For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડૂબકી માર્યા વિના મેળવો ગંગાસ્નાનનું પુણ્ય

Updated: Jan 13th, 2023


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હરદ્વારમાં  પવિત્ર ગંગાસ્નાન કરવા માટે દુનિયાભરમાંથી  લાખો શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ શિયાળાની હાડ ગાળી નાખે એવી કડકડતી  ટાઢમાં  ગંગા નદીના  બરફ જેવા ઠંડા  જળમાં  ડૂબકી મારવાની ઘણાની હિમ્મત  નથી હોતી.  આશુતોષ શુકલા નામના એક યુવકે  આ જોયું અને તેનાં ફળદ્રુપ  ભેજામાંથી  સ્વયંરોજગારનો  નુસ્ખો નીકળ્યો. જે વયોવૃદ્ધ ભક્તજનો ગંગા નદીના જળમાં ડૂબકી ન મારી શકતા  હોય તેમની  પાસેથી  દસ રૂપિયા લઈ યુવાન તેમના વતી ડૂબકી મારે છે. સવારથી સાંજ  સુધી  કેટલીય વાર  ડૂબકી  મારીને એ  યુવક  રોકડી કમાણી કરે છે. 

લોકોને પોતાનાં કર્મોનું  ફળ મળે  છે, પરંતુ બીજી વ્યક્તિ તમારા વતી ગંગામાં ડૂબકી મારે તો ગંગા સ્નાનનું  પુણ્ય કેવી રીતે મળે એવો  સવાલ થાય. જો કે આવી ટાઢમાં  માત્ર દસ રૂપિયા ખાતર ગંગામાં ડૂબકી મારનારા ડૂબકીબાજને તો હવે એવો તડાકો  પડવા માંડયો છે કે  એ સતત ડૂબકી માર્યા જ  કરે છે  અને શ્રદ્ધાળુઓ દસ રૂપિયામાં  ગંગા સ્નાનનું  પુણ્ય કમાય છે.  આ જોઈને કહેવું પડે કે- 

સિર્ર્ફ દસ રૂપિયે મેં

પુણ્ય કમાઓ શાન સે

ડૂબકી લગાતે

યુવક કે ગંગા-સ્નાન સે.

દસ સેકન્ડમાં સાડી પહેરવાની મર્દાનગી કે માદાંગી?

સજોડે બહાર જાવનું હોય તો પતિ  પત્નીને અલ્ટીમેટમ આપી દે છે કે એક કલાક પહેલાં તું સરસ સાડી પહેરી  ટાપટીપ કરી તૈયાર થઈ જજે, કારણ  સાડી પહેરીને મેકઅપ  કરીને તૈયાર  થતાં સ્ત્રીઓ  બહુ વાર  કરતી હોય છે. આ  પરિસ્થિતિમાં  કોઈ મરદ માત્ર દસ જ સેકન્ડમાં  સાડી પહેરીને તૈયાર થઈ જાય તો કેવી નવાઈ લાગે? એક સાડીના સ્ટોરનો  સેલ્સમેન  કસ્ટમરને સાડી કેવી લાગશે એ દેખાડવા  માટે  કાળા રંગની સાડી માત્ર દસ સેકન્ડમાં પહેરી લે છે એ દર્શાવતી  ૧૧ સેકન્ડની વિડીયો ક્લિપ  ખૂબ જ વાઈરલ થઈ. આ સુપરફાસ્ટ સાડી પહેરનારા સેલ્મેનની હજારો મહિલાઓ ફેન બની ગઈ, બોલો! સેલ્સમેનની આ ઝડપી  સાડી  વિંટાળવાની નહીં, પણ  વ્યવસ્થિત પહેરવાની  સ્ટાઈલ પર ફિદા  થઈ ગયેલી યુવતીઓ વારંવાર આ વિડીયો જોઈને ટ્રાય કરવા માંડી છે. મર્દની  આ ઝડપી સાડી પહેરવાની સ્ટાઈલને  મર્દાનગી નહીં પણ  માદાંગી  કહેવાય કે નહીં?

મિઝોરમમાં મોટું કુટુંબ સુખી કુટુંબ

જ્યારે ફેમિલી  પ્લાનિંગનો જમાનો નહોતો અને પ્લાનિંગ વિનાના ફેમિલીનો વખત હતો ત્યારે  નવપરિણીત  યુગલને વડીલો આશીર્વાદ  આપતાઃ  અષ્ટપુત્ર ભવઃ  પરંતુ આજે તો એક કે બે  બસ અથવા  નાનું કુટુંબ સુખી કુટુંબ જેવાં સૂત્રોનું  પાલન કરીને  બને  એટલાં નાના ફેમિલી  રચાય છે. સરકારો  પણ છોટા પરિવાર સુખી પરિવારનો  પૂરજોશમાં  પ્રચાર કરે છે.આ વાસ્તવિકતા વચ્ચે  મિઝોરમમાં  થોડા વખત  પહેલાં જ વધુ  બાળકોને  જન્મ આપનારી ૧૭ મહિલાઓને મોટાં મોટાં ઈનામો આપીને સન્માનવામાં આવી હતી. વિદેશી ચકમાઓની બહુમતી  ખાળવા માટે  મિઝોરમમાં  મિઝોની  વસતી વધારવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વિવિધ ચર્ચ અને યંગ મિઝો એસોસિએશન  દ્વારા શરૂ કરવામાં  આવેલી ઝુંબેશ હેઠળ  વધુ સંતાનોને જન્મ આપનારી જનેતાઓને ઈનામો  આપવામાં આવ્યા હતા. આમાં તુઈથિઆંગ વિસ્તારની  દુરૌવી  નામની મહિલાએ આઠ પુત્રી અને સાત પુત્રો એમ કુલ પંદર બાળકોને જન્મ આપ્યોહોવાથી એક  લાખ રૂપિયાનું  રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. બીજા નંબરે ૧૩ સંતાનોની માતાને ૩૦ હજારનો  પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બે મહિલા અને એક  પુરૂષને બાર-બાર બાળકો ધરાવવા બદલ પ્રત્યેકને  ૨૦ હજારનું અને અષ્ટ પુત્ર ભવ આશીર્વાદ  ફળ્યા હોય એમ આઠ  બાળકોને જન્મ આપનારી  બાર  માતાઓને  પાંચ હજારનું  કોન્સોલેશન પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.  આમ, વધુમાં વધુ સંતાનોને જન્મ આપી રોકડ ઈનામો મેળવનારી આ મહિલાઓ ગર્ભ-શ્રીમંત  જ કહેવાયને?

મૃત પત્નીની પ્રતિમા સાથે ઝૂલતા પતિ મોશાય

શહેનશાહ  શાહજહાંએ  પ્યારી  બેગમની યાદમાં  તાજમહેલ બંધાવ્યો હતો. જ્યારે આજે કલકત્તામાં  એક વિધુરે સ્વર્ગે સીધાવેલી જીવન સંગિનીની યાદમાં તેનું લાઈફ સાઈઝનું  સ્ટેચ્યુ બનાવી દેખાડી  દીધું કે દિલ એક મંદિર હૈ, પ્યાર કી જીસમેં હોતી હૈ પૂજા યે પ્રીતમ કા ઘર હૈ... પતિ-પત્ની વચ્ચે સાચો પ્રેમ હોય તો ઘર એક મંદિર બની  જાય છે,પણ ધણી-ધણિયાણી વચ્ચે વ્હેમ કે વિખવાદ હોય તો ધરતી કંપની જેમ 'ઘ' ઘરનાની જેમ  'ઘરથી-કંપ' થયા કરે છે.

 કલકત્તાના તપસ સાંડિલ્ય નામની સજ્જને પત્નીના મૃત્યુ બાદ તેની  સિલિકોનની  સુંદર પ્રતિમા અઢી લાખના ખર્ચે બનાવી. પત્ની ઈન્દ્રાણીને ગમતી સાડી અને દાગીના પહેરાવી  પ્રતિમા સજાવી છે.  જ્યારે આ પ્રતિમાને હિંચકા પર બેસાડી તપસ મોશાય બાજુમાં બેઠા હોય તો દૂરથી એમ જ લાગે કે પત્ની જીવિત છે.જ્યારે  બીજી તરફ ઝઘડાળુ,કંકાસખોર અને શંકાશીલ પત્નીઓ  સાથે છૂટાછેડા  લીધા પછી  પીડિત પતિદેવોે વારાણસીમાં ગંગા કિનારે  જઈ જીવતી પત્નીઓની  મરણોત્તર વિધિ કરી, બોલો! આવું છે, કોઈ મૃત પત્નીની યાદ જીવંત રાખે છે તો કોઈ જીવિત  પત્નીની મરણોત્તર વિધિ કરે છે. પીડિત પતિદેવો  કહે છે કે  પહેલાં પરણ વિધિ અને પછી મ-રણવિધિ.

ચાંદાનો સંબંધ સ્કોટલેન્ડ સાથે

ચાંદામામા દૂર કે પુએ પકાયે  દૂધ કે... આ બાળગીત બધાએ ગાયું હશે અને સાંભળ્યું હશે, પરંતુ અત્યારે વાત કરવી છે  આકાશમાં ઊગતા ચાંદા એટલે કે ચંદ્રની નહીં , પણ જૂના વખતમાં  ચાંદા તરીકે ઓળખાતા મહારાષ્ટ્રના ચંદ્રપુરની  અને ચંદ્રપુરના સ્કોટલેન્ડ સાથેના સંબંધની. ક્યાં ચાંદા અને ક્યાં સ્કોટલેન્ડ? બન્ને વચ્ચે સેંકડો જોજનોનું  અંતર છે. છતાં અત્યારે  સ્કોટલેન્ડની  રાજધાની એડિનબર્ગના  મ્યુઝિયમના એક વિશેષ ખંડમાં ચાંદા-પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં  કેટલાય દાયકાઓ  પૂર્વે ચાંદાના  એટલે કે  અત્યારના  ચંદ્રપુરના  આદિવાસીઓએ  નાળિયેરમાંથી  બનાવેલી  સુંદર ઢીંગલીઓ, આદિવાસી  વગાડતાં એ  લોકવાદ્યો, વાંસમાંથી બનાવેલી રંગીન ટોપલીઓ અને પક્ષીની લોક કલાકૃતિઓ જોવા મળે છે.આ પ્રદર્શન જોઈને થાય કે ચાંદાના આદિવાસીઓએ બનાવેલી કલાકૃતિઓ ઠેઠ સ્કોટલેન્ડ કેવી રીતે પહોંચી  હશે? આ વિશે તપાસ કરતા જાણકારી  મળી કે  ૧૮૭૦માં  સ્કોટલેન્ડથી આવેલા સ્કોટીશ મિશનરીઓ  ચંદ્રપુર અને ગઢચિરોલીના ગાઢ જંગલમાં  ખ્રિસ્તી ધર્મનો  પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા.  ત્યાક  પછી  ૧૯૨૦-૩૦ના  ગાળામાં  ચંદ્રપુરમાં  ચર્ચ બાંધવામાં આવ્યું  એ વખતે ધર્મપ્રચાર માટે આવેલા જોન બિસેક અને તેની પત્ની જેનેક બિસેકને  સ્થાનિક  આદિવાસીઓએ પ્રેમપૂર્વક  નાની ઢીંગલીઓ, રમકડાં, વાંસ અને ઘાંસમાંથી બનાવેલી પક્ષી  જેવી હાથ બનાવટની  ચીજો ભેટરૂપે  આપી હતી. બિસેક દંપતી સ્કોટલેન્ડ ગયું ત્યારે  બધી ભેટ વસ્તુઓ સાથે લેતું  ગયું.  આ ભેટ પેટીમાં  રાખવામાં આવેલી હતી. સ્કોટલેન્ડ ગયા પછી  આ પેટી એડિનબર્ગના મ્યુઝિયમમાં પડી હતી.  વર્ષો વીત્યાં અને બિસેક પતિ-પત્ની મૃત્યુ પામ્યાં.  તાજેતરમાં જ  મ્યુઝિયમની   કર્મચારી  રોઝાના  નિકોલેસે કુતૂહલવશ  વર્ષોથી બંધ પડેલી પેટી ઉઘાડતાં અંદરથી ચાંદાના આદિવસાઓએ બનાવેલી અદભૂત કલાકૃતિઓ  નીકળી અને  કંઈ રીતે ચંદ્રપુરથી  સ્કોટલેન્ડ  આ વસ્તુઓ પહોંચી  એની જાણકારી પણ મળી.  આમ  જાણે કોઈ જાદુઈ પેટી ખુલી અને ચાંદા તથા સ્કોટલેન્ડ વચ્ચેના સંબંધનો ઈતિહાસ ઉજાગર થયો.

પંચ-વાણી

આઝાદીની લડત વખતે નારો ગાજતો - 

ઈન્કલાબ ઝિંદાબાદ

આજ લાભ ખાટવામાં પાવરધા નેતાઓને જોઈને નારો લગાડવો પડે 

-ઈનકા-લાભ-ઝિંદાબાદ.

Gujarat