ખેડૂતોની આ કૃષિપ્રધાન દેશમાં હાલત કેવી કથળેલી છે? અન્ન ઉગાડી આખા દેશને જમાડતા અને જીવાડતા જગતના તાત કર્જ  કમનસીબીની લાત ખાઈને મોતને ભેટે છે. ૨૦૧૪થી ૨૦૧૬ સુધીના ત્રણ વર્ષના ગાળામાં  દેશના ૩૬ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.  કિસાન કલ્યાણ યોજનાઓ પાછળ કરોડો  રૃપિયાની ફાળવણી થાય છે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને સંપૂર્ણ કર્જમાફી આપવામાં આવી છે અને કૃષિકારોની સહાય માટે કેટલાય પેકેજ જાહેર કરવામાં આવે છે છતાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો થંભવાનું નામ  જ નથી લેતો.

મહારાષ્ટ્રના અછતગ્રસ્ત  અને ખેડૂતોની વધુમાં વધુ આત્મહત્યા માટે જાણીતા વિદર્ભના એક ખેડૂતે નિસાસો નાખી પત્રકારોને જણાવ્યું હતું કે હવે તો સરકાર ફાંસીના ગાળીયા તૈયાર કરવાનો ગૃહઉદ્યોગ શરૃ કરવા અમને મદદ કરે તો બે પૈસા રળી શકીએ.

પંચ-વાણી

ભારત દેશ કૃષિ-પ્રધાન કે ખુર્શી-પ્રધાન?
 

Tags :