એ હાલો હાલો ગધાભાઈની જાનમાં .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
કર્ણાટકમાં જ્યારે વરસાદ ખેંચાય અને દુકાળના ઓળા ઉતરશે એવી દહેશત વર્તાય ત્યારે ગામડામાં ગધેડા-ગધેડીનાં ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. આમ તો મોટાભાગના વરના ભાગ્યમાં લગન પછી ગધ્ધાવૈતરૂ કરવાનું જ લખ્યું હોય છે, પણ આ ગધેડા તો ખુદ ગધ્ધાવૈતરૂ કર્યા પછી પરણે છે. કોઈ સવાલ કરે કે શું ગધેડા પરણે? ત્યારે આ સવાલનો જ માર્મિક જવાબ દક્ષિણના એક વ્યંગકારે આપેલો કે 'હા, ગધેડા પરણે છે.' જો કે આ વખતે વરસાદ વરસાવવા માટે નહીં, પણ પ્રેમ વરસાવવાના પરદેશી પર્વ વેલેન્ટાઈન્સ-ડે નિમિત્તે કન્નડ એક્ટિવિસ્ટે બેંગ્લોરમાં ગધેડા-ગધેેડીનાં રીતસર લગ્ન કરાવ્યાં હતાં અને ગધારાજા તેમ જ 'નવગધૂ'નો વરઘોડો નહીં, પણ 'ખરઘોડો' કાઢ્યો હતો. પ્રાણીપ્રેમીઓનો એવો મત છે કે લીવ-ઈન-રિલેશનમાં મુક્તપણે જીવન જીવતાં પ્રાણીઓને આમ પરાણે પરણાવવામાં આવે એ એને અમાનવીય નહીં પણ 'માનવીય' અત્યાચાર જ કહેવાયને? કારણ, સામાજીક પ્રાણી ગણાતો માનવી પરણે એટલે સંસારી ચક્કરના ચરણે અને સમસ્યાના શરણે.
કુર્તા-પાયજામાની નેવીમાં એન્ટ્રી
દેશની સાગરી સીમાની હિફાઝત કરતા નૌકાદળના અફસરો અને નૌસૈનિકોનો દૂધ જેવો સફેદ ગણવેશ જાણે શૌર્ય, સાહસ અને સુરક્ષાના પ્રતીકરૂપ બની ગયો છે, પરંતુ કહેવત છે ને કે દેશ એવો વેશ. તે મુજબ હવે નેવીમાં કુર્તા-પાયજામાના આગમનનો અણસાર વર્તાઈ રહ્યો છે. સરકારના નિર્દેશ અનુસાર નેવીએ તેના તમામ નૌકામથકોને આદેશ આપ્યો છે. નેવલ ઓફિસરોની મેસ (ભોજનખંડ)માં તેમ જ નૌસૈનિકોની સંસ્થામાં સ્લીવલેસ જેકેટ તેમ જ બૂટ-સેન્ડલની સાથે એથનિક ડ્રેસ તરીકે કુર્તા-પાયજામા પહેરવાની મંજૂરી આપવામાં આવે. જોકે કુર્તા-પાયજામાના રંગ,કટ અને સીલાઈ વિશે ખાસ દિશાનિર્દેશનું પાલન કરવું પડશે. નેવીનાં મહિલા અધિકારીઓ પણ નિયમોને આધીન કુર્તા-ચૂડીદાર અથવા કુર્તા-પલાઝો પહેરી શકશે. જોકે કોઈ પણ યુદ્ધ જહાજ કે સબમરીનમાં કુર્તા-પાયજામા કે કુર્તા-ચૂડીદાર પહેરી નહીં શકાય.ગયા વર્ષે નૌકાદળના વડા આર. હરિકુમારની અધ્યક્ષતામાં યોજાયેલા કમાન્ડરોના સંમેલન વખતે કુર્તા-પાયજામાને રાષ્ટ્રીય પોષાક તરીકે નેવીમાં અનુમતી આપવા બાબત ચર્ચા થઈ હતી. ટૂંકમાં, આવનારા દિવસોમાં નેવીના ગણવેશની સાથે ગણ-તંત્ર દેશનો વેશ પણ જોવા મળશે. આ જોઈ કહી શકાશે કે-
કહેવત સાચી પડશે
દેશ એવો વેશ,
મોકળાશ વેળાએ નૌસૈનિકોનો
બદલાશે વેશ,
પણ ફરજ પર હોય ત્યારે
સીમાડા પર કોઈ નહીં કરી શકે
પ્ર-વેશ.
ચિતા પર ચડી
જીવતી થઈ
સ્મશાનભૂમિમાં મૃતકના મૃતદેહને ચિતા પર મુકી અગ્નિદાહ આપવાની તૈયારી હોય બરાબર એ જ વખતે એ વ્યક્તિ બેઠી થઈ જાય તો ડાઘુઓની કેવી દશા થઈ જાય? ઓડિશાના બરાહમપુરમાં બાવન વર્ષની મહિલાને મેડિકલ-કોલેજ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવતા સ્મશાનઘાટ પર અંતિમક્રિયા માટે લઈ જવામાં આવી હતી. મૃતદેહને ચિતા પર મુકીને પરિવારજન અગ્નિદાહ આપવા ગયા એ જ વખતે મૃત માનેલી મહિલા રીતસર બેઠી થઈ ગઈ. આ જોઈ ફફડી ઉઠેલા ડાઘુઓએ ભાગમભાગ કરી મુકી. આ જોઈ મુંઝાયેલી મહિલાએ ઊંચા અવાજે પૂછ્યુંઃ શું થયું... શું થયું કહો તો ખરા? ફરીથી મહિલાને હોસ્પિટલે લઈ જવામાં આવી અને તેને તપાસીને ડોકટરોએ કહ્યું કે મહિલા સ્વસ્થ છે. પરિવારજનો માટે શોકનો પ્રસંગ ખુશાલીમાં ફેરવાઈ ગયો. રોક્કળની જગ્યાએ સગા વ્હાલાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયાં. જ્યારે સતી થવાની કુપ્રથા હતી એ લખતે મૃત પતિની પાછળ સ્ત્રી ચિતા પર ચડી સતી થઈ જતી હતી. જ્યારે ઓડિશાના અનોખા કિસ્સામાં ચિતા પર ચડેલી મહિલા જીવતી થઈ ગઈ.
માગણ મહિલાની આવક અઢી લાખ
ભણીગણી ઊંચી ડિગ્રીઓ લઈ મોટી કંપનીઓમાં હાઈ-પોસ્ટ પર ફરજ બજાવતી લેડી ઓફિસરો જેટલું વેતન મેળવતી હશે તેમાંથી વધુ આવક ઈન્દોરની એક મહિલા માગણ મેળવે છે. ચાલીસ વર્ષની આ ચંદ્રાબાઈએ(નામ બદલ્યું છે) દોઢ મહિનામાં ભીખ માગીને અઢી લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આમાંથી એક લાખ રૂપિયા ગામડે રહેતાં સાસુ-સસરાને મોકલ્યાં તેમ જ ૫૦ હજાર ફિક્સ ડિપોઝીટમાં અને ૫૦ હજાર પોતાના સેવિંગ્સ અકાઉન્ટમાં મૂક્યાં હતાં. ઈન્દોરને ભીક્ષુકમુક્ત શહેર બનાવવા માટે ઝુંબેશ ચલાવતા બિનસરકારી સંગઠન પ્રવેશના કાર્યકરોએ જ્યારે ઈન્દોર-ઉજ્જૈન રોડના ચોક પાસે ભીખ માગતી આ મહિલાની પૂછપરછ અને તપાસ કરી ત્યારે તેની પાસેથી ૧૯ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા. મૂળ રાજસ્થાનની આ મહિલા ઈન્દોરમાં ભીખ માગવાનો જ 'વ્યસાય' કરતા દોઢસો માગણોના ગુ્રપની સદ્સ્ય છે.આ મહિલાના પરિવારનું વતનમાં બે માળનું મકાન અને જમીન છે. ભીખ માગવાની ડયુટી પૂરી થયા પછી એ ઘરે જઈ ટાપટીપ કરી તૈયાર થઈ હસબન્ડ સાથે મોટર સાઈકલપર ફરવા નીકળે છે. હિન્દી અખબારના અહેવાલ મુજબ આ મહિલાને પાંચ બાળકો છે, જેમાંથી ત્રણને પોતાની સાથે જ ભીખ માગવાના કામે લગાડી દીધા છે. તેણે કહ્યું હતું કે ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર રચાયા પછી દેશ-વિદેશથી લોકો દર્શનાર્થે આવવા માંડયા છે એટલે માગણ-વ્યવસાયમાં તેજી આવી ગઈ છે.
મોદીનગરમાં ઘોંઘાટ કર્યો ધરાર, ડીજેથી પડી દરાર
નાનાં ગામડાંથી મોટાં શહેરો સુધી તહેવારોમાં, લગ્નના વરઘોડામાં કે શાદીની બારાતમાં ડીજે (ડિસ્ક જોકી)ના કાનફાડ ઘોંઘાટીયા મ્યુઝિકનો ત્રાસ વર્તાય છે. ટ્રક-ટેમ્પોમાં ગોઠવેલાં જંગી સ્પીકરોમાંથી એટલા મોટા અવાજે ધણધણાટી બોલાવવામાં આવે છે કે કાનના પડદા ફાટી જાય, હૃદયના ધબકારા વધી જાય અને કાચાપોચાં કાળજાવાળાનું તો હાર્ટ જ બેસી જાય. તાજતેરમાં જ ડીજેના દૂષણે એક શખસનો ભોગ લીધો હતો. ગાઝીયાબાદ જિલ્લાના મોદીનગરમાં તો ડીજેના 'દાનવીય' ઘોંઘાટે હદ કરી નાખી. ગામમાં એક યુવકના શાદી સમારંભ વખતે ડીજેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રક ઉપર જંગી સ્પીકરો ગોઠવવામાં આવ્યાં હતાં. જ્યારે ડીજે મ્યુઝિક શરૂ કરવામાં આવ્યું ત્યારે આખી શેરી ગાજી ઉઠી હતી. થોડી વાર પછી ડીજે ઓપરેટરે વોલ્યુમ એકદમ વધારતાં જાણે વિસ્ફોટ થયો હોય એમ એક ઘરની છતનો ભાગ તૂટી પડયો હતો અને બીજાં ચાર મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. આને લીધે દોડધામ થઈ ગઈ હતી. થોડીવારમાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે તરત ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાના આરોપસર ડીજે સામે કેસ દાખલ કર્યો હતો.
બાકી ડીજેનું દૂષણ આટલી હદે હાનિ પહોંચાડે છે છતાં ગામો કે શહેરોમાં આ ઘોંઘાટિયાઓને અંકુશમાં લેવા કોઈ પગલાં નથી લેવાતા. રાજકીય પક્ષોનું પીઠબળ ધરાવતા કેટલાય લોકો ઉજવણીના ઉન્માદમાં બેફામ ધ્વનિ-પ્રદૂષણ ફેલાવતા હોય છે એટલે જ કહેવું પડે કે-
સાંભળી ઘાતકી
ઘોંઘાટનો ધોધ,
મનમાં થાય કોણે કરી હશે
ડીજેના દૂષણની શોધ.
પંચ-વાણી
ટીવીની ખાસ ચેનલો પરથી સતત વહેતા કથા-વાર્તાના ધોધને જોઈને અખાના છપ્પા યાદ આવે-
આંધળો સસરો અને સરંગટ વહુ
કથા સાંભળવા ચાલ્યા સહુ
કિધું કશું અને સાંભળ્યું કશું
આંખનું કાજળ ગાલેઘસ્યું.