Get The App

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Mar 2nd, 2018

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 1 - image

પાલકે  બજાવ્યો માનવધર્મ

તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા... 'ધૂલ કા ફૂલ' ફિલ્મનું આ અમર ગીત યાદ આવી જાય એવો કિસ્સો સાંભળવા મળ્યો. દહેરાદૂનમાં રહેતા હિન્દુ તરૃણના માતા-પિતા બન્ને મૃત્યુ પામતા અનાથ બની ગયો. 

તરૃણની આ દશા જોઈ મોઈનુદ્દીન નામના મુસ્લિમ સદ્ગૃહસ્થનું  હૈયું હચમચી ઉઠયું અને ૧૫ વર્ષના આ કિશોરને વિધિવત  દત્તક લઈને ઘરે લઈ આવ્યા અને પ્રેમથી ઊછેરવા લાગ્યા. આ દત્તક પુત્રને મુસ્લિમ  રીત-રીવાજો પાળવાનંા કોઈ જાતનું દબાણ ન કર્યું, બલ્કે મોઈનુદ્દીન અને તેનો પરિવાર ખુદ હિન્દુ રીત-રીવાજો અપનાવવા લાગ્યા. ઘરમાં શાકાહારી ભોજન રંધાવા માંડયું.

દિવાળી અને હોળી જેવાં  તહેવારોની  સહુ રંગેચંગે  ઉજવણી કરવા માંડયા.  વર્ષો વિત્યા અને આ કિશોર જુવાન થતા પરણાવવા માટે યોગ્ય કન્યાની શોધખોળ ચાલુ થઈ ગઈ. સંસ્કારી પરિવારની હિન્દુ કન્યા સાથે જ સગાઈ કરવામાં આવી અને હિન્દુ વિધિથી ધામધૂમથી લગ્ન કર્યા. આજે ઠેકઠેકાણે કોમી તંગદિલી સર્જાતી હોય છે કે  કોમી રમખાણો ફાટી નિકળતા હોય છે.

ઉત્તર ભારતમાં  તાજેતરમાં  જ કેવાં હિંસક હુલ્લડો  થયા હતા? આવી વિકટ પરિસ્થિતિમાં એક મુસ્લિમ પરિવાર માનવ ધર્મને અનુસરી હિન્દુ દત્તક પુત્રને ઊછેરીને આ રીતે પરણાવે એ કેટલી  મોટી વાત કહેવાય? મોઈનુદ્દીન એક જ વાત કહે છે કે  'મઝહબ કુછ ભી હો, લેકિન સબકી રગોં મેં એક હી ખૂન હૈ.' આ સાંભળીને ઈકબાલ યાદ આવી જાય 'મઝહબ નહીં શીખાના આપસ મેં  બૈર રખના...  હિન્દી હૈ હમ વતન હૈ હિન્દોસ્તાં  હમારા... સારે જહાં સે અચ્છા...

સની લીઓન અપશુકનથી બચાવે

ખેતરોમાં પક્ષીઓને ભગાડવા અને પાકનું  રક્ષણ કરવા માટે 'ચાડિયા' (સ્કેરક્રો) ઊભા કરવામાં આવતા હોય છે. પરંતુ આંધ્ર પ્રદેશના  એક ખેડૂતે લોકોની બુરી નજરથી પોતાની જમીન બચાવવા માટે સેક્સ-બોમ્બ સની લીઓનના મોટાં રંગીન પોસ્ટરો લગાડયા છે.

ખેતરમાં ઊભા પાકની વચ્ચે નમણી અને મારકણી સની લીઓનની આ મસ્ત મજાની તસવીરો જોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયેલા ગ્રામજનોએ અંકિન્નાપલ્લી નામના ખેડૂતને સવાલ કર્યો કે તે સની લિઓનના પોસ્ટર શા માટે  લગાડયા છે?  પક્ષીઓને ભગાડવા માટે?' ત્યારે નેલ્લોર જિલ્લાના ખેડૂત અંકિન્નાપલ્લીએ જવાબ આપ્યો  કે ભાઈ, મારૃ ખેતર રોડટચ છે. એટલે આલતા જતા સહુની નજર મારા પાકથી લહેરાતા ખેતર પર પડતી અને એને લીધે અપશુકન થતા હતા.

ધીરે ધીરે પાક ઓછોને ઓછો ઉતરવા માંડયો  હતો. મારા દિમાગમાં ઝબકારો થયો કે પસાર થતા લોકોની નજર  બીજી તરફ વાળવી જોઈએ.  એટલે મેં સન્ની લીઓનના જંગી પોસ્ટરો ગોઠવ્યા છ.ે હવે પસાર થતા સહુની નજર સીધી  સન્ની લીઓનીના ફોટા પર જ ચોંટી જાય છે, ખેતર ઉપર પડતી જ નથી. આને લીધે હવે ફરીથી મારા ખેતરમાં વધુ પાક ઉતરવા માંડયો  છે. જય સન્ની...

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 2 - imageઆધાર બનાવે નિરાધાર

આજે દેશના નાગરિકો માટે આધારકાર્ડ  અનિવાર્ય બની ગયું છે. આધારકાર્ડ વિના કોઈ કામ નથી થતું.  એટલે જ કહેવાય છે કે આધાર વિના નહીં ઉધ્ધાર. પણ આધાર ન હોવાને કારણે એક સગર્ભાની  કેવી દશા થઈ એ સાંભળીને  જ રૃંવાડા ઊભા થાય.  રાજધાની દિલ્હીને અડીને  આવેલા ગુડગાંવની  જનરલ હોસ્પિટલમાં પ્રસૂતિ વેદનાથી રીતસર ચીસાચીસ કરતી ૨૫ વર્ષની યુવતીને  લઈને તેનો વર આવ્યો. 

પરંતુ પ્રસૂતિ વિભાગમાં યુવતીને દાખલ કરતા પહેલાં ડૉકટરે અલ્ટ્રા-સાઉન્ડ ટેસ્ટ  કરાવવાનું  કહ્યું.  યુવતીને અલ્ટ્રા-સાઉન્ડ ટેસ્ટ માટે લઈ ગયા તો ત્યાંના ડૉકટરે  આધાર કાર્ડ માગ્યું.  મહિલા પાસે આધારકાર્ડ નહોતંક પણ યુનિક આઈડેન્ટિપિકેશન નંબર હતો. પણ ડૉકટરે આવી ઈમર્જન્સીમાં પણ જક્કી વલણ લીધું અને મહિલાને ટેસ્ટ કર્યા વગર બહાર કાઢી મૂકી.

  પીડાથી કણસતી મહિલાને લઈને જ્યારે  તેનો વર  હોસ્પિટલના સાઈકલ સ્ટેન્ડમાં  પહોંચ્યો ત્યાં જ મહિલાને ખુલ્લામાં  પ્રસૂતિ થઈ ગઈ.  ઉહાપોહ મચી ગયો. આધારનો આગ્રહ રાખનાર દાનવરૃપી ડૉકટર અને નર્સને  તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યા. આધાર માટેના હઠાગ્રહને  કારણે સગર્ભાએ સાવ ખુલ્લામાં બાળકને જન્મ આપવો પડયો.  આમ જ્યારે  આધાર જ બનાવે  નિરાધાર એને કોનો 'આધાર'?

શિક્ષકનો સંબંધ જ્ઞાન સાથે કે ગન સાથે?

એક જમાનો હતો જ્યારે  ચંબલ નદીની કોતરો ખૂનખાર બાગીઓ અને બહારવટીયાની   બંદૂકના ધડાકાથી  થરથર કાંપતી હતી. જુદી જુદી કેટલીય ટોળીઓ ચંબલ અને આસપાસના  વિસ્તારમાં હત્યા, અપહરણ અને લૂંટફાટ જેવાં ગંભીર ગુનાઓ આચરતી હતી. કેટલાય ડાકુઓ  ફાંસીને માંચડે ચડયા, કેટલાયે જન્મટીપ ભોગવી અને કેટલાયનું હૃદય પરિવર્તન થયા બાદ શરણે  આવ્યા. 

આજે તો ચંબલમાં ડાકુઓનો ખોફ નથી રહ્યો.  ત્યારે ચંબલ નજીક આવેલા ભીંડ  ગામની  સ્કૂલમાં  ભરી બંદૂક  લઈને એક શિક્ષક દોડી ગયો અને હવામાં ગોળીબાર કરી ચિલ્લાવા  માંડયો' એક એક કો ભૂન કે રખ દૂંગા... કોઈ બીચ મેં નહીં આના,

યહી સ્કૂલ મેં મેરી ઔરત  ટીચર હૈ ઉસે મેં લેકે જાઉંગા...'  સ્કૂલમાં તો સનસનાટી  મચી ગઈ. વાત જાણે એમ  હતી કે માથાફરેલ પતિથી ત્રાસીને તેની પત્ની  પિયર આવતી રહી હતી અને આ સ્કૂલમાં નોકરી કરતી હતી.  એટલે વિફરેલો પતિ બંદૂક લઈને તેને પોતાની સાથે લઈ જવા આવ્યો હતો. પત્નીનું   કાંડુ ઝાલીને તે રીતસર ઘસડીને  લઈ જવા માંડયો.  આ જોઈ જરા પણ ગભરાયા વિના નવમા ધોરણમાં ભણતો જયવીર નામનો વિદ્યાર્થી  અને એક ચોકીદાર વચ્ચે પડયા.

બંદૂકધારી શિક્ષકે  વિદ્યાર્થીની છાતી ઉપર બંદૂકનું નાળચું  મૂકી ફૂંકી  મારવાની દમકી આપી.  પણ વિદ્યાર્થી  હિંમત ન હાર્યો. આ ઝપાઝપીમાં શિક્ષિકા હાથ છોેડાવી એક કલાસરૃમમાં દોડી ગઈ અને બારણું  બંધ કરી દીધું.  એટલે ધૂંઆપૂઆ થયેલો  શિક્ષક  પતિ હવામાં ગોળીબાર કરી સહુને ડરાવતો ધમકાવતો ભાગી છૂટયો.  ચંબલ હજી ગુનાખોરીની  અસર સાવ ઓસરી નથી. નહીંતર જે શિક્ષકનો સંબંધ જ્ઞાાન સાથે હોય એ ગન લઈને કેમ નીકળી પડે?

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 3 - imageભૂખ શમાવતા લંગરને જીએસટીનું દુ:ખ

ભૂખ્યા ભજન ન હોય એવું  કહેવાય છેને?   પેટમાં ભોજન જાય પછી સખે ભજન થાય. એટલે જ દેશભરના ગણ્યાગણાય નહીં એટલા અન્નક્ષેત્રોમાં તેમજ ગુરુદ્વારાના લંગરમાં લાખો લોકો રોજ ભોજન કરે છે.  અમૃતસરના સચખંડ શ્રી હરિમંર સાહેબના લંગરમાં સોમથી શુક્ર રોજ એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓ લંગરમાં જમે છે. શનિ અને રવિવારે બેથી ત્રણ લાખ લોકો લંગરની ખરીદી લે છે. 

અમૃતસરના ગુરુદ્વારામાં  તો રોટલી બનાવવાના જંગી મશીન ગોઠવાયા છે જેમાં એક કલાકમાં ૨૫ હજાર રોટલી તૈયાર થાય છે. દિલ્હીના બંગલા સાહેબ ગુરુદ્વારાના લંગરમાં રોજ ૩૦થી ૪૦ હજાર લોકો ભોજન લે છે અને શનિ-રવિ આ આંકડો ૮૦ હજાર પર પહોંચે છે. હવે જ્યારથી જીએસટી લાગુ કરવામાં  આવ્યો છે. 

ત્યારથી આ મોટામાં મોટા કોમ્યુનિટી કિચન ગણાતા  લંગર ઉપર બોજો વધી ગયો છે.   નિ:શુલ્ક  ભોજન જમાડવા  માટે આ ગુરુદ્વારાઓ તરફતી મહિને ચાર-પાંચ કરોડ રૃપિયાનું અનાજ, દાળ અને મસાલા ખરીદવામાં આવે છે.

પરંતુ જી.એસ.ટી. અમલમાં આવ્યા પછી  આ ગુરૃદ્વારાઓ પર એક-દોઢ કરોડનો  બોજો વધી ગયો છે. સરકાર પોતે ભલે ભૂખ્યાની ભૂખ ંભાંગી ન શકતી હોય પણ જે  ગુરુદ્વારા કે અન્નક્ષેત્રો રોજ લાખો લોકોનિે ભોજન કરાવતા હોય તેને જી.એસ.ટી.માંથી રાહત ન આપી શકે? આ દેશમાં સત્તાની ભૂખ હોય એવાં કેટલાય નજરે પડે છે, પણ બીજાની ભૂખ ભાંગતા હોય એની સહાય કોણ કરે?

પંચ-વાણી

સ: સૌથી સલામત કઈ બેન્ક
જ: બ્લડ બેન્ક
 

Tags :