For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મધ્યાહ્ન ભોજન રાંધવા લાકડાની બેન્ચો સળગાવી

Updated: Jan 19th, 2024

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

બિહારનું ધૂંધળું ભાવિ, રાંધવા માટે સ્કૂલની બેન્ચ સળગાવી... હચમચાવી દે એવી વાત સાંભળતાની સાથે જ કોઈ આવું રિએક્શન આપી શકે છે. ઘાસચારા કૌભાંડ સહિતના અનેક કૌભાંડો તેમજ રાજકીય ભવાઈ માટે  પંકાયેલા બિહારમાં પટના જિલ્લાની એક સરકારી સ્કૂલમાં મિડ-ડે મીલ (મધ્યાહ્ન ભોજન) રાંધવા માટે ગેસ અને કેરોસીન ખલાસ થઈ જવાથી લાકડાની બેન્ચો બાળીને ચૂલો પેટાવવામાં આવ્યો હતો. કારેહાર ગામની સરકારી મિડલ સ્કૂલના રસોડામાં  એક મહિલા લાકડાની બેન્ચ તોડી અને લાકડાને માટીના ચૂલામાં સળગાવી ખીચડીનું આંધણ મૂકી રાંધતી જોવા મળી એ વીડિયો ક્લિપ વાયુવેગે વાઈરલ થઈ હતી અને પગલે સરકારનો શિક્ષણ વિભાગ દોડતો થઈ ગયો હતો અને તરત તપાસનો આદેશ આપ્યો હતો. બિહારની સ્કૂલોમાં દરરોજ લગભગ એક કરોડથી વધુ બાળકો મધ્યાહન ભોજનનો લાભ લે છે. જો કે મિડ-ડે મીલમાં પીરસાતા ભોજનની ક્વોલિટી બાબત અવારનવાર  ઉહાપોહ  થાય  છે. ક્યારેક ખાણામાંથી ગરોળી નીકળે છે તો ક્યારેક સાપ, ક્યારેક દેડકા નીકળે છે તો કયારેક બફાયેલી ઈયળો નીકળે છે. ખોરાકી ઝેરની ઘટના પણ ઘણી વાર બને છે. અત્યાર સુધી ખાણાની હલકી ક્વોલિટી એટલે કે ખાનાખરાબી વિશે ઊહાપોહ થતો, જ્યારે હવેખાણું તૈયાર કરવા લાકડાની બેન્ચો સળગાવવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે.

કોઈ ન આવે આડું 

જે  ખાય હનુમાન ગઢીના લાડુ

સંકટ મોચન હનુમાનજીનું નામ લે એને કોઈ વિધ્ન ન નડે. રામ-જન્મભૂમિ અયોધ્યામાં રામ-મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના મહાઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પ્રભુ રામજીના ભક્ત અને અયોધ્યાના રક્ષક હનુમાનજીના મંદિર હનુમાનગઢીમાં પણ ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ હનુમાનગઢીના લાડુ દાયકાઓથી ભક્તજનોમાં પ્રિય છે. આવા લાડુ  બીજે ક્યાંય નથી મળતા એટલે જ તેને હવે જ્યોગ્રાફિક્લ ઈન્ડિકેશન (જી.આઈ.) ટેગ આપવાાં આવશે. બેસન, સાકર અને દેશી ઘીમાંથી આ હનુમાનગઢી લાડુ બનાવવામાં આવે છે. અયોધ્યામાં અત્યારે ૨૦૦થી વધુ લોકો હનુમાનગઢી લડ્ડુ બનાવે છે. દરરોજ ૨૦થી ૨૫ ક્વિન્ટલ લાડુનો પ્રસાદ તૈયાર થાય છે, બોલો. એટલે  જ શ્રદ્ધાળુઓ કહે છે કોઈ ન આવે આડુ, જે ખાય હનુમાનગઢીના લાડુ. કોઈ પ્રદેશની વિશેષતારૂપ ગણાતી ચીજ અથવા ખાદ્યપદાર્થને જી.આઈ. ટેગ એટલે ભૌગોલિક સંકેતની મહોર મારવામાં આવે છે. એટલે એ ખાદ્યપદાર્થ કે ચીજ જે-તે ભૌગોલિક સ્થાનની ગણાય છે. આ પહેલાં રામ મંદિરની સ્થાપનાની પાંચસો વર્ષથી આંકાક્ષા હતી તે મૂર્તિમંત કરી દેખાડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનામતદાર ક્ષેત્ર બનારસના બનારસી પાન અને લંગડા આમ (કેરી)ને જી.આઈ.ટેગ આપવામાં આવ્યું હતું. એટલે કહેવું પડે કે-

સહુ સ્વાદથી ખાય છે

લાડુ, પાન અને આમ,

પછી એ ખાસ

હોય કે 'આમ'.

છાપરે ચડી પોકારે પાપ કે સડકછાપ?

પાપ છાપરે ચડીને પોકારે છે... એવી કહેવત છે પણ ગામો અને શહેરોમાં પાપ નહીં સડકછાપ કૂતરા કારના છાપરે બેસીને પોકારે છે. રાત પડે એટલે કેટલાંય કૂતરાં રસ્તા ઉપર પાર્ક કરેલી કારના છાપરે ચડી જાય છે. નવા જમાનાની મોટરોનાં પતરાં એવાં તકલાદી હોય છે કે કૂતરાંના વજનથી દબાઈ જાય છે. એમાં જો બે-ત્રણ કૂતરાં છાપરે ચડી બેઠાં હોય તો છાપરાની અંદરની બાજુએ નુકસાન થાય છે. પ્રાણીશાસ્ત્રીઓનું કહેવું છે કે કૂતરાં સામાન્ય રીતે સલામતી ખાતર છાપરે ચડી બેસે છે. બીજું , જમીનથી ઊંચાઈએ હોય તો બીજા કોઈ પ્રાણીને દૂરથી આવતા જોઈ શકે છે. સામાન્ય રીતે મુંબઈ જેવાં શહેેરોમાં નેશનલ પાર્કના જંગલને અડીને  આવેલા વિસ્તારોમાં કૂતરાંના શિકાર માટે દિપડા માનવ-વસ્તીમાં આવી ચડે છે. એટલે કૂતરાં ઘણી વખત સોસાયટીનાં ખુલ્લાં ગેરેજમાં પાર્ક કરવામાં આવતી મોટરોના છાપરે ચડી ટેસથી સૂઈ જતાં હોય છે. આને કારણે દબાઈ ગયેલા છાપરાને ઉપાડવા તેમ જ વધુ નુકસાન થયું હોય તો સમારકામ માટે ગેરેજમાં કારને લઈ જવી પડે છે અને ખર્ચો કરવો પડે છે. આ નુકસાનીથી કારને બચાવવાના ઉપાય તરીકે ઘણા લોકો અણીદાર ખીલ્લાવાળા કાર કવર વાપરવા માંડયા છે. અમલસાડ બાજુ લોકો રાત્રે કારના છાપરે બોરડીના કાંટા પાથરે છે. કૂતરાં તો  છાપરે ચડી બેસી જાય છે, પણ વાંદરા તો અગાસીમાંથી છાપરાં ઠેકી રીતસર છાપરાં તોડી નાખે છે. વડોદરામાં અને મથુરામાં જ્યાં વાંદરાનો ખૂબ આતંક છે ત્યાંના ગેરેજવાળા મોટરનાં છાપરાનાં સમારકામમાંથી ધીંગી કમાણી કરે છે. શહેરોમાં તો કૂતરાં કારના છાપરે ચડી જાય છે, પણ ડાંગ-આહવામાં મેં જોયુંછે કે દીપડાથી બચવા માટે સાંજ પડે એટલે કૂતરાં ટપોટપ ધાબાં ઉપર ચડી જતાં હોય છે. એટલે જ કહેવું પડે કે-

પાપને બદલે 

છાપરે ચડે સડકછાપ,

ત્યારે પછી કોને કહીએ

કે નુકસાની આપ?

અજમેરના અઢી દિવસના ઝૂંપડાનો વિવાદ

અયોધ્યા, મથુરા અને કાશી બાદ હવે રાજસ્થાનના અજમેર શહેરમાં ૮૦૦ વર્ષ પુરાણી મસ્જિદનો વિવાદ ઊભો થયો છે. આ મસ્જિદ ઢાઈ દિન કા ઝોપડા એટલે કે અઢી દિવસના ઝૂંપડા તરીકે ઓળખાય છે, કારણ કે બારમી સદીમાં મહારાજ વિગ્રહરાજ ચૌહાણ દ્વારા દેવાલય અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આક્રમણખોર મોહમ્મદ ઘોરીના આદેશને પગલે કુત્બુદ્દીન ઐબકે સંસ્કૃત શિક્ષણ કેન્દ્રને ફક્ત અઢી દિવસમાં તોડીને તેની જગ્યાએ નાની મસ્જિદ ઊભી કરી દીધી હતી. ભાજપના જયપુરના સાંસદ રામચરણ બોહરાએ કેન્દ્રના સાંસ્કૃતિક અને પર્યટન ખાતાના પ્રદાન જી. કિશન રેડ્ડીને પત્ર લખી આ મસ્જિદની જગ્યાએ ફરીથી દેવાલય અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર સરસ્વતી કંઠાભરણ મહાવિદ્યાલયની પુનઃસ્થાપના કરવામાં આવે એવી માગણી કરી છે. આ માગણીને પગલે હવે દેશવાસીઓનું ધ્યાન અઢી દિવસના ઝૂંપડા તરફ ગયું છે.

મધ્યપ્રદેશમાં ડોકટર હનુમાનની ધમધોકાર પ્રેક્ટિસ

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં મેહગાંવ ખાતે ડોકટર હનુમાનનું પ્રસિદ્ધ મંદિર છે. એવી લોકવાયકા છે કે એક સાધુ મહારાજ આ સ્થળે જીવલેણ બીમારીમાં સપડાયા હતા. એમણે હનુમાનજીનું ધ્યાન ધર્યું અને ખરેખર હનુમાનજી ડોકટરના રૂપમાં વિઝિટે આવ્યા અને સાધુનો ઈલાજ કરી સાજા કરી દીધા. બસ, ત્યારથી ડોકટર હનુમાનની ખ્યાતિ  દિન પ્રતિદિન વધવા માંડી. એવી માન્યતા છે કે ડોકટર હનુમાનનું ધ્યાન ધરી મંદિરની પાંચ વાર પ્રદક્ષિણા કરવાથી અને ભભૂતી લગાડવાથી દરદી સાજો થઈ જાય છે. અત્યારે તો રોગમુક્ત થવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ડોકટર હનુમાન પાસે આવતા રહે છે. લોકો શારીરિક અને માનસિક પીડામાંથી મુક્ત થવા માટે દેવ-દેવીઓને પ્રાર્થના કરે છે, માનતા માને છે, પૂજા-અર્ચના  કરે છે, જ્યારે મધ્યપ્રદેશમાં તો દર્દમુક્તિ માટે ભક્તજનો સીધા ડોકટર હનુમાન પાસે જ જાય છે. આ જોઈને  હનુમાન ચાલીસાની પંક્તિ યાદ આવે છે-

નાસૈ રોગ હર સબ પીરા

જપત નિરંતર હુનમત બીરા.

પંચ-વાણી

આમ જનતા માટેઃ

જીવન ચલને કા નામ.

આમનેતા માટેઃ 

જીવન છલને કા નામ.

Gujarat