મોબાઈલ-કમ્પ્યુટર અડધી દુનિયાની આંખો બગાડશે

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
કોઈ પર નજર બગાડવી એ ગુનો છે, પણ પોતાની જ આંખ બગાડવી એ ગુનો નથી. એટલે ભારત સહિત દુનિયાભરના લોકો મોબાઈલ, ટેબ્લેટ અને કમ્પ્યુટર સ્ક્રીન પર કલાકો સુધી જોતા જ રહી નાહક પોતાની આંખો બગાડે છે. આજે દુનિયાના ૩૦ ટકા લોકો આંખની તકલીફ ભોગવે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, દુનિયાની અડધોઅડધ વસતી મોબાઈલના અતિશય ઉપયોગને કારણે આંખની જાતજાતની તકલીફ ભોગવતી હશે. મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર સતત જોતા રહેવાને કારણે આંખોમાં બળતરા થાય છે, આંખો ઉપર તાણ વધી જાય છે, માથાનો દુઃખાવો થાય છે, આંખે ઝાંખપ આવે છે, સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટને કારણે મેલાટોનિન હોર્મોનનુ શરીરમાં ઉત્પાદન ઘટવાથી અનિદ્રાની બીમારી લાગુ પડે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે બાળકોમાં મોબાઈલનું વળગણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે. મેં તો સાંભળ્યું છે કે કેટલાક શહેરમાં બાળકોને મોબાઈલ 'મેગ્નેટ'થી છૂટા પાડવા સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડ ખોલવામાં આવ્યાં છે. મોબાઈલના મોહપાશમાંથી છુટકારો મેળવવા માટે હવે તો ધર્મગુરૂઓ ડિજિટલ ઉપવાસ કે 'સેલ-સન્યાસ'ની પણસલાહ આપવા માંડયા છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ઝડપી સંપર્ક સાધવા માટે મોબાઈલની અને સમય બચાવવા કમ્પ્યુટરની શોધ થઈ હતી, પરંતુ આજે વરવી વાસ્તવિકતા એ છે કે મોબાઈલ આવ્યા પછી લોકો વચ્ચેનો રૂબરૂ સંપર્ક તૂટી ગયો છે. સમય બચાવવા શોધાયેલા કમ્પ્યુટરની પાછળ જ લોકો સમય વેડફે છે. મોબાઈલ ફોને તો ભલભલા ભણેલા ગણેલા માણસોને 'અંગૂઠાછાપ' બનાવી દીધા છે. જેલમાં કેદીઓ માટે સેલ હોય છે, જ્યારે મોબાઈલને સેલ-ફોન કહે છે એ અર્થમાં કહી શકાય કે 'સેલ'માં ખોવાયેલા રહેતા લોકો પોતે જ સજા ભોગવે છે. ઘણા મોબાઈલ ઘેલા મનોમન એવી પણ પ્રાર્થના સરતા હશે કે હે પ્રભુ, અમને ઝાંઝા હાથ આપ તો એકસાથે કેટલાય ફોન ઓપરેટ કરી શકીએ દો આંખે બારહ હાથ ઔર સેલ કા સાથ.
કન્યાનો ફોટો દેખાડીને એની માતા સાથે નિકાહ
અજબ તેરી દુનિયા, ગજબ તેરા ખેલ, શાદી કે ચક્કર મેં દામાદ ઔર સાસ કા મેલ... ખરેખર અજબગજબ લગ્નના કિસ્સા છાપે ચડવા માંડયા છેો. જમાઈરાજાએ સોહામણી સાસુ સાથે ભાગીને લગ્ન કરી લીધાં, કન્યાની માતાએ દીકરીના સસરા સાથે વિવાહ કરી લીધાં. આવાં નવીનવાઈનાં લગ્નના કિસ્સા સામે આવતા જાય છે એમાં એક ઉમેરો થયો હતો.
ઉત્તર પ્રદેશના મેરઠમાં પરણવાલાયક યુવકને ૨૧ વર્ષની યુવતીનો ફોટો દેખાડવામાં આવ્યા પછી તેની ૪૫ વર્ષની મમ્મી સાથે નિકાહ કરાવી દેવામાં આવ્યાં. જે યુવતીનો ફોટો દેખાડી નામ આપવામાં આવેલું તેનાંથી જુદું જ નામ મૌલવીએ ઉચ્ચાર્યું અને 'નિકાહ કબૂલ છે?' એમ પૂછયું ત્યારે દુલ્હારાજા ચોંકી ઉઠયો હતો મહિલાના ચહેરા પરનો પડદો હટાવતા ખબર પડી કે કન્યાને બદલે તેની મમ્મી સાથે નિકાહનો કારસો રચાયો હતો. તરત તે પોલીસમાં ફરિયાદ કરવા દોડી ગયો હતો.
એવું કહેવાય છે કે લગ્નો તોે સ્વર્ગમાં નિર્માયાં હોય છે, એમાં ઉમેરો કરીને નવેસરથી કહી શકાય કે લગ્નો તો સ્વર્ગમાં જ નિર્માયાં હોય છે, લફરાં ધરતી ઉપર થાય છે.
મોબાઈલ જુગારની લત બગડી ગઈ હાલત
લતને કારણે બેહાલ થઈ ગયેલા માણસને પૂછીએ કે લત લાગી છે? ત્યારે એ કહેશે હા... લત છે માટે જ આવી હા-લત છે. કોઈને દારૂની લત હોય તો કોઈને જુગારની લત હોય. આ બન્ને લત માણસને પાયમાલ કરી નાખે છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના ગામડે રહેતા યુવાન ખેડૂતને મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમવાની લત લાગી હતી. હાર્યો જુગારી બમણું રમે એ કહેવત જાણે સાચી પાડવા માગતો હોય એમ જેમ જેમ હારે એમ એમ વધુ રમતો જાય. આ વખતે ભલે હાર્યો, આવતા વખતે ચોક્કસ જીતીશ, એમ માનીને રમતો જ ગયો... રમતો જ ગયો. આખરે ઓનલાઈન જુગારમાં આ ખેડૂતે ૯૦ લાખ રૂપિયા રોકડા, બે તોલા સોનું અને સોનાના કટકા જજેવી છ એકર ઉપજાઉ જમીન ગુમાવી. ખેડૂતનો ખજાનોખાલી થઈ ગયો ત્યારે એને ભાન થયું કે જુગારની લતને લીધે કેવી હાત થઈ? પણ પેલા દોહામાં કહ્યું છે ને કે, અબ પછતાયે ક્યા હોેઈ, જબ ચિડિયા ચુગ ગઈ ખેત...
'પત્નીવ્રતા' પતિએ બાંધ્યું પત્નીનું મંદિર
'દિલ એક મંદિર હૈ, પ્યાર કી જિસ મેં હોતી હૈ પૂજા, યે પ્રીતમ કા ઘર હૈ...' દિલ એક મંદિર છે એમાં જેને દિલથી ચાહતા હોઈએ તેની મૂર્તિ સ્થાપવાની હોયને? બિહારના મોતીહારીમાં નિવૃત્ત પંચાયત સેક્રેટરી બાલકિશન રામે મૃત પત્નીની સ્મૃતિમાં ભવ્ય મંદિર બંધાવ્યું અને પત્નીની સુંદર મૂર્તિ સ્થાપી. થોડાં વર્ષ પહેલાં બાલકિશન રામનાં પત્નીનું અવસાન થયા પછી તેમને માટે વિયોગ જીરવવો મુશ્કેલી બની ગયો હતો. એકલતા કોરી ખાતી હતી. એટલે પત્ની મૂર્તિસ્વરૂપેનજર સામે જ રહે માટે તેમણે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમને ૬૦ લાખ રૂપિયા મળેલા એ બધી જ રકમ પત્નીનું મંદિર બાંધવા પાછળ ખર્ચી નાખી. મંદિરમાં ભગવાનની નહીં પણ પત્નીની મૂર્તિની સ્થાપના કરી હતી. ખરા અર્થમાં આને પત્નીવ્રતા કહેવાય.
પાણીની કઠણાઈ ન વાગે લગ્નની શરણાઈ
ગામમાં પાણી ન હોય તો પરણેતર ક્યાંથી આવે? લગ્નના ફેરા ફરીને પછી કઈ કન્યા એક બેડું ભરવા માઈલોના ફેરા કરવા તૈયાર થાય? જે ગામે ઘરોમાં પાણી ન આવતું હોય ત્યાં પોતાની દીકરીને પરણાવવા ક્યાં મા-બાપ તૈયાર થાય? આ વરવી અને વસમી વાસ્તવિકતા છે મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના અંતરિયાળ ગામડાઓની. આ વિસ્તારના હજારો ગ્રામજનો વર્ષોથી વિકટ જળસંકટનો સામનો કરે છે. ગામડાની મહિલાઓએ એક બાલદી કે બેડા પાણી ભરવા માટે માઈલો સુધી ચાલીને જવું પડે છે. ખાબોચિયામાંથી દૂષ।તિ પાણી ભરવું પડે છે. કોઈ જગ્યાએ પાળી વગરના કૂવામાંથી જોખમ ઉઠાવી ઘડા ભરવા પડે છે. છેલ્લાં થોડા વખત દરમ્યાન કેટલીક મહિલાઓએ ડૂબીને જીવ ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા હતા. જ્યાં સૌથી વધુ પાણીનો પ્રોબ્લેમ છે એ ગામંડાઓમાં ૨૦૧૫ પછી એક પણ લગ્નની શરણાઈ નથી વાગી, કોઈ મા-બાપ પોતાની દીકરીઓને આ ગામડામાં વસતા યુવકોને પરણાવવા નથી માગતાં, કારણ કે પરણ્યા પછી દીકરીએ આખી જિંદગી પાણીના બેડાં સારવા પડે એવું કયા મા-બાપ ઈચ્છે? બસ, આ કારણથી ગામડાંઓમાં પૈણું પૈણું કરતા રહી ગયેલા વાંઢાઓની સંખ્યા વધવા માંડી છે. અમુક યુવાનો તો લગ્ન થઈ શકે માટે ગામ છોડીને શહેરમાં જવા લાગ્યા છે. વોટર લિસ્ટ (મતદાર યાદી)માં વોટરોનાં નામો ઉમેરાતાં જાય અને વોટરો વધતા જાય એ આવકારદાયક બાબત છે, પણ વોટર (પાણી) વિના વાંઢાની સંખ્યા વધતી જાય એ કેવી કઠણાઈ કહેવાય?
પંચ-વાણી
રંગ છે રંગ છે રંગ છે
લીડરોને રક્ષવા બંદૂકધારી
સંગ છે,
આમ જનતાના ગોળી ખાવા
ઉઘાડા અંગ છે,
લોકશાહીના શાહીલોકનો આવો
ઢંગ છે
રંગ છે રંગ છે રંગ છે.

