અજંટા-ઈલોરાની ગુફા જોવા પરફ્યુમ છાંટીને ન જતા

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
પરફ્યુમની મઘમઘતી સુગંધથી આકર્ષાઈને હુમલો કરતી 'પરફ્યુમ પ્રેમી' મધમાખીઓના હુમલાથી બચવું હોય તો પરફ્યુમ કે સેંટ છાંટીને અજંટ-ઈલોરાની ગુફા જોવા ન જવું. સેંકડો વર્ષ પુરાણી મહારાષ્ટ્રની અજંટા-ઈલોરાની ગુફામાં મધમાખીના ઠેકઠેકાણે મધપૂડા જોવા મળે છે. મધમાખીઓ અત્તર કે સેંટની એકદમ સ્ટ્રોન્ગ સુગંધથી તેમ જ બીડી-સિગારેટના ધુમાડાથી ઉશ્કેરાઈને હુમલો કરતી હોય છે.
છેલ્લા ચાર મહિનામાં ૮૦૦થી વધુ ટુરિસ્ટોને મધમાખીઓએ ઘાયલ કર્યા હતા. એટલે જ તકેદારીરૂપે ગુફા જોવા જતા પર્યટકોને તાકીદ કરવામાં આવે છે પરફ્યુમ-સેંટ છાંટતા નહી, ઘોંઘાટ કરતા નહીં અને બીડી-સિગારેટ પીતા નહીં, નહીંતર મધમાખીના ઝેરી અને કાતિલ ડંખ સહન કરવાની નોબત આવશે.
સોશિયલ મીડિયામાં હની ટ્રેપમાં ફસાતા બચવું એવી સલાહ આપવામાં આવે છે એમ હવે અજંટા-ઈલોરા જતા ટુરિસ્ટોને ચેતવવા પડશે કે હની-હુમલાથી બચજો. મધમાખીની સર્જીકલ સ્ટ્રાઈક સામે ટુરિસ્ટોને રક્ષણ આપવા મધપુડા કાઢીને જંગલમાં લઈ જવાયા છે.
વાસી સાંભાર ખાવા આપતા
મહિલાની આત્મહત્યા
રાત્રે પત્નીએ રસોડામાંથી પતિને હાક મારી કે, 'લંચ માટે આવી જાવ ડાઈનિંગ ટેબલ પર.'
હસબન્ડે ખડખડાટ હસીને કહ્યું કે, 'બપોરના ભોજનને લંચ કહેવાય, સાંજના ભોજનને ડિનર કહેવાય ડિનર...'
પત્નીએ ધીરેકથી કહ્યું, 'આજે લન્ચ માટે જ બનાવેલું એ વધ્યું છે, એ જ ખાવાનું છે, એટલે મેં લન્ચ કહ્યું, પડી સમજ?'
પતિ-પત્ની વચ્ચે આવી નોકજોક ચાલતી જ હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ નજીવી વાતને બહુ ગંભીરતાથી લઈ લે તો જીવ ગુમાવી બેસે છે.કર્ણાટકના મેદુર ગામમાં રહેતી ૨૮ વર્ષની યુવતીનો પતિ વ્યવસાયાર્થે બીજા રાજ્યમાં રહેતો હતો. યુવાન પત્ની ડિપ્રેશનમાં સરી પડી હતી. નાની નાની બાબતમાં ખીજવાઈ જતી હતી. એક દિવસ સવારે બનાવેલો સાંભાર સાંજે ફરીથી ખાવો પડયો એટલે એટલી હદે નારાજ થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યા કરી લીધી હતી, બોલો! આ જાણીને કહેવું પડે કે-
ઘરવાળાએ સાંભાર
પીરસ્યો વાસી,
એમાં યુવતીએ ગળે
લગાવી ફાંસી.
સર્પ-ત્વચાવાળો
સાપપ્રસાદ
કોઈ સંન્યાસ લે ત્યારે એમ કહેવાય કે સાપ કાંચળી ઉતારે એમ સંસારનો ત્યાગ કર્યો, પણ કોઈ માણસની ચામડી જ સાપની કાંચળી જેવી હોય તો ઉતારે કેવી રીતે? આંધ્રપ્રદેશના અનકા પલ્લીમાં રહેતો ૨૧ વર્ષનો યુવક જવલ્લે જ જોવા મળે એવા ત્વચારોગથી પીડાય છે. તેના આખા શરીરની ચામડી ફાટી ગયેલી અને દાઝી ગયેલી લાગે છે. કાળાશ પડતાં રંગની આ ચામંડી સાપની કાંચળી જેવી લાગે છે. એટલે ગામલોકોએ તેનું નામ જ સાપપ્રસાદ પાડી દીધું છે. ભરબપોરે તાપમાં આ સાપપ્રસાદ નીકળી જ નથી શક્તો, કારણ કે તડકામાં તેને કાળી બળતરા ઉપડે છે. ઉનાળામાં તો બળતરામાં રાહત થાય એ માટે તેણે દર કલાકે ઠંડા પાણીથી નાહવું પડે છે. ડોકટરો પણ સમજી નથી શકતા કે આ રેર સ્ક્રીન ડીસીઝનો ઈલાજ શું કરવો? હવે તો આ સાપપ્રસાદ મનોમન પ્રાર્થના કરતો હશે કે-
હે પ્રભુ હું માનીશ કે
મારી પ્રાર્થના ફળી,
જ્યારે શરીર પરથી ઉતરશે
સાપની કાંચળી.
મૈસૂર પાકમાંથી છેદ ઉડાડયો 'પાક'નો
આતંકવાદીઓના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્ર ગણાતા પાક એટલે પાકિસ્તાનની હીણી હરકતો સામે એટલો રોષ વ્યાપેલો છે કે ગુલાબી નગરી જયપુરના મીઠાઈવાળાએ મૈસૂરપાકમાંથી 'પાક' અક્ષરોનો છેદ ઉડાડી દીધો છે. હવે મૈસૂરપાકમાંથી 'પાક' કાઢી તેની જગ્યાએ 'શ્રી' લગાડી 'મૈસૂરશ્રી' કરવામાં આવ્યું છે. આવી જ રીતે જયપુરની અન્ય મીઠાઈઓ આમ-પાક, મોતી-પાક, સ્વર્ણભસ્મ-પાક અને ગોંદ-પાકમાંથી પણ પાક શબ્દ કાઢીને તેની જગ્યાએ 'શ્રી' અથવા 'ભારત' જોડીને જયપુરના મીઠાઈવાળાએ પોતાની દેશભક્તિનો પરિચય આપવાની કોશિશ કરી છે. દુશ્મન 'પાક'ની સામે ગુલાબી શહેરના રોષે ભરાઈ રાતાચોળ થયેલા દુકાનદારો કહે છે કે દેશભક્તિનું પ્રદર્શન માત્ર સરહદ ઉપર જ ન થવું જોઈએ, દેશના દરેક નાગરિકે પોતપોતાની રીતે દેશદાઝ અને દેશભક્તિનો પરચો દેખાડવો જોઈએ.
ઓ ટ્રેકટર વાલે ટ્રેકટર ધીરે હાંક રે...
ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમર બની ગયેલી ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં શણગારેલા બળદગાડામાં લગ્નની જાન નીકળે ત્યારે ઉમંગભેર ગવાતું હલકદાર ગીત 'ઓ ગાડીવાલે ગાડી ધીરે હાંક રે...' યાદ છે? એક જમાનામાં ખેતીમાં બળદનો ઉપયોગ થતો અને ગાડાં ખેંચવા માટે બળદો જોતરવામાં આવતાં. બદલાયેલા જમાના સાથે ખેતર ખેડવાના કામમાં બળદની જગ્યાએ ટ્રેક્ટર ચલાવવાનું ચલણ વધ્યું છે એટલે જ રંગીલા રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામમાં એક ખેડૂતપુત્ર ઓમપ્રકાશ માયલાના લગ્ન લેવાયા ત્યારે ૧૨૧ ટ્રેકટરો લઈને ૩૦૦ જાનૈયાઓ સાથે દુલ્હારાજા વાજતેગાજતે લગ્નને માંડવે પહોંચ્યા હતા. ટ્રેકટરની આ લાંબીલચક લાઈન જોઈને કદાચ કોઈને 'મધર ઈન્ડિયા'નું ગીત ફેરવીને ગાવાનું સૂઝ્યું હોય તો કહેવાય નહીં: 'ઓ ટ્રેકટરવાલે ટ્રેકટર ધીરે હાંક રે...' ઘણા કહેતાં હોય છે કે પતિ અને પત્ની સંસાર રથના બે પૈડાં છે. આ સાંભળીને જેના સંસારરથની ગાડી ખડી પડી હોય એ કહે પણ ખરા કે પતિ-પત્ની સંસારરથના બે પૈડાં છે એ વાત સાચી, પણ રથનું એક પૈડું સ્કૂટરનું અને બીજું ટ્રેકટરનું હોય તો રથ ઉથલી જ પડેને? સદ્ભાગ્યે રાજસ્થાનની ટ્રેક્ટરવાળી બારાતમાં ટ્રેક્ટરનાં બધાં પૈડાં સરખા હતા એટલે કોઈ વાંધો નહીં આવે. ટ્રેક્ટર રથમાં કાઢેલી જાનના સથવારે સંસારરથ હંકારવાની હિંમત કરનારા દુલ્હાના સુખી સંસારના મનોરથ પણ પૂરાં થશે.
પંચ-વાણી
છોડો ચાય
દેખાડો સચ્ચાઈ.

