Get The App

કોર્ટમાં પુરાવારૂપે લવાયેલો બોમ્બ ફાટયો

Updated: Jul 22nd, 2022

GS TEAM

Google News
Google News
કોર્ટમાં પુરાવારૂપે લવાયેલો બોમ્બ ફાટયો 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જૂની કહેવત છે - માર ખાધો પણ ફોજદારને જોયા. જોકે  બિહારની  રાજધાની  પટનાની કોર્ટમાં થયેલા જોરદાર ધડાકા વચ્ચે  આ કહેવત  ફેરવીને  કહેવાનું ટાણું  આવ્યું કે -  બોમ્બ ફાટયો ને ફોજદારને   ઘાયલ થતા જોયા.  બન્યુ એવું કે કદમકુઆ  પોલીસ થાણા વિસ્તારમાં  જીવંત બોમ્બ  મળી આવ્યો હતો.  પોલીસે હસ્તગત કરેલો આ બોમ્બ પુરાવા તરીકે  ફોજદાર મહાશય કોર્ટમાં  લઈને આવ્યા.  કોર્ટરૂમના  ટેબલ પર  આ બોમ્બ  મૂક્યા પછી થોડી વારમાં  કાનના પડદા  ફાડી  નાખે  એવા પ્રચંડ  ધડાકા   સાથે બોમ્બ ફાટયો  અને  અને ફોજદાર  ઘાયલ  થયા.   આ વિસ્ફોટને  લીધે  આખી  ઈમારત ધણધણી  ઉઠી અને કોર્ટમાં  હાજર હતા એ બધાએ જીવ મુઠ્ઠીમાં  લઈને  નાસભાગ કરી મૂકી. પોલીસે પુરાવા તરીકે  જીવંત  બોમ્બ કોર્ટમાં   રજૂ કરી  આટલા બધા લોકોનો જીવ  જોખમમાં મૂકવાની  મૂર્ખાઈ  કેમ કરી?  શું બોમ્બ  ડિફયુઝલ  સ્કવોડ તરફથી  તેને યોગ્ય   રીતે પૂરેપૂરો  નિષ્ક્રિય કરવામાં નહોતો  આવ્યો?    આ બધી  બાબતોની પાછી પોલીસે   જ તપાસ શરૂ કરી છે. આ કિસ્સો સાંભળીને કહેવું પડે કે-

ભર અદાલતે થાય ઘાંય ધાંય,

વરદીધારીઓની આ કેવી મૂર્ખાઈ.

ટીવીના કારણે બીબીેએ માગ્યા છૂટાછેડા

છેડછાડ પછી છેડાછેડી  અને છેડા બંધાયા  પછી વાત વટકે ત્યારે  છૂટાછેડા  સુધી પહોંચી જાય છે. દહેજના  કારણસર, આપસી ઝઘડા કે લગ્નેતર સંબંધ જેવા કારણસર  છૂટાછેડાના  ઢગલાબંધ  કેસ ફેમિલી કોર્ટમાં  આવતા હોય છે.  પરંતુ છત્તીસગઢમાં  એક સિરિયલની  બંધાણી પત્નીએ  કયા કારણસર  છૂટાછેડા માગ્યા,  ખબર છે?  ઘરમાં ડિશ-ટીવી  રિચાર્જ કરવાના પૈસા પતિએ ન આપ્યા, એટલે! ડિશ-ટીવી  રિચાર્જ કરવામાં ન આવતાં  ટીવી  બંધ થયું  એટલે બિલાસપુરની  આ બીબીનો પિત્તો ગયો.  પતિએ  સમજાવી કે  સાંજે ઓફિસેથી આવી રિચાર્જ કરાવી દઈશ, પણ  પત્ની એકની બે  ન થઈ  અને  સામાન બાંધી  પિયરની વાટ લીધી.  પત્નીએ  છૂટાછેડા   આપવાની જ સીધી માગણી કરી. મામલો  જ્યારે પોલીસમાં  પહોંચ્યો ત્યારે  પોલીસે પણ કારણ જાણીને કપાળ કૂટયું. પત્નીને  સમજાવવાની  કોશિશ ચાલે છે કે   આવા  ક્ષુલ્લક  કારણસર  કાંઈ સંસાર થોડો તોડાય? બાકી તો   ટીવીની  આ સિરિયલોનું   ઘણી મહિલાઓને  એવું તો  વળગણ લાગે છે કે વાત ન પૂછો.  એટલે જ કહેવું પડે કે-

તોબા આ સિરિયલો

જે ઘર ભાંગતી,

વાતે વાતે ધણીનો જીવ

ખીંટીએ ટાંગતી.

બુલડોઝરમાં 

નીકળી બારાત

ઉત્તરપ્રદેશમાં  બુલડોઝર બાબા તરીકે ધાક જમાવનારા યુ.પી.ના  મુખ્ય પ્રધાન યોગી  આદિત્યનાથે દંગલખોરો અને ગુંડાઓના ગેરકાયદે  બાંધકામો  પર બુલડોઝર ફેરવીને  સપાટો બોલાવી   દીધો છે.  લોકોના મનમાં એવો ફફડાટ પેસી  ગયો છે   કે બુલડોઝરની ઘરઘરાટી  સાંભળતાંની સાથે  ધૂ્રજી ઊઠે છે,  પરંતુ આ જ ઉત્તર પ્રદેશના  ગામમાં શણગારેલા બુલડોઝરને  આવતું જોઈને લોકો જોવા  નીકળ્યા કે  આ વળી નવો ખેલ શું છે? બુલડોઝર નજીક આવ્યું ત્યારે ખબર પડી કે મોટર કે ઘોડા ઉપર નહીં, પણ વરરાજાએ  તો બુલડોઝરમાં  પોતાની બારાત કાઢી હતી. વાજતે ગાજતે  બુલડોઝર  ધીમે ધીમે  મંડપ નજીક  પહોંચ્યું ત્યારે સહુએ  'બુલડોઝર બાબા કી જય' એવા ગગનભેદી  નારા લગાવ્યા હતા. આવી જ રીતે  મધ્ય પ્રદેશના બૈતુલમાં  એક એન્જિનીયરે પણ સજાવેલા  બુલડોઝર પર બારાત કાઢીને સહુને  આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા.  આ જોઈ કહેવું પડે કે-

બુલડોઝર કા જોડે 

અને કાં તોડે,

ગેરકાયદે બંધાયેલા મકાનો તોડે

અને કાયદેસર બંધાતા સંબંધ જોડે.

કૃષ્ણને ૪૩૪ 

મીટર લાંબો પત્ર

હું તો કાગળીયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી... આ લોકગીત  યાદ અપાવે  એવો એક અજબ કિસ્સો કેરળના ઈડુક્કી  જિલ્લાના  ગામે પ્રકાશમાં  આવ્યો  છે. ઈન્ટરનેશનલ બ્રધર્સ ડેની  ઉજવણી વખતે   કૃષ્ણ પ્રિયા નામની યુવતી  બહારગામ  રહેતા પોતાના ભાઈ કૃષ્ણપ્રસાદને  સોશ્યલ મિડિયા દ્વારા  શુભેચ્છા   આપવાનું  ભૂલી ગઈ. આને  લીધે કૃષ્ણપ્રસાદને હાડોહાડ  લાગી  આવ્યું અને  તેણે બહેન સાથે અબોલા લઈ લીધા,   એટલું જ નહીં  વોટસએપ પણ બહેનને બ્લોક કરી નાખી. બહેને રૂઠેલા ભાઈને મનાવવા બહુ પ્રયાસ કર્યા, પણ ભાઈ માન્યો જ નહીં આથી કૃષ્ણપ્રિયાએ ભાઈ પ્રત્યેના  નિસ્વાર્થ પ્રેમની  પોતાની લાગણી  વ્યકત કરવા લાંબોલચક પત્ર લખવાનું  નક્કી કર્યું.  બજારમાં જઈને  કાગળના ૧૫ બિલિંગ  રોલ ખરીદ્યા.  એક બિલિંગ  રોલની લંબાઈ ૩૦ મીટર હોય છે.  પછી પેન લઈને  માંડી લખવા... પેન દ્વારા  મનની લાગણી  કાગળમાં  ઠલવાતી  ગઈ. લખ્યા જ કરે ,બસ ,લખ્યા જ કરે. ૧૨ કલાક સુધી સતત લખી લખીને  તેણે ૪૩૪ મીટર લાંબો પત્ર  લખી નાખ્યો. ભાઈને લખેલા પત્રમાં  વપરાયેલા  કાગળનું  વજન પાંચ કિલો થયું. પછી  આ લાંબોલચક અને લાગણીથી  લથબથ  પત્ર ભાઈને પાઠવ્યો ત્યારે ભાઈને અહેસાસ થયો કે બહેનને તેના પ્રત્યે  કેટલી  લાગણી છે!  હવે લાંબામાં લાંબા લેટર તરીકે  આ પત્રની ગિનેસ બુકમાં  નોંધ  લેવાય એ  માટે કૃષ્ણપ્રિયાએ અરજી કરી છે. એમ કહેવાય છે કે ઢાઈ અક્ષર પ્રેમકા પઢે  સો પંડિત હોય... પણ રિસાયેલો   ભાઈ જ્યારે  પ્રેમના  અઢી અક્ષરને સમજી ન શકે ત્યારે બહેને  ૪૩૪ મીટર  લાંબો કાગળ જ લખવો પડેને? કાગળ વાંચીને  ભાઈ ગાઈ ઉઠયો હશે-

ચીઠ્ઠી આઈ હૈ આઈ હૈ

ચીઠ્ઠી આઈ હૈ...

બડે દિનો કે બાદ

રૂઠે હુએ કે ખાસ

બહન કી ચીઠ્ઠી આઈ હૈ...

એક મછલી આદમી કો લખપતિ બના દેતી હૈ

એક મચ્છર આદમી કો...  બના  દેતા હૈ - નાના પાટેકરના આ ડાયલોગની  યાદ અપાવે  એવો એક કિસ્સો જોઈને કહેવું પડે કે, એક મછલી  આદમી કો લખપતિ  બના દેતી હૈ... પશ્ચિમ બંગાળના  દીધા-મોહના  ગામે રહેતા   માછીમારે  દરિયામાં  માછલી પકડવા  માટે  જાળ નાખી. થોડીવારમાં એક  માછલી ફસાઈ ખરી,  પણ એનું વજન  એટલું કે માછીમાર મહામહેનતે  તેને કિનારે ખેંચી  લાવ્યો. જાળમાંથી કાઢી તો  એ અલભ્ય ગણાતી  તેલિયા-ભોલા પ્રજાતિની  માછલી નિકળી.  આ માછલીનું  વજન હતું ૫૫ કિલો.  લોકો આ માછલીને   જોવા દરિયા કિનારે  ભેગા થયા.  ત્યાર પછી  માછલીને દીધા-મોહના ફિશ ઓક્શન સેન્ટરમાં  લઈ જવામાં   આવી, જ્યાં  કિલોદીઠ  ૨૬ હજાર રૂપિયાના  ભાવે વેંચાણ થતા માછીમાર  તો ચપટી  વગાડતા લખપતિ થઈ ગયો.  

આ માછલી એક વિદેશી કંપનીએ  ખરીદી.  માછલીમાં ખૂબ જ ગુણકારી તત્ત્વો રહેલાં હોય છે, જેમાંથી  લાઈફ સેવિંગ ડ્રગ્સ  પણ બનાવવામાં  આવે છે. કહે છે ને કે  ઉપરવાલા જબ દેતા હૈ તબ છપ્પર ફાડ કે  દેતા હૈ... એમ આ  માછીમાર કો  પાતાલ ફાડ કે   દિયા.  મોટી માછલી  પકડાઈ  તેણે  માછીમારને  લાખો  રૂપિયાનો  ફાયદો  કરાવ્યો,  જ્યારે ભ્રષ્ટાચારીઓની દુનિયામાં  લાખો રૂપિયાના ગોટાળા કરે એવાં મોટા માછલા  ક્યારેક તો કાયદાની જાલમાં સપડાય છે.

પંચ-વાણી

ચુનાવ એટલે મુદતિયો તાવ,

જાય પછી કોઈ ન પૂછે ભાવ.

Tags :