જીવનમાં કયારેય મેથ્સ અને સાયન્સથી દુર રહી શકાય જ નહીં : જય વસાવડા
- લાઈવ કાર્યક્રમમાં રાજયભરમાંથી યુવાનો જોડાયા
ગાંધીનગર, તા. 22 જૂન 2020, રવિવાર
કોરોનાની મહામારીના કારણે હાલમાં ઓનલાઈન એજ્યુકેશન એક અનિવાર્ય અંગ બની ગયું છે ત્યારે વિવિધ વિષયોને આધારીત સંવાદ પણ ઓનલાઈન થઈ રહયો છે. જે અંતર્ગત ઈન્સ્ટાગ્રામ લાઈવ ઉડાન કાર્યક્રમમાં રાજયભરમાંથી યુવાનો જોડાયા હતા. આ સંવાદમાં ગાંધીનગરના યુવા કેળવણીકાર કેવલ ત્રિવેદી અને ગુજરાત સમાચારના કટાર લેખક જય વસાવડા વચ્ચે યોજાયેલા સંવાદમાં વિજ્ઞાાન વિદ્યા શાખામાં ઉજજવળ ભવિષ્ય માટેની માનસિકતા અને સજજતાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જય વસાવડાએ જણાવ્યું હતું કે વિજ્ઞાાન એ માણસના જીવન સાથે સતત જોડાયેલું મહત્વનું અંગ રહયું છે તો જીવનમાં કયારેય મેથ્સ અને સાયન્સથી દુર રહી શકાય નહીં. આમ હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એક પ્લેટફોર્મ ઉપર સહમત થઈ ચુકયા છે અને એન્ડ્રોઈડ તથા લેપટોપ ઓનલાઈન એજયુકેશન સૌથી મહત્વની દિશા બનીને ઉભરી આવ્યું છે. આમ આ સંવાદમાં નીટ અને જીની પરીક્ષા માટે કેવા પ્રકારની સજજતા કેળવવી જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.