બિહાર... જ્યાં પોલીસ પર પ્રહાર .


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જૂની કહેવત છે કે માર ખાધો પણ ફોજદારને  જોયા,  પણ ફોજદારને  જ માર ખાવાનો વખત આવે ત્યારે કેવી  કફોડી  દશા થાય? બિહાર પોલીસની આવી જ કફોડી  દશા  થઈ છે.  લોકોની પીટાઈ  કરવાવાળા  ખુદ લોકોના હાથે પીટાઈ જાય છે. ૨૦૨૨ના  વર્ષની શરૂઆતથી  અત્યાર સુધીમાં  બિહાર પોલીસ ઉપર ૧,૨૯૭ વખત જુદા જદા જિલ્લામાં  હુમલા થઈ ચૂક્યા  છે, બોલો! જનતા ખાર ખાય ત્યારે  પોલીસ માર ખાય એવી દશા છે. વારંવાર પીટાતા  જાય એવાં  પોલીસોને  ગુજરાતી અને અંગ્રેજીની   મિલાવટવાળી આપણી ગુજરેજી  ભાષામાં  શું કહેવાય ખબર છે? રિ-પીટ. માર ખાતા બિહારના પોલીસોની દશા જોઈ કહેવું પડે કે -

ડંગોરા ફટકારનારા જ્યાં પીટાય

એવી દશા બિહારની,

કાનૂન વ્યવસ્થા સંભાળનારા

ખુદ પીટાય એ નિશાની હારની.

ટોપ ઘરવાળી

લાવે ટોપલામાં

લેડીઝ  ડ્રેસમાં  ટોપનું  બહુ મહત્ત્વ છે. જાતજાતના  અને ભાતભાતનાં  ટોપ પાછળ  ફેશનેબલ  યુવતીઓ હજારો   રૂપિયા વાપરતા  અચકાતી નથી. એ  તો કહે છે , અપને કો  ટોપ  એકદમ ટોપ ચાહિયે.   બીજી  તરફ પૈણું-પૈણું કરતો જુવાનિયો મનોમન  ટોપમાં  ટોપ કન્યા  સાથે પરણવાના  મનોમન  ઘોડા  ઘડતો હોય છે. યાર દોસ્તો પણ એને પાનો ચડાવતા  કહે છે કે  ઘરવાળી  એકદમ  ટોપ-લા... એકદમ  ટોપ-લા, પરંતુ  કન્યાને  ખુદ ટોપલામાં  બેસાડીને  વાજતે ગાજતે   લગ્ન મંડપમાં  લાવવામાં  આવે એ દ્રશ્ય જોઈ કેટલું આશ્ચર્ય  થાય?  આ દ્રશ્ય  કાયમ  ગુસ્સામાં  તમતમતા  રહેતા મમતા બેનર્જીના પશ્ચિમ  બંગાળમાં જોવા  મળે છે. મમતા બેનર્જી તો કેન્દ્ર સરકારને માથે  દોષના  ટોપલા  ઢોળવામાંથી  ઊંચા નથી આવતાં,  પણ પશ્ચિમ  બંગાળના  બાલુરઘાટના  આદિવાસીઓમાં   ટોપલાનો ઉપયોગ  લગ્નના શુભપ્રસંગે  થાય છે . એવી પ્રથા છે  કે લગ્ન  વખતે કન્યાને વાંસના મોટા  ટોપલામાં  બેસાડી  પરિવારજનો તેને લગ્ન મંડપમાં  લઈ જાય  છે. આપણામાં જેમ વરરાજા  ઘોડા ઉપર બેસીને  પરણવા માટે આવે છે  એમ બાલુરઘાટમાં દુલ્હનને ટોપલામાં બેસાડીને લગ્ન મંડપમાં  પહોંચાડવાની  પરંપરા પરાપૂર્વથી  ચાલી આવે છે. ટોપ અને ટોપલાની  આ વાત  સંબંધી  એક હાથબનાવટનું  જોડકણુંં યાદ આવ્યું કે-

વાંસના ટોપલાં કન્યા બેસે

ખાસ, રિવાજ કેવો ટોપ છે!

હિમાચલ બાજુ તો 

ગામનું નામ પતની-ટોપ છે.

અ...ધ...ધ ૫૦ હજાર બનાવટી લગ્ન

ઘણીવાર લગ્ન પછી પતિ-પત્ની એકબીજાની  બનાવટ કરતાં હોય છે, પરંતુ  લગ્ન જ  બનાવટી  થાય તો?  પાછાં બે-ચાર  નહીં, ૫૦ હજાર બનાવટી  લગ્નનું  જમ્બો કૌભાંડ  મધ્ય પ્રદેશમાં  બહાર આવ્યું છે. મધ્ય પ્રદેશ  સરકારે ગરીબ  કન્યાઓને  પરણાવવા માટે ૫૧ હજાર  રૂપિયા  આપવાની જાહેરાત કરી. આ યોજના  જાહેર થતાંની  સાથે જ  ફળદ્રુપ ભેજાવાળા ફસામણી  બહાદુરોની  દાઢ સળકી. એટલે  ખરેખર  ગરીબ કન્યાઓને પરણાવવાને  બદલે ફક્ત  કાગળ ઉપર જ લગ્ન  કરાવીને  આ બોગસ  બહાદુરો  ૫૧-૫૧  હજારની  રકમ પચાવી  પાડવા માંડયા. આમ, કોરોનાના  લોકડાઉન દરમિયાન ૫૦ હજાર બોગસ લગ્નો કરાવીને રેકેટીયરોએ કરોડો રૂપિયા ઘરભેગાકરી દીધા ત્યારે  સરકાર સફાળી જાગી. 

બિહારના વિદિશા જિલ્લામાં  તો ૩૫૦૦ બનાવટી  લગ્નનો  વિક્રમ નોંધાયો.  સરકારે  આર્થિક  અપરાધ  શાખાને કામે  લગાડી અને  તપાસનો દોર શરૂ કર્યો છે.  એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ે પણ મધ્ય પ્રદેશની  ઈકોનોમિક ઓફેન્સીઝ વિંગ  પાસે રિપોર્ટ માગ્યો છે કે  બનાવટી લગ્નને નામે કોણે કરોડો  રૂપિયાનું   કૌભાંડ કર્યું છે? કોરોનાકાળના  આ બનાવટી   લગ્નનું  રેકેટ પકડાતા 'નાણાવટી રે સાજન બેઠું માંડવે...' એ લગ્ન ગીતને  ઠગાઈના  લગ્નગીતમાં   ફેરવીને ગાવાની  નોબત આવી છે - 

'બનાવટી રે  સાજન બેઠું માંડવે...'

સરપંચ પદનું લીલામ

હિન્દી ફિલ્મોમાં  ઘણીવાર  આવા  સીન જોવા  મળે જેમાં  દેવામાં ડૂબેલા વ્યક્તિની   માલમિલકત  અને બંગલાનું  લીલામ  થાય. ધંધાદારી  ક્રિકેટમાં  ક્રિકેટરોનું  લીલામ થાય  છે અને  ઊંચી બોલી  બોલાય છે. જ્યારે  રાજકારણના  મેદાનમાં  ભ્રષ્ટાચારી નેતા  ઝડપાય ત્યારે તેની  આબરૂનું  લીલામ  થાય છે, પણ સારા કામ માટે સરપંચ  પદની લીલામી  થાય અને  લાખોની બોલી બોલવામાં  આવે એવું સાંભળ્યું છે? આ  અજબ  લીલામ  તાજેતરમાં  જ મધ્ય પ્રદેશના ગુના  જિલ્લાના લાલોની ગામડામાં  યોજાયું  હતું. ગામમાં ભવ્ય ગોવર્ધન મંદિરના  નિર્માણની યોજના  ઘડવામાં  આવી. મંદિરના બાંધકામ  માટે લાખોના  ખર્ચને  પહોંચી વળવા  નવી તરકીબ  વિચારવામાં આવી. સરપંચ પદની લીલામી કરવામાં આવે  અને જે સહુથી ઊંચી રકમ  બોલે તેને સરપંચ  બનાવવામાં  આવે. સરપંચ બનવામાટે  બે  દાવેદાર સામેઆવ્યા.  કાંતિબાઈ અને શ્યામબાઈ. શ્યામબાઈએ  ૨૨ લાખ રૂપિયાની   બોલી  લગાવી  અને કાંતિબાઈએ  ૨૩ લાખની  બોલી  લગાવી.  આમ, સરપંચ પદ  કાંતિબાઈને મળ્યું અને  આટલી  મોટી રકમ   હાથમાં આવતાં  પાંચ વિઘા જમીન પર ભગવાન  શ્રીકૃષ્ણનું  ભવ્ય ગોવર્ધન મંદિરના  બાંધકામની  તૈયાર શરૂ  કરવામાં  આવી છે.  મજાની વાત  એ છે કે ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં  બધી જ  મહિલાઓ  બિનવિરોધ  ચૂંટાઈ આવી છે .૨ આ સદ્કાર્ય માટે લીલામની તરકીબ અજમાવાઈ એ જોઈને કહેવું પડે કે-

ભલે થયું સરપંચ

પદનું લીલામ,

મોટી રકમ આવશે

મંદિરના બાંધકામમાં કામ.

હાથીની કેવી હાથીગીરી?

હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવાલાખનો એવી કહેવત છે, પણ હાથીના  ઝુંડની  ઠેર ઠેર  વધતી  રંઝાડ  જોઈ કહેવું પડે કે હાથી શાંતિથી  ફરે તો  લાખનો  અને વિફરે તો  રાખનો... ઓડિશાના જંગલમાં   હાથીઓની  આવી જ  રંઝાડ  વધતી જાય છે.  રાઈપાલ નામના  ગામડાની ૬૮ વર્ષની  માયા મુરમુ  નામની મહિલા જંગલમાં  લાકડા  વીણવા  ગઈ હતી  એ જ વખતે  હાથીઓનું  ઝૂંડ ચિંધાડ નાખતું ધસમસતું  આવી ચડયું. હાથીથી જીવ બચાવવા માયાએ મુઠ્ઠી વાળી ભાગી  છૂટવાનો  પ્રયાસ  કર્યો. કમભાગ્યે એક હાથી  તેની  પાછળ પડયો અને જમીન  પર  પાડી વજનદાર  પગ મૂકી  છૂંદી નાખી. આસપાસના લોકો  ભેગા થઈ  ગયા. ગંભીર  હાલતમાં  પડેલી  મહિલાને નજીકની હોસ્પિટલે   લઈ ગયા.   પરંતુ  હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવે એ પહેલાં જ તે  મૃત્યુ પામી. જ્યારે  આ મહિલાને સ્મશાને લઈ જવા માટે ડાઘુઓ ભેગા થયા  અને સ્મશાનયાત્રા કાઢી  ત્યારે ફરીથી  જંગલમાંથી  હાથીનું  ઝૂંડ ઘસી આવ્યું. જીવ બચાવવા માટે મહિલાની  નનામી નીચે  મૂકી બધા  ડાઘુઓ  ભાગી ગયા.  એક જમ્બો  હાથી નજીક  આવ્યો  અને મહિલાના મૃતદેહને  સૂંઢથી  ઉપાડી દૂર ફંગોળી  દીધો, એટલું  જ નહીં, આ  મહિલા રહેતી હતી  એ ઘરને પણ તહસનહસ કરી નાખ્યું. હાહાકાર મચાવીને  હાથીઓ  જંગલ ભેગા  થયા. કોણ જાણે  કમનસીબ  મહિલાએ   હાથીનું  શું બગાડયું  હશે?   દાદાની દાદાગીરી જેમ હાથીની આ હાથીગીરી  જોઈને કહેવું પડે કે -

હાથીઓનું ભેજું ઠેકાણે

હોય તો કૈંકને  તારે,

પાણીના પૂરમાં  પાર ઉતારે,

પણ વિફરે તો એ 

કૈંકને ંમારે,

અને ટાઢા ન પડે તો 

મરેલાને પણ પડે ભારે.

પંચ-વાણી

માણસ ઉડાડે માખી

માણસને ઉડાડે તુ-માખી.

City News

Sports

RECENT NEWS