મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
પોપટની સાન પોલીસનું કામ આસાન
પોપટ પઢો લીંબડે ચડો.... એમ કહેવાય છે. પણ પોપટ પઢાવેલો હોય તો ચોર છીંડે ચડે છે. કેરળના કોચી શહેરમાં પાળેલા પશુ- પક્ષીનું વેચાણ કરતી એક પેટ- શોપમાંથી એક રાત્રે આફ્રિકન ગ્રે પેરટ જાતિનો પોપટ, એક પર્શિયન બિલાડી અને બે કોકટેલ પક્ષીઓ ચોરાઈ ગયા. માલિકે પોલીસમાં ફરિયાદ કરી.
ચારે તરફ શોધાશોધ કરવામાં આવી. આ દરમિયાન કોચીની બાજુના ગામમાંથી આવેલા માણસે પોલીસને જાણ કરી કે એક ઘરમાં પાળેલો પોપટ સતત સંધ્યા... સતીષના નામની બૂમાબૂમ કરે છે. પોલીસ ટીમ ત્યાં પહોંચી ગઈ અને તપાસ કરતા એ ઘરમાંથી કોચીથી ચોરાયેલા આફ્રિકન ગ્રે પેરટ અને બીજા પ્રાણીનો પત્તો મળી ગયો. ત્રણ ચોરને પોલીસે ઝડપી લીધા. પોપટની સાન પોલીસનું કામ કરે આસાન.
વીજળીએ સ્મશાનમાં જીવ લીધો
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.... એ પંક્તિ બિહારના ઔરંગાબાદ ગામે સાચી પડી. ગુજરી ગયેલી વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે સગા- સંબંધીઓ ઓબરા સ્મશાનઘાટ પર પહોંચ્યા. મૃતકને ચિતા પર સૂવાડી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા એ જ વખતે જોરદાર કડાકા સાથે વીજળી ત્રાટકી અને ચાર ડાઘુઓ માર્યા ગયા. બીજા ૨૫ ડાઘુઓ સખત દાઝી જવાથી તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેનો જીવ જાય એને સ્મશાનમાં લઈ જવા પડે, પણ આ કિસ્સામાં તો સ્મશાનમાં ગયેલા ચારનો જીવ ગયો.
નોટબંધી પછી નટી- બંધી
ફિલ્મોમાં કોઈ નટ કે નટી નામના મેળવે અને પછી પૈસાના ઢગલા થવા માટે ત્યારે લોકો આપસમાં બોલચાલની ભાષામાં કહેતા હોય છે કે એ તો નોટ છાપે છે નોટ. પણ કેરળમાં એક જાણીતી અભિનેત્રી ખરેખર નોટ છાપતા પોલીસના હાથમાં ઝડપાઈ ગઈ. કારણ એ બનાવટી નોટ છાપતી હતી. કેરળના કોલ્લમમાં રહેતી ટીવી સિરિયલોની આ નટીના આલીશાન બંગલા ઉપર પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે ઉપરના માળે અદ્યતન છાપખાનામાં ૫૦૦ની નોટો ધડાધડ છપાતી હતી.
પોલીસે આ મલયાલમ અભિનેત્રી, તેની બહેન અને માતાની ધરપકડ કરી હતી. બંગલામાંથી પોલીસે કોમ્પ્યુટર, પ્રિન્ટર, બોંડ પેપર અને છાપેલી નોટોનો મોટો જથ્થો હસ્તગત કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે છેલ્લાં છ મહિનાથી દિવસ- રાત નોટોનું છાપકામ ચાલુ હતું. થોડા વખત પહેલાં બનાવટી નોટો ચલણમાં લાવવાનો પ્રયાસ કરતા લશ્કરના એક માજી સૈનિકની અન્નાકોડઈ વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી હતી.
આ માજી ફૌજીએ આપેલી માહિતીને આધારે પોલીસે જાણીતી નટીના બંગલા ઉપર છાપો મારતા જાલી- નોટના છાપકામ જબરજસ્ત રેકેટનો પર્દાફાશ થયો હતો. નોટબંધી પછી બનાવટી નોટો છાપી ચલણમાં વહેતી મૂકી પૈસા કમાઈ લેવાની લાલચમાં આ નટી જેલમાં બંધ થઈ હતી, એટલે કહી શકાય કે પહેલાં નોટબંધી અને પછી નટી- બંધી.
યોગાસન અને ડોગાસન
જ્યારથી આંતરરાષ્ટ્રીય યોગ- દિનની ઉજવણી થવા માંડી છે ત્યારથી દુનિયાભરમાં યોગાસન કરવાનો ક્રેઝ વધતો જાય છે. સહુ યોગના આસનો કરવા માંડયા છે. યોગની શિબિરો યોજાય છે, યોગના વર્ગો લેવાય છે, યોગની તાલીમ અપાય છે અને જાણે સમગ્ર સૃષ્ટિ યોગમય બની ગઈ છે એવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. યોગનો નાદ બેપગાને લાગ્યો છે તો માનવના સૌથી વફાદાર મિત્ર શ્વાન કેમ યોગથી દૂર રહી શકે?
હમણાં જ સાંભળવા મળ્યું કે દિલ્હી જેવાં શહેરોમાં પાળેલા ડોગીને પણ અંગકસરત અને આસનો કરાવીને ફિટમફિટ રાખવા માટે કેન્દ્રો શરૃ થઈ ગયા છે. આમ માનવ કરે યોગાસન અને શ્વાન કરે ડોગાસન. માણસ કરે કસરત અને ભસતા કૂતરા કરે ભસરત. પણ દિલ્હીમાં ડોગાસનની વાત સાંભળી વિચાર આવે કે દિલ્હીમાં વસતા નેતાઓએ શ્વાન પાસેથી એક જ આસન શીખવા જેવું છે, વફાદારીના એ આસનનું વફા-સન.
મોરલ પોલીસો અને જુવાનિયા બરાડે છે 'બસ' કરો બસ કરો
દાયકાઓ પહેલાં આવેલી 'જુલી' ફિલ્મનું ગીત યાદ આવે છે: ના કુછ તેરે બસ મેં જુલી ના કુછ મેરે બસ મેં.... દિલ કયા કરે જબ કિસીકો કિસીસે પ્યાર હો જાયે.... આ ગીત યાદ આવવાનું કારણ જુલી છે અને બસ છે. માંડીને વાત કરું તો જુલીનું પાત્ર ભજવ્યું હતું કેરળની મલયાલમ અભિનેત્રી લક્ષ્મીએ. અને હવે એજ કેરળમાં ટુરિસ્ટોને આકર્ષવા માટે ટુરિસ્ટ બસ ઉપર અભિનેત્રીઓના રંગીન ફોટા લગાડવામાં આવે છે. પરંતુ કઈ અભિનેત્રી ખબર છે? ચીલાચાલુ ફિલ્મોની નહી, પણ એડલ્ટ ફિલ્મો કે જેને અશ્લીલ ફિલ્મો કહીએ છીએ તેની.
પોર્ન- સ્ટારના ફોટાનું બસની બહાર ચિતરામણ કરી ખાસ તો જુવાનિયાઓને અને દેશ- વિદેશના પર્યટકોને લલચાવવામાં આવે છે. પોર્નસ્ટારના આ ફોટાની લાઈનમાં સની લીઓન પણ ઝળકે છે અને મલકે છે અને એની સાથેની જોની સીન્સ, જોર્ડી અલ- નીનો અને કોર્ટની કેન જેવી નટીઓના જોબન છલકે છે. બસની અંદર પણ ડાન્સ બારમાં હોય એવી રોશની સાથે મ્યુઝિક રેલાવામાં આવે છે. આ બાલાઓના ફોટાવાળી બસોને ફરતી જોઈને ચોપતિયા મોરલ પોલીસો કદાચ બૂમરાણ મચાવશે કે બસ કરો.... બસ કરો... જ્યારે બીજી તરફ લલચાયેલા જુવાનિયા બસ બૂક કરવા દોડશે અને કહેશે કે આ જ બસ કરો.... બસ કરો....
પંચ- વાણી
સિંહ જેવો ભડ માણસ પણ પરણીને ગરીબડી ગાય જેવો બની જતો જોયો છે. આવાને અંગ્રેજી અને ગુજરાતીની ભેળસેળવાળી ગુજરેજી ભાષામાં શું કહેવાય ખબર છે? ભડ- કાઉ.