ભગવાન રામને સલામ .
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
ભક્તજનો પ્રભુ રામને વંદન કરે છે. પરંતુ દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પ્રભુ રામ રાજા તરીકે પૂજાય છે અને દિવસમાં બે વખત પોલીસો દ્વારા સલામી આપવામાં આવે છે.
આ રાજા રામનું મંદિર મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાના ઓરછા ગામે આવેલું છે. બુંદેલા સ્થાપત્ય શૈલીમાં મહેલ સ્વરૂપ મંદિર છે.
મહેલમાં બિરાજમાન રાજા રામને સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી એમ રોજ બે વાર મધ્યપ્રદેશ પોલીસ તરફથી વિધિવત સલામી આપવામાં આવે છે. દેશમાં અયોધ્યાના કનક મંદિર પછી આ બીજું ભવ્ય મંદિર છે.
કહેવાય છે કે રાજા રામ દરરોજ અયોધ્યાથી ઓચ્છાના આ મંદિરમાં અદ્રશ્ય સ્વરૂપે આવે છે અને ભક્તજનોને આશીર્વાદ આપે છે. આ મંદિરની વ્યવસ્થા મધ્ય પ્રદેશની સરકાર સંભાળે છે, અને રાજા રામને એમ.પી. પોલીસ તરફથી રોજ સલામી આપવામાં આવે છે. કહે છે ને કેઃ
શ્રધ્ધાળુઓ રામને નમન કરી
રામ.... રામ કરે છે
પણ આ અનોખા મંદિરમાં
રામને સહુ સલામ કરે છે
મૃત ધારેલી મહિલા પંચનામા વખતે જીવતી થઈ
જે જીવાડે છે એ જ 'મારે' છે. માણસ અકસ્માતમાં ગંભીર રીતે જખમી થયો હોય એને ડોક્ટર સારવાર આપી જીવતો કરે છે. માંદગીમાં પટકાયેલા દરદીને ફરી હરતો ફરતો કરી દે છે. પણ કોઈ ડોક્ટર જરા પણ બેદરકારી દાખવે તો જીવતાને મોત આંબી જાય છે એવાં કિસ્સા અવારનવાર સામે આવે છે. પણ બેદરકારીની ભાગ્યે જ જોવા મળી હોય એવી ઘટના તાજેતરમાં જ મોટામાં મોટી એક સરકારી હોસ્પિટલમાં બની હતી.
હિન્દી દૈનિકના અહેવાલ મુજબ એક મહિલા મોટર સાઈકલના અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ. માથામાં ભારે ઈજા સાથે તેને આ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ સારવાર કરી, પણ મહિલા ટ્રીટમેન્ટને પ્રતિસાદ આપતી ન હોય એવું લાગ્યું. થોડા કલાક બાદ ડોક્ટરોએ મહિલાને મૃત ઘોષિત કરી, અને હાથ ખંખેરી ચાલતા થયા.
મહિલાના સ્વજનોએ રોકકળ કરી મૂકી. અકસ્માતનો કેસ હતો એટલે તરત જ પોલીસ મૃતક મહિલાનું પંચનામું કરવા પહોંચી ગઈ. પોલીસ અધિકારી મહિલાનું નામ, ઉંમર, સરનામું અને બીજી વિગતો નોંધતા હતા ત્યાં તો મહિલા હલનચલન કરવા લાગી. પોલીસ અને મહિલાના સ્વજનો તો જોઈને રીતસર હેબતાઈ ગયા.
ડોક્ટરને તાબડતોબ બોલાવવામાં આવ્યા અને દોડધામ મચી ગઈ. તરત જ ફરી તેની સારવાર શરૂ કરી. જીવતાને મૃત જાહેર કરે એ કેવાં ડોક્ટર? એક ટુચકો છે ને કે માણસ પર ભગવાન નારાજ થાય તો તેણે ડોક્ટર પાસે જવું પડે, પણ જો ડોક્ટર નારાજ થાય તો સીધા ભગવાન પાસે જવું પડે. પણ કોઈ ડોક્ટર વગર નારાજીએ ભગવાન પાસે મોકલવાની ભૂલ કરે તો કોને કહેવું?
મિનરલ વોટર પીતો કોબ્રા
કિંગ કોબ્રા સાપ એટલો ઝેરી હોય છે કે જેને ડંખ મારે ઈ જણ પાણીય ન માગે. પણ આવાં ખતરનાક કિંગ કોબ્રા સાપને પાણી પીવડાવવા માટે કેવી હિંમત જોઈએ? આવી હિંમત દેખાડી છે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કઈગા ગામના એક પોલીસ જવાને, જે કોબ્રાને મિનરલ વોટર પીવડાવી તેની તરસ છીપાવે છે. પોલીસવાળો જાનના જોખમે લાંબા કિંગ કોબ્રા સાપને બોટલથી પાણી પીવડાવે છે એ વિડિયો સોશિયલ મિડિયામાં વાવાઝોડાની જેમ એવો તો ફરી વળ્યો કે અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ દ્રશ્ય જોઈને કહેવું પડે કેઃ
ઝેર તો પીધાં જાણી જાણી
સાપે તો પીધાં પાણી પાણી.
સોનાના ટિફિનમાં ખાણું ચોરોને દેખાડયું પોલીસ થાણું
બાળવાર્તામાં છેલ્લે એવું આવતું હોય છે કે ખાધુ પીધું ને રાજ કર્યું. પણ હૈદરાબાદમાં બે જણે ટિફીન ખોલી ટેસથી ખાધુ પીધું અને રાજ કરવા ગયા ત્યાં જ પોલીસે બંનેને ઝડપી લીધા. કારણ જે ટિફિન ખોલી ખાવા બેઠા હતા એ નક્કર સોનાનું અને લગભગ ૫૦ કરોડની કિંમતનું હતું.
જમીને ઝડપાયેલા આ બે જણે હૈદરાબાદમાં પુરાની હવેલી સ્થિત મ્યુઝિયમમાંથી આ સોનાના ટિફિનની ચોરી કરી હતી. મ્યુઝિયમમાં ચોરી કેમ કરવી એ હોલીવુડની કોઈ ફિલ્મ જોઈને શીખ્યા હતા. બંને તસ્કરોએ ભારે સિક્યોરિટી ભેદીને ટિફિનની આબાદ તફડંચી કરી પણ પછી એ અમૂલ્ય ટિફિનને સગેવગે કરવાને બદલે જરા શેખી કરવા માટે એક સ્ટાર હોટેલમાં જઈ એજ ટિફિનમાંથી ખાવા બેઠા અને એજ વખતે હૈદરાબાદ પોલીસ પગેરું મેળવી પહોંચી ગઈ અને આ ચોરટા પાર્ટીના બંને 'સદસ્યો'ને ઝડપી લીધા. કહે છે ને કેઃ
સચ્ચાઈની સૂકી રોટી પણ
કહેવાય મોંઘેરું ભાણું
પણ ચોરેલા ટિફિનમાંથી ખાવ ખાણું
તો જોવું પડે પોલીસ થાણું
ખર-રાજાને ખર-રાણી
મૈસુરના હુરા ગામડાના લોકો અનોખા લગ્નને માણવા માટે ઉમળકાભેર લગ્નમંડપમાં ઉમટી પડયા. લગ્નવિધિ શરૂ થવાની તૈયારી થઈ ગઈ. એક બાજુથી વરરાજાને બે જણ દોરીને લાવ્યા અને બીજી બાજુથી બે જણ નવવધૂને દોરીને લાવ્યા. ગોર મહારાજે શ્લોકના ઉચ્ચારણ સાથે વરરાજા અને નવવધૂને ફેરા ફેરવ્યા અને આમ લગ્નવિધિ પૂર્ણ થતા ગ્રામજનોએ હર્ષભેર જ્યાં ઊભા હતા ત્યાંથી અભિનંદન વર્ષાવ્યા. મહેમાનોને મીઠાઈ ખવડાવીને આ લગ્ન પ્રસંગે ખુશાલી વ્યક્ત કરવામાં આવી.
આ લગ્ન અનોખા એટલે કહી શકાય કારણ કે યુવક- યુવતીના નહીં પણ ગધેડા ગધેડીએ પ્રભુતામાં (લાત માર્યા વિના) પગલાં માંડયા હતા. આ પરણવાલાયક ગધેડાને માટે યોગ્ય જીવનસાથી શોધવાનું શું કારણ હતું ખબર છે? હુરા ગામનો ગધેડો એક ગધેડી સાથે મજાથી રહેતો હતો અને ગધ્ધાવૈંતરૂં કરતો હતો. પણ તેનું આ સંસારસુખ ઝાઝું ટકયું નહીં. જંગલમાંથી આવી ચડેલા ખૂનખાર દીપડાએ ગધેડીને ફાડી ખાધી. ત્યાર પછી સાવ એકલો પડી ગયેલો આ વિધુર ગધેડો એકદમ હિંસક બની ગયો. રસ્તામાં જે મળે તેને બચકાં ભરવા માંડયો અને લાતમલાત કરવા માંડયો.
કેટલાય ગ્રામજનોએ આ વિધૂર ગધેડાએ જખમી કર્યા પછી ડાહ્યા ગામડિયાઓએ વિચાર્યું કે આ ગર્દભ માટે જો કોઈ યોગ્ય જીવનસાથી ગધેડી લઈ આવીએ તો શક્ય છે કે કમ્પેનીઅન મળવાથી તેનું મગજ શાંત થાય. પછી વિધૂર માટે યોગ્ય ગધેડીની શોધખોળ ચાલુ થઈ. દૂરના ગામડામાંથી એક ગધેડી મળી ગઈ.
આ બંનેને ધામધૂમથી પરણાવવા માટે ગ્રામજનોએ પૈસા ભેગા કર્યા અને પછી ધામધૂમથી પરણાવી દીધા. વટથી પરણેલા ગધેડાને વર-રાજા કેહેવો કે ખર-રાજા? કારણ ગધેડાને ખર પણ કહે છે ને? આ એકદમ હટકે લગ્ન ગ્રામજનોએ માણ્યા એ જોઈને કહેવું પડે કેઃ
સહુ હરખાયા લગન માણી માણી
ઠેકાણે પડયા ખર-રાજાને ખર- રાણી
પંચ-વાણી
હિન્દુવાદીઓ ઉચ્ચારે બમ બમ ભોલે
આતંકવાદીઓ ઊચ્ચારે બમ બમ ગોલે