For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મધમાખીઓની દેવીનું મંદિર

Updated: Dec 22nd, 2023

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

મધનો સ્વાદ કેવો મીઠો લાગે? પણ એ જ મધ એકઠું કરતી મધમાખી જો ડંખ મારે તો કેવો તીખ્ખો લાગે? મધપૂડામાંથી ઉડીને મધમાખીઓની ડંખીલી સેના માણસ ઉપર ત્રાટકે ત્યારે તેની પીડા અસહ્ય બની જાય છે. ક્યારેક તો મધમાખીના ડંખથી મૃત્યુના બનાવ પણ બને છે. થોડાં વર્ષ પહેલાં ગામડામાંથી કોઇની નનામી નીકળી 'રામ બોલો ભાઇ રામ' કરતા ડાઘુઓ  આગળ વધતા હતા. મૃત વ્યક્તિનો પુત્ર આગળ દોણી લઇને ચાલતો હતો. જેવી આ સ્મશાનયાત્રા ઘટાદાર ઝાડ નીચેથી પસાર થઇ ત્યારે દોણીનો ધુમાડો ઝાડ ઉપરના મધપુડાને લાગતા બધી મધમાખીઓ ડાધુઓ પર તૂટી પડી. નાસભાગ મચી ગઇ અને ડાઘુઓ નનામી નીચે મૂકી ભાગી ગયા. મધમાખીના હુમલાના બનાવો અવારનવાર બનતા હોય છે. મધમાખીઓના હુમલાથી ભ્રામરી દેવી બચાવી શકે એવી માન્યતા છે. મધમાખી અને ભમરાની દેવી  ગણાતાં ભ્રામરી દેવીનું પ્રાચીન મંદિર આંધ્રપ્રદેશના કરનૂલ જિલ્લાના આત્મકુર તાલુકામાં ૧૫૦૦ ફૂટ ઊંચે પહાડ પર આવેલું છે. સ્કંદ પુરાણની કથા અનુસાર અરૂણાચર નામના એક અસુરે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી. બ્રહ્માજીએ પ્રસન્ન થઇ વરદાન માગવા કહ્યું. અસુરે વરદાન માગ્યું કે મને બે પગવાળા દેવો કે મનુષ્યો અને ચાર પગવાળા પ્રાણીઓ મારી ન  શકે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. ત્યાર પછી અસુરે ત્રાસ વર્તાવવા માંડયો એટલે દેવો આદિશક્તિને શરણે ગયા અને આપવીતી સંભળાવી. આદિશક્તિએ અરૂણાસુરનો વધ કરવા માટે છ પગવાળા ભ્રમરોની સેના મોકલી અને તેનો નાશ કર્યો. આમ ભ્રમરોની મદદથી રાક્ષસનો વધ કર્યો ત્યારથી ભ્રામરી દેવી તરીકે પૂજાવા માંડયા. એવી માન્યતા છે કે આજે પણ આ મંદિરમાં ભમરાનું ગુંજન અને મધમાખીઓનો ગણગણાટ સંભળાય છે.

બદકિસ્મતી કેવી... બાઇકને બનાવી શબવાહિની

બણગા ફૂંકવામાં આપણા દેશના મોટેરાઓ જરાય મોળા ન પડે. અંતરિયાળ ગામડાઓમાં ગરીબો માટે અફલાતૂન આરોગ્ય-સેવા, કોઇ ઇલાજ વગરનું ન રહે એવી વ્યવસ્થા અને માંદાને ફટાફટ હોસ્પિટલે પહોંચાડવા ઝડપથી દોડતી એમ્બ્યુલન્સોની જોગવાઇ એવા એવા દાવા કરવામાં આવે છે. ભલે આમાંથી ઘણાખરા દાવા સાચા પણ હશે, એની  ના નહીં, પણ મુંબઇ જેવા મેટ્રોપોલિટન સિટીની નજીક આવેલા પાલઘર જિલ્લામાં આદિવાસી  વિસ્તારમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન પહોંચી શકે ત્યારે પ્રસૂતિની પીડા ઉપડી હોય એવી સગર્ભાને બે વાંસડા ઉપર કપડું  બાંધીને ઝોળીમાં નાખી પગપાળા રૂરલ હોસ્પિટલમાં લઇ જવાતી હોય ત્યારે રસ્તામાં પ્રસૂતિ થઇ જાય, કોઇ ગ્રામીણ ઇલાકામાં હોસ્પિટલમાં મૃત્યુ પામેલા સ્વજનને ઘરે લઇ જવા શબવાહિની ન મળે ત્યારે ગરીબ ગ્રામજને ખબે ઉપાડીને મૃતદેહને લઇ જવો પડે એ કેવી કમનસીબ કહેવાય? મધ્યપ્રદેશના શહકોલના આદિવાસી  જિલ્લામાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી. એક હિન્દી  અખબારમાં છપાયેલા સતસવીર અહેવાલ અને વાયરલ થયેલા વીડિયો જોઇને ભલભલા હચમચી જાય. સોહાગપુર જનપદના એક આધેડ વયના બીમાર માણસને શહકોલની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમયાન આ વ્યક્તિનું મૃત્યુ થયું. એટલે મૃતદેહને ૧૫ કિલોમીટર દૂરના પોતાના ગામે લઇ જવા મૃતકના પરિવારે શબવાહિની કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા વિનવણી કરી , પરંતુ કોઇએ દાદ ન આપી. એટલે મૃત વ્યક્તિના પૌત્રએ દાદાના  શબને બાઇક ઉપર પોતાની પાછળ બેસાડવું અને શબની પાછળ એક જણ મૃતદેહને ઝાલીને બેઠા. બસ આમને આમ ૧૫ કિલોમીટરનો પંથ કાપી દાદાના મૃતદેહને ઘરે પહોંચાડયો. બાઇક ઉપર મૃતદેહને લઇ જતા પૌત્રની વિડિયો ક્લિપ વાઇરલ થયા પછી સહુએ હોસ્પિટલ તંત્ર પર ફિટકાર વરસાવ્યો. આ જોઇને કહેવું પડે કે-

ખાઇબદેલાઓનું રૂવાડુંય ન ફરકે

એને તો આવું બહું જાય પચી,

જ્યારે ભલભલા કઠણ કાળજાના

આ જોઇને જાય હચમચી.

હોલને બદલે હોસ્પિટલમાં લગ્ન

સામાન્ય રીતે હોસ્પિટલોમાં દરદીઓની આવનજાવન, ડોકટર અને નર્સોની દોડધામ જોવા મળતી હોય છે અને સતત આવતી દવાની વાસથી નાક ભરાઇ જાય છે. પરંતુ દિલ્હીની એક હોસ્પિટલમાં જુદો જ નઝારો જોવા મળ્યો. 'બહારોં ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હૈ'ની સૂરાવલી, સેન્ટ- પરફ્યુમના મધમધાટ અને ફૂલોની સજાવટ વચ્ચે સોળે શણગાર  સજેલી દુલ્હનનું ધીમે પગલે આગમન થયું. ડોકટર અને નર્સોની ઓથે બનીઠનીને દુલ્હારાજા ખુરશીમાં ગોઠવાઇ ગયા. ગોર મહારાજે મંત્રોચ્ચાર કર્યો અને વર-વધૂએ સાત ફેરા ફર્યા અને આમ, મેરેજ હોલને બદલે પહેલી જ વાર હોસ્પિટલમાં હોલમાં રંગેચંગે લગ્ન પાપ પડયા. આમાં બન્યું એવું કે લગ્નના ચાર દિવસ પહેલાં જ દુલ્હારાજા  ડેન્ગ્યૂના તાવમાં પટકાયા. લોહીમાંથી પ્લેટલેટ્સ એટલા ઘટવા માડયા કે ડોકટરે ચોખ્ખા શબ્દમાં સૂચના આપી દીદી કે  સાજા થવું  હોય તો  હોસ્પિટલમાં રહેવું પડશે, તમને લગ્ન માટે પણ બહાર જવાની  રજા નહીં મળે. બીજે દિવસે કન્યા અને તેના પરિવારજનો ખબર કાઢવા આવ્યા. અચાનક કન્યા પક્ષવાળાના દિમાગમાં  ઝબકારો થયો કે લગ્નનંક મૂહુર્ત સાચવવા મેરેજ હોલને બદલે હોસ્પિટલમાં જ લગ્ન  કરી નાખીએ. બસ, પછી તો 'ચટ મંગની પટ બ્યાહ'ની જેમ હોસ્પિટલના મીટીંગ હોલને મેરેજ હોલમાં ફેરવી નાખવામાં આવ્યો અને રંગેચંગે લગ્ન પાર  પડયાં. જોકે આ કદાચ પહેલાં જ  એવાં લગ્ન સંપન્ન થયા  હશે જેમાં કન્યાએ એકલા જ વિદાય લીધી, વરરાજાને તો સાજા થશે પછી ડોકટરો વિદાય આપશે.

ભંગારમાંથી ભવ્ય રામ મંદિર

પ્રભુ રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને રામભક્તો માટે ખુલ્લું મૂકવા તડામાર તૈયારી ચાલી રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ, હજારો કારીગરોની મહેનત અને અગણિત લોકોની  શ્રદ્ધા ને શક્તિના આધારે અયોધ્યા રામ જન્મભૂમિના મંદિરનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં  પહોંચ્યું છે, જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશમાં સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં ભંગારમાંથી ભવ્ય રામ મંદિર ઊભું કરી દેવામાં આવ્યું છે. અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ સમાન ઇન્દોરનું રામ-મંદિર ૪૦ ફૂટ લાંબુ, ૨૭ ફૂટ પહોળું અને ૨૪ ફૂટ ઉંચુ છે. ૨૧ ટન લોખંડનો ભંગાર વાપરીને માત્ર ૬૦-૭૦ લાખના ખર્ચે આ અનોખા મંદિરનું નિર્માણ થયું છે.  પ્રભુ રામનો સંદેશ તેમજ દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરનો સંદેશ  દુનિયામાં પહોંચાડવા મંદિર બાંધવામાં આવ્યું છે. કચરા વ્યવસ્થાપન માટેના થ્રી-આરના પાયા ઉપર મંદિર બંધાયું છે. આ ત્રણ આર એટલે રિડયુસ, રિયુઝ,રી-સાયકલ. ભંગારનો  સામાન, બિનઉપયોગી ચીજો અને ફરીથી વપરાશમાં  લાવી શકાય એવી વસ્તુઓ વાપરીને આવું કલાત્મક મંદિર ઊભું કરવામાં આવે તેની સાથે ભંગારમુક્ત અને સ્વચ્છ થયેલી ભૂમિ પણ એક મંદિરનું જ રૂપ ધારણ કરે છે. આ જોઇને કહેવું પડે છે -

આ ભવ્યતા ભૂલાવી દે ભંગારને

સો સલામ એનાં નિર્માતા કલાકારને

પંચ- વાણી

નીતિ વગરનું રાજ એ આજની રાજ- નીતિ.

Gujarat