For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય ઉડાન

Updated: Mar 17th, 2023

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

લાલબહાદુર શાસ્ત્રીજીએ સૂત્ર આપ્યું હતું, 'જય જવાન જય કિસાન'. ત્યાર પછી આજના રાજમાં ઉમેરો કરાયો, 'જય જવાન જય કિસાન જય વિજ્ઞાન.' બસ, આ વિજ્ઞાનની જ કમાલ છે કે હવે આપણાં જાંબાઝ જવાનો હવામાં ઊડીને ચોકી કરશે અને આતંકવાદીઓ તેમ જ દુશ્મનો પર હવામાંથી જ વાર કરીને ખાત્મો બોલાવશે. તેથી નવું સૂત્ર સાકાર થશે 'જય જવાન જય ઉડાન.'

 માણસને પહેલેથી જ પક્ષીની જેમ ઊંચે ઉડવાનું  મન થતું, પરિણામે વિમાનો શોધાયા, પણ પક્ષી તો પાંખથી ઉડે, જ્યારે આપણા જવાનો પાંખ વગર ઉડશે. હવે એવાં જેટ-પેકની શોધ થઈ છે જે પીઠ ઉપર બાંધીને ચાંપ દબાવતાંની સાથે  જ માણસ ઉડવા લાગે છે. તાજેતરમાં જ બેંગ્લોરના એર-શોમાં આ જેટ-પેકનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.  આ જેટ-પેકની મદદથી હવામાં ૫૧ કિલોમીટરની  ઝડપેૈ ઉડ્ડયન કરી શકાય છે. એટલે કાશ્મીર અને ખાસ કરીને લડાખની સીમા  પર આતંકવાદીઓ અને દુશ્મન ફોજની હિલચાલ પર ઉડતા જવાનો નજર રાખી શકશે. બર્ફીલા પહાડો કે દુર્ગમ જંગલોમાં  પહોંચવાની ભારે મુશ્કેલી  હોય ત્યાં આ ફલાઈંગ સોલ્જર્સ ઉડીને પહોંચી શકશે. આવાં ૪૮ જેટ-પેકનો વિદેશી કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે.  આ જેટ-પેક આવી ગયા બાદ દેશની પહેલવહેલી ફલાઈંગ ફોજ ઉડાન ભરશે. આ જોઈને 'ઉડતે પવન કે સંગ ચલૂંગી...' ગીત ફેરવીને ગાઈ શકાશે-

ઉડતે પવન કે

સંગ ઉડૂંગા

મેં ભી દુશ્મન કી

ખબર લે લૂંગા...

ચાર્જિંગમાં મોબાઈલ હોય ત્યારે ફોનમાં વાત કરનારા સાવધાન

'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભરલો પાની...' આ દેશભક્તિનું ગીત કાને પડતાંની સાથે જ મહાન કવિ-ગીતકાર પ્રદીપજીનું  નામ યાદ આવે.  મધ્યપ્રદેશના બડનગરના વતની કવિ પ્રદીપજીએ દેશ માટે ફના થઈ ગયેલા  જાંબાઝ જવાનોની કુરબાનીને બિરદાવી  છે, પણ કવિનું વતન બડનગર અત્યારે યાદ કરવાનું એક બીજું કારણ છે. આ બડનગરમાં રહેતા ૬૮ વર્ષના એક વયોવૃદ્ધ સજ્જને પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો, કારણ કે રાતની ટ્રેનમાં મિત્ર સાથે ઈન્દોર જવાનું હતું . ફોનનુ ચાર્જિંગ થતું હતું એ જ વખતે બહારથી કોઈનો ફોન આવ્યો. વૃદ્ધજને ચાર્જિંગમાં જ લગાડી રાખેલો ફોન જેવો કાને ધર્યો તેની સાથે જ મોબાઈલમાં સ્ફોટ થયો અને વદ્ધજનનો માથાથી લઈને છાતી સુધીનો ભાગ રીતસર ફાટી ગયો.  લોહીનો ફુવારો ઉડયો. દરમિયાન સ્ટેશને પહોંચેલા મિત્રે દોડાદોડ વૃદ્ધજનને ઘરે પહોંચીને જોયું તો એ તો લોહીના ખાબોચિયામાં પડયા હતા. આમ મોબાઈલ જ બન્યો મોતનું કારણ.

એટલે જ સતત લોકોને સૂચના  આપવામાં આવે છે  કે ફોન ચાર્જિંગમાં  હોય અને કોલ આવે તો સ્વીચ બંધ કરી  વાયરનું કનેક્શન કાઢી પછી  જ વાત કરો. મોબાઈલ ચાર્જિંગમાં  હોય અને કોલ આવે ત્યારે બસ, જરા યાદ કરો કુરબાની...

ધરતી કહે 'ઉછાલ' કે

છત્તીસગઢના શિમલા તરીકે  ઓળખાતા  પહાડી મૈનપાટ વિસ્તારની ધરતી ફોમના ગાદલા જેવી  પોંચી છે. જાણકારોના કહેવા  પ્રમાણે, જલજલી મૈનપાટ વિસ્તારની  પહાડીમાં હજારો  વર્ષ પહેલાં  જ્વાળામુખી ફાટયો હશે. હિન્દીમાં જ્વાળામુખીને જલજલા કહે  છેને? એમાં પરથી આ જગ્યા જલજલી  મૈનપાટ તરીકે ઓળખાય છે.  જ્વાળામુખી ફાટયા બાદ  વર્ષોનાં વર્ષો પછી ક્રેટરમાં કળણ સર્જાયું હશે. હજારો વર્ષ વિત્યાં પછી  કળણની ઉપર વનસ્પતિ અને માટીનો થર જામી ગયો હશે, પણ નીચલો ભાગ કળણને લીધે સાવ પોંચો રહ્યો હશે. આમ જમીન ઉપર પગ મૂકવાથી જાણે સ્પંજ હોય એમ નીચેની તરફ દબાય છે અને પગ ઉપાડી લેતા ઉપલી સપાટી પહેલાં જેવી થઈ જાય છે. આ જમીન પર ઠેકડા મારવા અને કુદરતની કરામત જોવા દૂર દૂરથી પર્યટકો આવે છે. લગભગ ૩૦૦ મીટર ક્ષેત્રમાં ફેલાયેલા જલજલી મૈનપાટ વિસ્તારમાં લોકોને ઉછળકૂદ કરતા જોઈને મનમાં સવાલ થાય કે વિતેલા વર્ષોના 'જમ્પિંગ જેક' જીતેન્દ્રએ શું આ જગ્યા  જોઈને ફિલ્મોમાં ઉછળકૂદની પ્રેરણા લીધી હશે?

મેકઅપને લીધે દુલ્હન પહોંચી આઈસીયુમાં

નવવધૂના રૂપરંગને વધુ નિખાર આપવાના બદલામાં  બ્યુટી-પાર્લરવાળા પણ ધીંગી કમાણી કરે છે.  કર્ણાટકના એક ગામની કોડીલી  કન્યાના લગ્નને દસ દિવસની વાર હતી. એટલે તે એક હર્બલ બ્યુટી-પાર્લરમાં ગઈ. પાર્લરવાળાએ નવા જ પ્રકારનો મેકઅપ સૂચવ્યો. ચહેરા પર ફાઉન્ડેશનનો લેપ લગાડવામાં આવ્યો. ત્યાર પછી સૂચવ્યા પ્રમાણે કન્યાએ સ્ટીમ મશીનમાંથી જેવી વરાળ લેવા માંડી કે તેનો આખો ચહેરો કાળો પડી ગયો અને એકદમ સૂજી ગયો. ચહેરો ઓળખાય નહીં એવો થઈ ગયો.  તરત જ પાર્લરમાંથી  તેને સીધી સ્થાનિક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી.  ડોકટરોએ તાત્કાલિક સારવાર આપી સાજી તો કરી, પણ લગ્નનું મૂહુર્ત પાછું ઠેલવું પડયું. કન્યા-પક્ષવાળો પોલીસમાં ફરિયાદ કરી. આમ રૂપમાં નિખાર લાવવા માટે મેક્પ કરવા જતા આખા ચહેરા ઉપર મલમના થથેડા કરવામાં આવ્યા. એટલે જ કહે છે ને કે ઈશ્વરે બક્ષેલા કુદરતી સૌંદર્યથી જ સંતોષ માનવમાં જ શાણપણ છે.

અરે દીવાનો... મુઝે પહચાનો... નામ નટવરલાલ જાનો

કોઈ ચાલબાજ લોકો સાથે ઠગાઈ કરવાની પોતાની કાબેલિયત પૂરવાર કરે ત્યારે લોકો તેને નટવરલાલનું બિરૂદ આપી દે છે. આજની પેઢીના મનમાં કદાચ સવાલ થાય કે આ નટવરલાલ વળી કઈ બલા હશે? આ નટવરલાલનું મૂળ નામ હતું મિથીલેશકુમારશ્રીવાસ્તવ. આમ તો લોકો સાથે છેતરપિંડી અને ઠગાઈ કરવા માટે તેણે અનેક નામ બદલ્યાં  હતાં, પરંતુ સૌથી વધુ કારનામા તેણે નટવરલાલના કર્યા હતા.  આ ઠગરાજા  જાલસાઝીમાં એવો  માહેર હતો કે સરકારી  અધિકારીના સ્વાંગમાં તાજમહલ, રાષ્ટ્રપતિ ભવન સહિતની ઈમારતોનો પણ સોદો કરી ચૂક્યો હતો. બનાવટી સહીઓ કરવામાં એકદમ નિષ્ણાત આ નટવરલાલ દેશની ખ્યાતનામ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓની બનાવટી સહી કરી ધીંગી રકમ પડાવી પલાયન  થઈ જતો હતો. આ રીતે લાખો રૂપિયાની ઠગાઈ  કરતો નટવરલાલ તેના જીવનકાળ દરમિયાન લગભગ દસ વખત પોલીસના હાથમાં પકડાયો હતો અને સજા પણ થઈ હતી, પરંતુ જેલમાંથી ભાગી છૂટવામાં પણ આખી જિંદગી ઠગાઈ કરી જૈફ વયે  પહોંચેલા નટવરલાલે ચાલબાજી છોડી નહોતી. ઠગાઈના કેસમાં  ૮૪ વર્ષની ઉંમરે  પકડાયા પછી જેલની સજા  થઈ હતી. ત્યારે તો નાદુરસ્ત તબિયત અને બુઢાપાને લીધે વ્હીલચેરમાં હતો. છતાં ૮૪ વર્ષની ઊંમરે  એ જેલમાંથી વ્હીલચેર સાથે નાસી છૂટવામાં સફળ થયો હતો.આ નટવરલાલના જીવન ઉપરથી કેટલીય ફિલ્મો બની હતી. એમાં અમિતાભની ફિલ્મનું તો ટાઈટલ જ હતું, 'મિસ્ટર નટવરલાલ'. નટવરલાલની આ ચાલબાજી અજમાવવાની 'સિદ્ધિ' જોઈને  કહેવું પડે કે-

સબસે ઊંચી

પ્રેમ-સગાઈ

સબસે ઊંચી 

નટવર કી ઠગાઈ.

પંચ-વાણી

લોર્ડ બાયરને કહ્યું છેઃ

જ્યારે તક મળે ત્યારે હસી લો

તેનાથી સસ્તી દવા બીજી કોઈનથી .

Gujarat