For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખાઈકે પાન બનારસવાલા... .

Updated: Feb 2nd, 2024

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ખાઈકે પાન બનારસવાલા, ખુલ જાય બંધ અકલ કા તાલા... બનારસી પાનની લહેજત જ અનોખી હોય છે. પાન ચાવતાંની સાથે જ જાણે દિમાગની ખીડકીઓ ટપોટપ ખુલવા મંડે છે. એટલે જ તો બનારસી પાનને જી.આઈ. (જ્યોગ્રોફિકલ ઈન્ડિકેશન) ટેગ મળ્યું છેને! મશહૂર શરણાઈવાદક બિસ્મીલ્લા ખાનસાહેબ કહેતા કે બનારસમાં સંગીત, ધાર્મિક વાતાવરણ અને ગંગા કિનારે ગંગા-જમની તહેઝીબ તેમ જ મજેદાર પાનના રસ જેવા જાતજાતના રસથી બનેલા શહેરનું નામ જ 'બના-રસ' પડયું છે. આ બનારસમાં બનારસી પાનની ૧૩૩ વર્ષ જૂની દુકાન છે. આ ઐતિહાસિક દુકાનનો સ્વાદ લાલબહાદુર શાસ્ત્રીજી સહિત અનેક નેતાઓ લઈ ચૂક્યા છે. આ પાનની દુકાનનું નામ જ 'નેતાજી પાન ભંડાર' છે. ૧૮૯૦માં રામેશ્વર પ્રસાદ ચૌરસિયા ઉર્ફે નેતાજીએ એક વિસ્તારમાં આ પાનની દુકાન શરૂ કરી હતી. નેતાજીએ પોતાને હાથે બનારસી પાન બનાવીને અનેક નેતાઓને ખવડાવ્યા હતા. આજે તેમની ચોથી પેઢી આ દુકાન સંભાળે છે. સામાન્ય રીતે રાજકારણમાં નેતાઓને માનપાન મેળવવાના અભરખા હોય છે, પણ બનારસની એક જ દુકાન એવી છે  જે સામેથી નેતાઓને માનથી પાન આપે છે.

બરેલી કા ઝુમકા બંગાલ કા ઠુમકા

ઝુમકા ગીરા રે બરેલી કે બજાર મેં ... ઝુમકા ગીરા રે....  'મેરા સાયા' ફિલ્મમાં સાધનાએ આ હલકદાર ઝુમકાના ગીત પર જે ઠુમકા લગાવ્યા હતા તેને છ દાયકા વીત્યા છતાં લોકો ભૂલ્યા નથી. આ ગીતની લોકપ્રિયતા કેટલી હશે, જરા કલ્પના તો કરો કે બરેલીની મહાપાલિકાએ બરેલીના બજારમાં ત્રણેક કરોડના ખર્ચે ઝુમકાનું સ્મારક ઊભું કર્યું છે. બરેલીના ઝુમકા ગીત પર અભિનેત્રી સાધનાએ ઠુમકા લગાવેલાં, જ્યારે થોડા મહિના પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વખતે બોલિવુડના અભિનેતાઓ સાથે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા. આ ઠુમકા લેતા મમતાજીને જોઈને ભાજપના એક વરિષ્ઠ નેતાએ ટીકા કરી કે પશ્ચિમ બંગાળ દેવાના ડુંગર નીચે દબાયેલું છે અને મમતાજી નાચીને ઠુમકા લગાવે છે. આના જવાબમાં કાયમ તમતમતા મમતાએ સંભળાવ્યું કે ભાજપના નેતા મહિલાઓની નફરત કરે છે એટલે જ આવાં નિવેદન કરે છે, જે બહુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આમ તો હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી જાતજાતના ખેલ અને જાતજાતના નાચ શરૂ થઈ ગયા છે. એમાં જ્યારે મમતા બેનર્જીએ નિર્ણય જાહેર કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી બંગાળમાં  એકલી જ લડશે. કોંગ્રેસના 'હાથ' સાથે હાથ નહીં મિલાવે ત્યારે આ વાતને નાચના ઠુમકાના સંદર્ભમાં મમતા બેનર્જી કંઈક આવું કહી પણ શકેઃ અકેલી મેં નાચ લુંગી પર કોંગ્રેસ કે સાથ ના-ચલુંગી.

મૈસૂરનો મજેદાર મૈસૂરપાક

શિયાળામાં ગરમી મેળવવા માટે લોકો ગુંદરપાક, સાલમપાક, અદરકપાક જેવા જાતજાતના પાક ખાતા હોય છે. હળવાશથી કહેવું હોય તો કહી શકાય કે વઢકણી વહુ આઠ મહિના ધણીને ધાકમાં રાખે અને શિયાળાના ચાર મહિના જાતજાતના પાકમાં રાખે... પણ બારે માસ લોકો ટેસથી અને ટેસ્ટથી ખાય એવો એક જ પાક છે - મૈસૂરપાક. મૈસૂરપાક મીઠાઈના નામનો અપભ્રંશ થયા પછી કોઈ મેસૂર કે મેસુબ પણ કહેતા હોય છે, પણ સાચું નામ મૈસૂર પાક છે. 

આ મીઠાઈની શોધ કેવી રીતે થઈ એનો રસપ્રદ ઈતિહાસ છે. મૈસૂરના મહારાજા કૃષ્ણરાજ વાડિયાર ખાવાપીવાના ખૂબ શોખીન હતા. ૧૯૩૫ની આસપાસ મૈસૂરના અંબાવિલાસ પેલેસના રાજાશાહી રસોડામાં મુખ્ય રસોઈયા તરીકે ફરજ  બજાવતા મદપ્પા રાજાને અવનવી મીઠાઈઓ બનાવીને ખવડાવતા. એક વાર મદપ્પાને વિચાર આવ્યો કે મહારાજા સાહેબને કોઈ નવી જ મીઠાઈ ખવડાવું કે જેથી એમને મજા આવી જાય. મુદપ્પાએ બેસનનો લોટ, સારી પેઠે ચોખ્ખું ઘી અને દળેલી સાકરનું મિશ્રણ કરી કડાઈને ચૂલે ચડાવી. આ મિશ્રણ  ગરમ થયા પછી એકરસ થઈ ગયું. તેણે થાળીમાં ઠારવા મૂક્યું. ઠરી ગયા પછી જાળી પડી ગઈ. આ નવી મીઠાઈ લઈ મુદપ્પા રાજા પાસે ગયો. કૃષ્ણરાજ વાડિયારે મીઠાઈ ચાખતાંની સાથે જ આફરીન પોકારી ઉઠયા.મુદપ્પાને પૂછયું કે આ વળી કઈ મીઠાઈ છે? મુદપ્પાએ જવાબ આપ્યો કે મૈસૂરના મહેલમાં આ મીઠાઈનો જન્મ થયો એટલે એનું નામ મૈસૂરપાક! 

બસ પછી તો મોટા મનના રાજાએ કહ્યું કે આ મીઠાઈ રાજવી ઘરાના સુધી જ મર્યાદિત ન રહેવી જોઇએ, આમ આદમી સુધી પહોંચવી જોઈએ. એટલે તેમણે મદપ્પાને મીઠાઈની દુકાન ખોલી એમાં મૈસૂરપાકનું વેચાણ કરવાની પરવાનગી આપી. ત્યારથી મૈસૂર પાકનો ટેસ્ટ ધીમે ધીમે આખા ભારતના  સ્વાદિયા લોકોની દાઢે વળગ્યો. દક્ષિણમાં આજે પણ મૈસૂરપાક મીઠાઈના રાજા તરીકે ઓળખાય છે. એમ કહી શકાય કે દેશ આઝાદ થતા રાજાશાહી ગઈ, પણ રાજાશાહી મીઠાઈ રહી.

એક માત્રગ્રામોફોન મ્યુઝિયમ

હિઝ માસ્ટર્સ વોઈસ (અચએમવી)નું નામ સાંભળતાની સાથે જ નજર સામે ચાવીવાજાના ભૂંગળા સામે બેઠેલા શ્વાનનું ચિત્ર તરવરે. આજે તો મોબાઈલ ફોનની ભૂંગળીઓ કાનમાં ખોંસીને લોકો દુનિયાભરનું સંગીત સાંભળવાની મજા લેતા હોય છે. પણ એક જમાનો હતો ગ્રામોફોનનો, જ્યારે ચાવીવાળા ગ્રામોફોન પર રેકોર્ડ મૂકી ભૂંગળામાંથી નીકળતાં ગીતો લોકો સાંભળતાં. આજે તો ભૂંગળાવાળા ગ્રામોફોન મશીનો એન્ટિક તરીકે ચોરબજારોમાં વેંચાય છે. જોકે એવા પણ શોખીનો છે જેમણે ગ્રામોફોન અને દુર્લભ રેકર્ડ્ઝ જતન કરીને સાચવી છે. આવા જ એક શોખીને દેશનું પહેલવહેલું ગ્રામોફોન મ્યુઝિયમ કેરળના કોટ્ટાયમ શહેરમાં સ્થાપ્યું છે. આ સંગ્રાહકનું નામ છે સન્ની મેથ્યુ. ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બતાવી ચૂકેલા સન્ની મેથ્યૂ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તેના સંગીતપ્રેમી પિતા તેમને અવાર નવાર રેકર્ડ ભેટ આપતા. બસ, ત્યારથી રેકોર્ડ વગાડવાનો શોખ લાગ્યો. ભણીગણી મોટા થયા પછી એમણે ગ્રામોફોન મ્યુઝિયમ ઊભું કરવાનો નિર્ધાર કર્યો. અનેક શહેરોમાં ચોરબજારોમાં ફરી ગ્રામાફોન અને જૂની રેકર્ડ્ઝ  ભેગા કરવા માંડયા. વર્ષોની મહેનત બાદ જ્યારે ફોરેસ્ટ ઓફિસર તરીકે રિટાયર થયા ત્યારે જે રકમ મળી એ બધી દેશના સર્વ પ્રથમ સન્ની ગ્રામાફોન મ્યુઝિયમ ઊભું કરવા પાછળ ખર્ચી નાખી, આજે આ મ્યુઝિયમમાં ૨૫૦થી વધુ ગ્રામાફોન અને એક લાખથી વધુ રેકોર્ડનો દુર્લભ ખજાનો છે. ભારતમાં પહેલી જ વાર ૧૪ વર્ષની કન્યા સોશી મુખીનું ગીત રેકોર્ડ થયું હતું એ રેકોર્ડ મ્યુઝિયમમાં મોજૂદ છે. ઉપરાંત મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નેહરુ, ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર અને સુભાષચંદ્ર બોઝના પ્રવચનોની રેકર્ડ્ઝ પણ સંભાળપૂર્વક જાળવવામાં આવી છે. રમતગમત સહિતનાં ક્ષેત્રોમાં અવારનવાર રેકોર્ડ-બ્રેક થતા હોય છે, પણ કોટ્ટાયમના મ્યુઝિયમમાં એક પણ રેકોર્ડ 'બ્રેક'ન થાય તેની કાળજી લેવામાં આવે છે.

પંચ-વાણી

સઃ ઠેકેદાર કોને કહેવાય?

જઃ એક પક્ષમાંથી બીજા પક્ષમાં ઠેકાઠેક કરે એને કહેવાય ઠેકેદાર.

Gujarat