For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છત્રપતિ શિવાજી મહારાજના કાળમાં વરસાદ માપવાની વ્યવસ્થા હતી

Updated: Jul 30th, 2021

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હવામાન વિભાગ પાસે અત્યારે રડાર સહિત અત્યાધુનિક યંત્રો આવી ગયા છે. આ યંત્રોની મદદથી વરસાદ કેટલો પડયો એ માપવાથી માંડીને વરસાદ  કે વાવાઝોડાની સચોટ આગાહી કરી શકાય છે. પરંતુ છત્રપતિ  શિવાજી મહારાજના સમયમાં વરસાદ કેટલો પડયો એ કેવી રીતે ખબર પડતી હશે ? એવો સવાલ થાય. તો આ સવાલનો જવાબ મળી ગયો છે. છત્રપતિ શિવાજી મહારાજના કાળમાં રાયગઢ કિલ્લા ઉપર પથ્થરથી બાંધેલું પર્જન્યમાપક યંત્ર મળી આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજે રાયગઢના કિલ્લા ઉપર આ પર્જન્યમાપક યંત્ર તૈયાર કરાવ્યું હતું. અત્યારે  અત્યંત જીર્ણ અવસ્થામાં જોવા મળતા આ પર્જન્યમાપક યંત્રમાં  ત્રણ બાજુ દિવાલ છે અને ચોથી બાજુ વરસાદના પાણીને દાખલ થવા માટે ખુલ્લી રાખવામાં આવી છે. ઊપરની બાજુએ ત્રણ મોટા છીદ્રો છે. આ છીદ્રોમાંથી વરસાદનું પાણી અંદર ગયા પછી કેટલો વરસાદ પડયો તેનો અંદાજ કાઢવામાં આવતો હતો એમ આ પર્જન્યમાપક યંત્ર પહેલીવાર જેની નજરે પડયું એ રાયગઢ કિલ્લાના અભ્યાસુ ગોપાળ આંદોરકરે જણાવ્યું હતું. અત્યારે આ પર્જન્યમાપક યંત્ર અત્યંત જીર્ણ અવસ્થામાં છે. હવે રાયગઢ કિલ્લાના સંવર્ધનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેની સાથે પુરાતત્ત્વ ખાતાના માર્ગદર્શન અનુસાર આ પર્જન્યમાપક યંત્રનો  પણ જીર્ણોધ્ધાર કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજની દીર્ઘદ્રષ્ટીને દાદ આપવી પડે કે નહીં ? એટલે જ કહેવું પડે કે:

જંગમાં પાણી મપાય શૂરવીરનું

ચોમાસામાં પાણી મપાય વરસાદનું

પ્રથમ તૃતીયપંથી જ્જ

આ દેશમાં તૃતીયપંથીઓએ સૌથી વધુ ઉપેક્ષા અને અપમાન સહન કરવા પડે છે. પરિવારજનોનો સાથ ગુમાવે છે, સમાજમાં ડગલેને પગલે તીરસ્કારનો સામનો કરવો પડે છે. જોકે દેશની સર્વોચ્ચ અદાલતે તૃતીયપંથીઓને સ્વતંત્ર દરજ્જો આપ્યા પછી ધીરે ધીરે તેમને માટે 'અચ્છે દિન' આવવા માંડયા છે. હવે તો યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક મળી છે, શિક્ષણ અને તાલીમ મેળવી સારા પદ મેળવે છે. પોલીસ ઇન્સ્પેકટરથી માંડીને કોલેજના આચાર્યના પદ પર તૃતીયપંથી ફરજ બજાવે છે. દેશના પહેલવહેલા તૃતીયપંથી જ્જ બનવાનું માન પશ્ચિમ બંગાળના જોઇતા મોંડલને મળ્યું છે. હિન્દુ પરિવારમાં જન્મ્યા પછી નાનપણથી  જ તેણે ભેદભાવનો અને અનેક વિટંબણાઓનો સામનો કરવો પડયો. દસમાં ધોરણમાં સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા પછી ભીખ માગી ગુજારો કરવાનો વખત આવ્યો. રાત પડે ત્યારે બસ-સ્ટેન્ડના બાંકડા પર સૂઇ જવાનું. હિંમત હાર્યા વિના તેણે ઉત્તર દીનાજપુરના ઇસ્લામપુર જઇને તૃતીયપંથીઓના ઉધ્ધાર માટેની વિવિધ પ્રવૃત્તિ શરૃ કરી. સાથે સાથે કોરસપોન્ડન્સ કોર્સના માધ્યમથી કાયદાની ડિગ્રી મેળવી. હિંમત અને મહેનત રંગ લાવી જુલાઇ ૨૦૧૭માં લોકઅદાલતના જ્જ તરીકે નિમણૂંક થઇ. જયેઇતા મોંડલે સંઘર્ષ બાદ મેળવેલી સફળતાને જોઇ દાદ આપતા કહેવું પડે કે:

જેના હૈયામાં હોય હામ

એ પાર પાડીને રહે છે અઘરૃં કામ

સેલફોનના સદુપયોગથી બાળકે મેળવી સિધ્ધી

કોરોનાકાળમાં સ્કૂલ બંધ હોવાથી બાળકો મોબાઇલ કે લેપટોપના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ લેતા થઇ ગયા છે. ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલનો ઉપયોગ કર્યા સિવાય છૂટકો જ નથી. પરંતુ આજકાલના બાળકો રીતસર મોબાઇલના 'બંધાણી' બની જાય અને સતત વિડિયો ગેમ રમ્યા કરે ત્યારે ખરેખર મા-બાપ ચિંતામાં પડી જાય છે. મુંબઇની સરકારી હોસ્પિટલમાં તો બાળકોને મોબાઇલના વળગણમાંથી મુકત કરવા ખાસ તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન વૉર્ડમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમની પાસે ચિત્રકામ કરાવવામાં આવે છે, જાતજાતના રમકડાં આપવામાં આવે છે. આ રીતે તેમને મોબાઇલના મોહપાશમાંથી છોડવવામાં આવે છે. બીજી તરફ મોબાઇલના દુરૃપયોગથી નહીં પણ સમજીને સદુપયોગ કરીને કોકણના  વેંગુર્લા નજીક તુળસ ગામે રહેતા અને ચોથા ધોરણમાં ભણતા વિજય તુળસકરે કમાલની સિધ્ધિ હાંસલ કરી છે. ભારત, નેપાળ અને અમેરિકા સહિત ૨૦ દેશોના રાષ્ટ્રગીતો તેને મોઢે છે. મોબાઇલ એપના માધ્યમથી તે સ્પેનીશ, ઇટાલિયન અને જર્મન ભાષા શીખે છે એટલું જ નહીં મરાઠી, ઇંગ્લિશ, હિન્દી ભાષા કડકડાટ બોલે છે. પિતા ટેલરિંગનું કામ કરે છે. ૧૦ વર્ષના આ  'વંડર-બોય' વિશે એ કહે છે કે દરરોજ કંઇક નવું શીખવા માટે તે તલપાપડ હોય છે. સ્કૂલનું ભણવાનું પૂરૃં થાય એટલે પછી મોબાઇલ-નેટ પર અભ્યાસ શરૃ થાય છે.  

ખગોળશાસ્ત્ર તેનો મનગમતો વિષય છે. બધા જ ગ્રહો વિશે તે વાકેફ છે. સૌરમંડળને લગતી સચોટ માહિતી તે આપે છે. ઘરમાં સંગીતનું વાતાવરણ છે એટલે આટલી નાની ઊંમરમાં તે હાર્મોનિયમ  વગાડતા શીખી ગયો છે એટલું જ નહીં સૂતા સૂતા અથવા તો હાર્મોનિયમ ઊંધુ રાખી જરા પણ સૂર ચૂકયા વિના વગાડે છે. મોબાઇલ એપમાંથી જે માહિતી મળે તે નોટમાં ટપકાવે છે. એટલું જ નહીં તેની ખરાઇ પણ કરે છે. ટચુકડા ટેણિયાએ મોબાઇલ સદુપયોગથી મેળવેલી આ સિધ્ધી જોઇને કહેવું પડે  કે:

એક તો ઉપરવાળાએ

અખૂટ અક્કલ દીધી

એમાં વળી સેલફોનના સદુપયોગથી

મેળવી સિધ્ધી.

ઇંધણના દઝાડે ભાવ ત્યારે સોલાર સાયકલ ચલાવતા થાવ

પેટ્રોલ- ડિઝલના આસમાને ગયેલા ભાવ સાંભળીને આખા દેશના લોકો દાઝી રહ્યાં છે. આ ઇંધણના દામથી જે ડામ સહન કરવા પડે  છે  એનાંથી લોકોને રાહત પહોંચાડવા માટે સોલાર-એનર્જી એટલે કે સૌરઊર્જાથી ચાલતા જાત જાતના વાહનો ધીરે ધીરે દોડતા થઇ ગયા છે. ઇલેક્ટ્રિક સ્કૂટર અને કાર પણ તૈયાર થવા માંડી છે. પરંતુ આ બધા વૈકલ્પિક વાહનોની કિંમત અત્યારે સામાન્ય લોકોને પરવડે  એવી નથી. આ સંજોગોમાં તામિલનાડુના મદુરાઇના એક વિદ્યાર્થી  ધનુષકુમારે સોલાર ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. સાયકલ ઉપર સોલાર પેનલ લગાડી છે. આ સોલાર પેનલની મદદથી સાયકલ એકધારી  ૫૦ કિલોમીટર દોડાવી શકાય છે. ચાર્જિંગ ઘટવા મંડે ત્યાર પછી પણ લગભગ વીસેક કિલોમીટર ચાલે છે. ત્યાર પછી ચાર્જિંગમાં મૂકવી પડે છે. આ ચાર્જિંગનો ખર્ચ માત્ર દોઢ રૃપિયો આવે છે. આ સાયકલ કલાકના ૩૦થી ૪૦  કિલોમીટરની ઝડપે દોડાવી શકાય છે. સોશ્યલ મિડીયા પર આ સાયકલને જબરો આવકાર મળ્યો છે. આ જોઇને કહેવું પડે કે :

ઇંધણના જયારે દઝાડે ભાવ

ત્યારે સોલાર સાયકલ ચલાવતા થાવ.

ગૌમાતાનું અનોખું મંદિર અને ગાયને આરામ માટે ગાદલા

આ દેશમાં પરાપૂર્વથી ગૌમાતાને પૂજનીય ગણવામાં આવે છે. પરંતુ ગાયનું એક અનોખું મંદિર નાગપુર જિલ્લાના સાર્શી  ગામે આવેલું છે. ગામમાં ૧૭મી સદીથી ગાયની પૂજાની પરંપરા શરૃ થઇ છે. દરેક ગામવાસીઓ ગાયની માવજત કરે છે અને ઘર ઘરમાં ગાયમાતાના ફોટા પૂજાસ્થાનમાં જોવા મળે છે. એટલે આ ગામનું નામ જ મરાઠીમાં સાર્શી ગાયચી (ગાયનું ગામ સાર્શી) પડયું છે. કેટલાય વર્ષો પહેલાં ગામમાં બેલાના ઝાડ નીચે ગાય બેસતી. ત્યાજ તેનું મૃત્યુ થયુ  એટલે આ ઠેકાણે ગાયનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ ગાયના વંશની દસમાંથી ચાર ગાય અત્યારે હયાત છે. આ ચાર ગાયની ખૂબ સંભાળ લેવામાં આવે છે. આરામથી બેસી શકે માટે ગ્રામજનો તરફથી રૃના પોચા ગાદલાનું મંદિરને દાન કરવામાં આવે છે. ગાયો નિરાંતે ગાદલા પર બેસીને વિશ્રાંતી લે છે. દોઢ હજારની વસતીવાળા ગામમાં દરેક પરિવાર તરફથી ગાયોની સારસંભાળ લેવામાં આવે છે. પોષ પુર્ણિમાં વખતે ગાયના મંદિરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ગૌભકિત જોઇને કહેવું પડે કે :

ગાયના નામથી

ઓળખાય ગામ

ગૌમાતા પ્રત્યે આદર

એ આનું નામ.

પંચ-વાણી

કહેવત છે કે પહેલો સગો પાડોશી.

પણ દગાબાજ પાકિસ્તાને એના કરતૂતથી.

કહેવત ફેરવી નાખી છે : પહેલો 'દગો' પાડોશી.

Gujarat